સુરત: પાલોદમાં 1.16 કરોડના કેમિકલ ચોરી રેકેટનો પર્દાફાશ, ત્રણ ડ્રાઇવર ઝડપાયા; મુખ્ય સૂત્રધાર વોન્ટેડ
સુરત જિલ્લાના પાલોદ પોલીસે હાઇવે પર કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે.

Published : August 22, 2026 at 12:54 PM IST
સુરત: સુરત જિલ્લાના પાલોદ પોલીસે હાઇવે પર કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પાલોદ પોલીસે આ ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય સૂત્રધાર ફરાર થઇ જતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પાલોદમાં 1.16 કરોડના કેમિકલ ચોરી રેકેટનો પર્દાફાશ
મુંબઇથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઇવે નંબર-48 પર આવેલી એક હોટલની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો હાઇવે પર દોડતા કેમિકલ ભરેલા ટેન્કરોમાંથી ગેરકાયદેસર કેમિકલ ચોરી કરતા હોવાની બાતમી પાલોદ પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી ઘટનાસ્થળે રેડ કરી હતી. આ દરમિયાન પોલીસને બે ટેન્કર અને એક અતુલ ટેમ્પો શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલા મળી આવ્યા હતા. ટેન્કરમાંથી પાઇપ વડે બેરલમાં કેમિકલ કાઢવાની પ્રક્રિયા ચાલુ હતી. પોલીસે ચારેય બાજુથી ઘેરો ઘાલીને ત્રણ શખ્સોને રંગેહાથ કેમિકલ ચોરી કરતા પકડી પાડ્યા હતા.
આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો
પકડાયેલા આરોપીઓની પોલીસ દ્વારા સઘન પૂછપરછ દરમિયાન કેટલીક ચોંકાવનાગી વિગતો બહાર આવી હતી. આ ટેન્કરના ચાલકોએ સુરતના હજીરા સ્થિત 'રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ'માંથી ટોલ્યુઇન (Toluene) નામનું જ્વલનશીલ કેમિકલ ભરીને અંકલેશ્વર તથા દહેજ ખાતે પહોંચાડવાનું હતું પરંતુ, ટેન્કરના ડ્રાઈવરોએ નક્કી કરેલા સ્થળે પહોંચવાને બદલે ને.હા.નં-૪૮ પર આવેલા પાલોદ ગામ પાસે પોતાની ગાડીઓ વાળી દીધી હતી.
આ કેમિકલ ચોરીના રેકેટના મુખ્ય સૂત્રધાર સુરેશચંદ્ર રામલાલજી ખટીક સાથે મળીને આ કેમિકલ બારોબાર વેચી મારવાનું મોટું કાવતરૂ રચવામાં આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી ટેન્કરમાંથી ચોરી કરી કાઢેલ 600 લિટર ટોલ્યુઇન કેમિકલ,અતુલ ટેમ્પો અને પ્લાસ્ટિકની પાઇપ સહિત બે ટેન્કર સીઝ કરી પોલીસે કુલ 1.16 કરોડનો મુદામાલ કબજે લીધો હતો.
પોલીસે જયપ્રકાશ વાસુદેવ યાદવ, શ્રવણ ભંવરલાલ ખટીલ અને શિવશંકર યાદવ નામના ત્રણ ચાલકોની ધરપકડ કરી સ્થળ પરથી ફરાર મુખ્ય સૂત્રધાર સુરેશચંદ્ર ખટકને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.
સુરત ગ્રામ્યના Dysp બી.કે.વનારે જણાવ્યું હતું કે, સુરત ગ્રામ્ય વિસ્તારના પાલોદના પોલીસ ઇન્સ્પેક્ટર રાણાને બાતમી મળી હતી કે મુંબઇથી અમદાવાદ જતા હાઇવે પર આવેલી એક હોટલ પાસે કેટલાક લોકો કન્ટેનર રોકી જ્વલનશીલ પ્રવાહીની ચોરી કરે છે. આ બાતમીના આધારે રેડ કરતા ટેન્કરમાંથી જ્વલનશીલ પ્રવાહી કાઢવાનો પ્રયાસ કરતા ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલું છે.
આ પણ વાંચો:

