વડનગરમાં નિર્માણ પામી રહેલા ‘સંગીત સંગ્રહાલય’ની CMએ લીધી મુલાકાત, કહ્યું 'અહીં લોકોને સંગીતના એક અદભુત વિશ્વનો અહેસાસ થશે'
મુખ્યમંત્રીએ સંગ્રહાલયના વિવિધ વિભાગો અને પ્રદર્શિત થનારી સામગ્રી અંગે વિગતવાર જાણકારી મેળવી હતી અને પ્રોજેક્ટની કામગીરી સમયસર પૂર્ણ કરવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Published : June 23, 2026 at 8:44 PM IST
મહેસાણા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર વડનગર ખાતે આકાર લઈ રહેલા અત્યાધુનિક ‘સંગીત સંગ્રહાલય’ની મુલાકાત લીધી હતી, અહીં તેમણે સંગીત સંગ્રહાલયના ચાલી રહેલા નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ સંગ્રહાલયના વિવિધ વિભાગો અને પ્રદર્શિત થનારી સામગ્રી અંગે વિગતવાર જાણકારી મેળવી હતી અને પ્રોજેક્ટની કામગીરી સમયસર પૂર્ણ કરવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વડનગરની ખ્યાતનામ લોકગાયિકા બહેનો તાના-રીરીની પવિત્ર સ્મૃતિને સમર્પિત આ સંગીત સંગ્રહાલય ખાતે ભારતીય સંગીતની હજારો વર્ષ જૂની સફરને આદિમ યુગથી લઈને આધુનિક કાળ સુધીના વિવિધ તબક્કાઓમાં એક અનોખા અને અનુભૂતિમય સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવશે.

આ અનોખો પ્રકલ્પ માત્ર એક પ્રદર્શન પૂરતો સીમિત ન રહેતા, નવી પેઢીને ભારતીય સંગીતના મૂળભૂત તત્વો સાથે જોડવાનું એક સબળ સાંસ્કૃતિક માધ્યમ બની રહેશે અને ભારતની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંગીત પરંપરાના સંરક્ષણ અને સંવર્ધન માટે એક મહત્વનું વૈશ્વિક માધ્યમ બની રહેશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા વડનગર વૈશ્વિક નકશા પર ભારતીય સંગીત વારસાના એક જીવંત અને પ્રેરણાદાયી સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે.
વડનગરની પવિત્ર ધરા પર સંગીત સમ્રાજ્ઞી બહેનો તાના-રીરીની પવિત્ર સ્મૃતિમાં આકાર લઈ રહેલા અત્યાધુનિક ‘સંગીત સંગ્રહાલય’ની આજે મુલાકાત લઈ નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી.
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 23, 2026
ભારતીય સંગીતની હજારો વર્ષ જૂની ભવ્ય સફરને આદિમ યુગથી લઈને આધુનિક કાળ સુધી જીવંત કરતો આ અદભુત પ્રકલ્પ છે.
આ… pic.twitter.com/sdrUHTeNq6
આ મુલાકાતને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એક્સ પર એક પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે," વડનગરની પવિત્ર ધરા પર સંગીત સમ્રાજ્ઞી બહેનો તાના-રીરીની પવિત્ર સ્મૃતિમાં આકાર લઈ રહેલા અત્યાધુનિક ‘સંગીત સંગ્રહાલય’ની આજે મુલાકાત લઈ નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી. ભારતીય સંગીતની હજારો વર્ષ જૂની ભવ્ય સફરને આદિમ યુગથી લઈને આધુનિક કાળ સુધી જીવંત કરતો આ અદભુત પ્રકલ્પ છે. આ સંગ્રહાલયમાં 360-ડિગ્રી ઇમર્સિવ પ્રોજેક્શન અને 8 વિશેષ ગેલેરીઓ દ્વારા મુલાકાતીઓને સંગીતના એક અદભુત વિશ્વનો અહેસાસ થશે".

