CM ભૂપેન્દ્ર પટેલ મહેસાણાના મેવડ ગામે કાફલો રોકાવ્યો, યુવાનો સાથે સંવાદ કરીને ચાની ચુસ્કી માણી
રાજ્યના સર્વોચ્ચ વડાને અચાનક પોતાની વચ્ચે જોઈને મેવડ ગામના યુવાનો પહેલા તો એકદમ ચોંકી ગયા હતા.

Published : August 30, 2026 at 5:20 PM IST
મહેસાણા: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સરળતા અને સાહજિકતા માટે સમગ્ર રાજ્યમાં જાણીતા છે. લોકોના પ્રશ્નો સમજવા અને સામાન્ય માણસ સાથે સીધો સંપર્ક સાધવાની તેમની આ કાર્યશૈલીનું વધુ એક ઉત્તમ ઉદાહરણ મહેસાણા જિલ્લામાં જોવા મળ્યું છે. મહેસાણાના કાર્યક્રમો પૂર્ણ કરી ગાંધીનગર પરત ફરી રહેલા મુખ્યમંત્રીનો કાફલો રસ્તામાં આવતા મેવડ ગામે અચાનક જ રોકાઈ ગયો હતો, જેણે ત્યાં હાજર લોકોને સુખદ આશ્ચર્યમાં મૂકી દીધા હતા.
યુવાનો માટે પ્રેરણાદાયક બની મુખ્યમંત્રીની મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો મેવડ ગામેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેમણે અચાનક જ પોતાનો કાફલો રોકવાનો ઈશારો કર્યો. તેઓ પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યા અને સીધા જ ગામના યુવાનો પાસે પહોંચી ગયા. રાજ્યના સર્વોચ્ચ વડાને અચાનક પોતાની વચ્ચે જોઈને મેવડ ગામના યુવાનો પહેલા તો એકદમ ચોંકી ગયા હતા. પરંતુ, સીએમ ભૂપેન્દ્ર પટેલે કોઈ પણ પ્રકારના વીઆઈપી પ્રોટોકોલ વિના એક સામાન્ય વડીલની જેમ યુવાનો સાથે બેસીને સંવાદ શરૂ કર્યો.
પ્રજાની વચ્ચે પ્રજાના માણસ...
— CMO Gujarat (@CMOGuj) August 29, 2026
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે મહેસાણા ખાતેના એક કાર્યક્રમમાંથી ગાંધીનગર પરત ફરતી વખતે મેવડ ગામે અચાનક કાફલો રોકી, કોઈ જ પ્રોટોકોલ કે આડંબર વગર ગ્રામીણ યુવાનો સાથે ચાની ચુસકી લેતાં વિવિધ સુવિધાઓ તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓ બાબતે સાહજિક… pic.twitter.com/jujkKWeyvm
મુખ્યમંત્રીએ ગ્રામીણ યુવાઓ સાથે રોજિંદા જીવન, શિક્ષણ અને કારકિર્દી અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે યુવાનો સાથે હળવી પળો માણીને ચાનો આસ્વાદ માણ્યો હતો. આ દ્રશ્ય સ્થાનિકો માટે ખૂબ જ પ્રેરણાદાયક હતું. એક મુખ્યમંત્રી રસ્તા પર ઊભા રહીને યુવાનો સાથે ચા પીવે અને હસી-મજાક કરે, તે યુવાનો માટે જિંદગીભરનું સંભારણું બની ગયું. તેમની આ સાદગી અને જમીન સાથે જોડાયેલા રહેવાની ભાવનાએ યુવાનોમાં નવી ઊર્જા અને પ્રેરણાનો સંચાર કર્યો છે. સીએમના આ વ્યવહારથી લોકોમાં ભારે ખુશી જોવા મળી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ સાદગીની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
બહુચરાજીમાં ચાલી રહ્યો છે ત્રિ-દિવસીય પ્રશિક્ષણ વર્ગ
અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી ખાતે 'પ્રશિક્ષણ મહાઅભિયાન 2026' ચાલી રહ્યું છે. આ પ્રશિક્ષણ વર્ગ ગઈ કાલે શરૂ થયો હતો, આજે આ વર્ગનો બીજો દિવસ છે અને કાલે ત્રીજો તથા છેલ્લો દિવસ રહેશે. કુલ ત્રણ દિવસ સુધી આ પ્રશિક્ષણ વર્ગ ચાલશે. આ મહાઅભિયાનના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળી, મહેસાણા જિલ્લાના તમામ ધારાસભ્યો, સાંસદો સહિતના હોદ્દેદારો પણ આ પ્રશિક્ષણ વર્ગમાં જોડાયા હતા. આગામી સમયના આયોજનો અને સંગઠનાત્મક માળખાને મજબૂત કરવા આ ત્રિ-દિવસીય વર્ગ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
મા બહુચરના ચરણે શિશ ઝુકાવ્યું
પ્રશિક્ષણ વર્ગમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી મંદિરે પહોંચીને મા બહુચરના પાવનકારી દર્શનનો લાભ લીધો હતો. મંદિર પરિસરમાં તેમણે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન દ્વારા મા આદ્યશક્તિની પૂજા-અર્ચના કરી હતી અને ગુજરાતની જનતાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. દર્શન બાદ તેમણે નવીન બનેલ મંદિરની ઝીણવટભરી મુલાકાત લીધી હતી અને વિકાસકાર્યોની સમીક્ષા પણ કરી હતી.
આ પણ વાંચો:

