ETV Bharat / state

અમદાવાદ: ઉછીના આપેલા 1 લાખ પાછા ન મળતા મહિલાએ નવજાત બાળકીને રમાડવાના બહાને લઈ જઈ વેચી દીધી

ફરિયાદ મુજબ, ઓળખાણનો લાભ લઈ બાળકીને રમાડવાના બહાને લઈ જવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને પરત આપવામાં આવી ન હતી.

અમદાવાદમાં નવજાત બાળકીના સોદાનો પર્દાફાશ
અમદાવાદમાં નવજાત બાળકીના સોદાનો પર્દાફાશ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 6, 2026 at 10:42 PM IST

|

Updated : July 6, 2026 at 10:49 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અમદાવાદના વટવા વિસ્તારમાં માત્ર એક મહિનાની માસૂમ બાળકીના અપહરણ અને વેચાણના ચોંકાવનારા કેસનો વટવા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. બાળકીને હેમખેમ શોધી તેના અસલી માતા-પિતાને પરત સોંપી દેવામાં આવી છે, જ્યારે સમગ્ર કાવતરામાં સંડોવાયેલી ચાર મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે.

વટવા પોલીસ સ્ટેશનમાં 4 જુલાઈ, 2026ના રોજ ફરિયાદી રાધાબેન ચારણે પોતાની એક મહિનાની દીકરીના અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, ઓળખાણનો લાભ લઈ બાળકીને રમાડવાના બહાને લઈ જવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને પરત આપવામાં આવી ન હતી. વટવા પોલીસ સ્ટેશનના પી.આઈ. અનિલ વછેટાએ જણાવ્યું હતું કે, ફરિયાદ મળતાની સાથે જ પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજ અને અન્ય સૂત્રોના આધારે ઝડપી તપાસ હાથ ધરતા ગણતરીના કલાકોમાં બાળકીને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં સફળતા મળી હતી. સાથે જ સમગ્ર કાવતરામાં સામેલ ચાર મહિલાઓને પણ ઝડપી લેવામાં આવી છે.

અમદાવાદમાં નવજાત બાળકીના સોદાનો પર્દાફાશ (ETV Bharat Gujarat)

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી જાગૃતિબેને ફરિયાદીના પતિને અગાઉ રિક્ષા ખરીદવા માટે એક લાખ રૂપિયાની આર્થિક મદદ કરી હતી. આ રકમ પરત ન મળતા તેણે બદલો લેવાના ઇરાદાથી માસૂમ બાળકીનું અપહરણ કર્યાનું બહાર આવ્યું છે.

તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. પોલીસે જણાવ્યું કે બાળકીનો નડિયાદ ખાતે અંદાજે રૂ. 1.50 લાખમાં સોદો કરવામાં આવ્યો હતો. આ સોદામાં મુખ્ય આરોપી જાગૃતિબેનને પ્રાથમિક રીતે રૂ. 5,000 મળ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી મંજુલાબેન પરમાર નેહરુનગર નજીક આવેલા એક IVF સેન્ટરમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે. તેના મારફતે નડિયાદમાં રહેતી 43 વર્ષીય નિઃસંતાન મહિલા ગીતાબેન સુધી બાળકી પહોંચાડવામાં આવી હતી. બાળક મેળવવાની ઇચ્છાનો ગેરલાભ ઉઠાવી આ સમગ્ર સોદો પાર પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

પી.આઈ. અનિલ વછેટાના જણાવ્યા અનુસાર, આ માત્ર અપહરણનો નહીં પરંતુ સંભવિત બાળક ખરીદ-વેચાણના નેટવર્કનો મામલો હોઈ શકે છે. સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે CCTV ફૂટેજ, કોલ ડિટેઇલ રેકોર્ડ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે બે વિશેષ તપાસ ટીમો બનાવી છે. પકડાયેલી ચારેય મહિલા આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ આ નવજાત શિશુના ખરીદ-વેચાણના નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ, હોસ્પિટલ, IVF સેન્ટર અથવા મધ્યસ્થી સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો:

  1. બાંગ્લાદેશી સગીરાને બે વાર વેચનાર અમદાવાદની મહિલાને 20 વર્ષની કેદ, પીડિતાને 5 લાખ વળતરનો આદેશ
  2. પાલનપુરમાં ATSની તપાસ તેજ: જૈશના આતંકીઓનું ભાગળમાં રિકન્સ્ટ્રક્શન, મોટા ખુલાસા થવાની શક્યતા
Last Updated : July 6, 2026 at 10:49 PM IST