ઉત્તરાયણ પહેલા CM ભૂપેન્દ્ર પટેલનો અનોખો અંદાજ, ડિસમિશ- સ્ક્રૂ લઇને ટુ વ્હીલરમાં સેફ્ટી ગાર્ડ વાયર લગાવતા જોવા મળ્યા
ઉતરાયણ પહેલા ટુ વ્હીલર ચાલકોને પતંગની દોરીથી બચાવવા માટે મુખ્યમંંત્રી ભૂપેન્દ્ર પટેલ સેફ્ટી ગાર્ડ લગાવતા જોવા મળ્યા

Published : January 1, 2026 at 10:27 PM IST
મહેસાણા: સામાન્ય રીતે આપણે મંત્રીઓ કે મુખ્યમંત્રીને રિબન કાપતા કે ઉદ્ઘાટન કરતા જોયા હોય છે, પરંતુ શું તમે ક્યારેય કોઈ મુખ્યમંત્રીને હાથમાં ડિસમિશ (સ્ક્રૂ ડ્રાઈવર) પકડીને મિકેનિકની જેમ સ્ક્રૂ ફિટ કરતા જોયા છે? આ કોઈ કલ્પના નથી પણ મહેસાણામાં જોવા મળેલું વાસ્તવિક દ્રશ્ય છે. ગુજરાતના 'મૃદુ અને મક્કમ' મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એક અલગ જ સાદગીભર્યો અંદાજ મહેસાણામાં જોવા મળ્યો હતો, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મહેસાણામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટુ વ્હીલર ચાલકોને ઉતરાયણમાં દોરીથી બચાવવા માટે ડિસમિશ અને સ્ક્રૂ લઇને સેફ્ટી ગાર્ડ લગાવતા જોવા મળ્યા હતા.
CM હાથમાં ડિસમિશ લઈને કામે લાગ્યા
ઉત્તરાયણનું પર્વ નજીક આવી રહ્યું છે. આ તહેવારમાં પતંગની કાતિલ દોરી વાહનચાલકો માટે ઘણીવાર જીવલેણ સાબિત થતી હોય છે. ગળામાં દોરી ફસાઈ જવાને કારણે ગંભીર અકસ્માતો ન સર્જાય તે માટે ટુ-વ્હીલર પર આગળના ભાગે 'સેફ્ટી ગાર્ડ વાયર' લગાવવા ખૂબ જરૂરી છે. મહેસાણામાં જ્યારે મુખ્યમંત્રી આ સુરક્ષા અભિયાનમાં હાજરી આપવા પહોંચ્યા, ત્યારે તેઓ માત્ર સૂચના આપીને અટક્યા નહીં. સીએમ ભૂપેન્દ્ર પટેલે ખુદ હાથમાં ડિસ્મિસ લીધું હતું અને ટુ-વ્હીલર પર સેફ્ટી વાયર લગાવવા માટે સ્ક્રૂ ફિટ કરતા નજરે પડ્યા હતા.
એક તરફ સાંસદો અને ધારાસભ્યો ઉભા હતા અને તેમની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી જાતે શ્રમદાન કરી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકો અને કાર્યકર્તાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
સાંસદ મયંક નાયકનું સુરક્ષા અભિયાન
ઉલ્લેખનીય છે કે, મહેસાણાના સાંસદ મયંક નાયક દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક ભગીરથ અભિયાન ઉપાડવામાં આવ્યું છે. જે અંતર્ગત વાહનચાલકોને મફતમાં સેફ્ટી વાયર ગાર્ડ લગાવી આપવામાં આવે છે. આ નેક કામમાં મુખ્યમંત્રીએ પણ પોતાનું યોગદાન આપીને લોકોને ઉત્તરાયણ સાવચેતીપૂર્વક ઉજવવાનો સંદેશ આપ્યો હતો. મુખ્યમંત્રીનો આ 'કોમનમેન' જેવો અંદાજ સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો:

