નવસારીના ધોલાઈ, ઉનાના નવાબંદરે હજારો દરિયાખેડૂઓએ ઉત્સાહભેર ઉજવી નારિયેળી પૂનમ
દરિયાની ગર્જના વચ્ચે શ્રદ્ધાનો સાદ, દરિયાદેવને શ્રીફળ અર્પણ કરી હોડીઓ શણગારી

Published : August 28, 2026 at 5:51 PM IST
નવાસારી/ઉના: જેના માટે આખો અફાટ સમુદ્ર જ ઘર છે, મોજાંઓની ગર્જના જ સંગીત છે અને દરિયો જ રોજીરોટીનો આધાર છે, એવા દરિયાપુત્રો માટે નાળિયેરી પૂનમ માત્ર એક તહેવાર નથી. આ દિવસ છે દરિયાદેવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને દરિયામાં નવી માછીમારીની સિઝનની શરૂઆત પહેલાં આશીર્વાદ મેળવવાનો. ગુજરાતભરમાં દરિયાકાંઠે આવેલા વિસ્તારો અને ખાસ કરીને વહણવટું કરીને આજીવિકા મેળવતા સમુદાયોમાં નારિયેળી પુનમ ખૂબ મોટો તહેવાર છે. આજે રાજ્યમાં વિવિધ સ્થળોએ આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
નવસારીના ધોલાઈ બંદરે આજે નાળિયેરી પૂનમની પરંપરાગત ઉજવણી કરવામાં આવી. ધોલાઈનો સાગર કિનારો 1200થી વધુ બોટ અને અંદાજે 25 હજાર માછીમારોના જીવન સાથે જોડાયેલો છે. સામાન્ય લોકો માટે દરિયો કદાચ કુદરતી સૌંદર્ય માણવાનું સ્થળ હોય, પરંતુ માછીમારો માટે આ જ દરિયો તેમની કર્મભૂમિ અને જીવનનો આધાર છે. શ્રાવણી પૂર્ણિમાના પાવન દિવસે માછીમારો દ્વારા દરિયાદેવની પૂજા કરી બોટ અને સમુદ્રને શ્રીફળ અર્પણ કરવામાં આવ્યું. માન્યતા છે કે પૂજા બાદ દરિયાદેવની કૃપાથી દરિયાઈ સફર સુરક્ષિત રહે અને માછીમારો હેમખેમ પરત ફરે.
ધોલાઈમાં નાળિયેરી પૂનમની ઉજવણી સાથે એક અનોખી પરંપરા પણ જોવા મળે છે. પાંચ દિવસ સુધી દરિયાના પવિત્ર જળને ઘરમાં સ્થાપિત કર્યા બાદ કળશ યાત્રા કાઢી આ જળને ફરી દરિયામાં પધરાવવામાં આવે છે. આ પરંપરા માછીમારો માટે માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ પેઢીઓથી ચાલતો દરિયા સાથેનો અતૂટ સંબંધ છે. બોટ જ્યારે અફાટ સમુદ્રમાં માછીમારી માટે નીકળે છે ત્યારે પરિવારજનોની નજર કિનારા પર અટકી જાય છે અને હૃદયમાં એક જ પ્રાર્થના હોય છે—દરિયાદેવ તોફાનને શાંત કરે અને દરિયામાં ગયેલા પરિવારના સભ્યોને સલામત પરત લાવે. શ્રીફળ અર્પણ કરતી વખતે માછીમારો દરિયાદેવને સુખાકારી, સારો વ્યવસાય અને પરિવારની સલામતી માટે પ્રાર્થના કરે છે.

નારિયેળી પૂનમના મહત્વ વિશે જણાવતા માછીમાર રમણીકભાઈ ટંડેલ કહે છે કે, 'આજના દિવસે માછીમારભાઈઓ દરિયાદેવની પૂજા કરી તેમને પ્રાર્થના કરે છે તે શાંત થઈ જાય અને તેઓ તેમાં હોડી ચલાવી પોતાનો ધંધો-રોજગાર કરી શકે. સાથે જ આ દિવસે બધા લોકો દરિયાકિનારે એકઠાં થઈ સમુહ ભોજન લે છે જેથી બધામાં એકતાની ભાવના જળવાઈ રહે.' આગેવાન ભરતભાઈ ટંડેલ જણાવે છે કે, 'દરિયો અમારો દેવ છે. શ્રાવણ સુદ અગિયારસે અમે તેમને ઘરે લઈ જઈએ છીએ અને પૂનમના દિવસે શોભાયાત્રા કાઢી તેમને વળાવીએ છીએ. આ દિવસે માછીમારો પોતાની બોટ તૈયાર કરી સાગર ખેડવાની શરૂઆત કરે છે. '
ઉનાના નવાબંદરમાં હર હર મહાદેવના નાદ સાથે દરિયાદેવનું પૂજન, 600થી વધુ બોટો માછીમારી માટે રવાના
ઉના તાલુકાના નવાબંદર ખાતે નારિયેળી પૂનમના પાવન પર્વે માછીમાર સમાજ દ્વારા દરિયા પૂજનની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા માછીમારો અને બોટ માલિકો ગામમાં આવેલા લહેરેશ્વર મહાદેવ મંદિર ખાતે એકઠા થયા હતા. અહીં સૌએ મહાદેવની પૂજા-અર્ચના કરી નવી માછીમારી સિઝન સફળ રહે અને દરિયામાં જનારા માછીમારોની સુરક્ષા જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી.
લહેરેશ્વર મહાદેવના દર્શન અને પૂજા બાદ માછીમારો તથા બોટ માલિકો ડીજેના તાલે અને ધાર્મિક જયઘોષ સાથે નવાબંદર જેટી તરફ રવાના થયા હતા. સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. જેટી ખાતે પહોંચ્યા બાદ પરંપરાગત વિધિ મુજબ દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું હતું. દરિયામાં નાળિયેર અર્પણ કરી માછીમારોએ દરિયાદેવ સમક્ષ શીશ નમાવ્યું હતું.
ચોમાસાના વિરામ બાદ દરિયામાં ફરી ગુંજ્યો બોટનો અવાજ
ચોમાસાની ઋતુ દરમિયાન દરિયો તોફાની રહેતો હોવાથી માછીમારીનો વ્યવસાય બંધ રહે છે. માછીમારો માટે આ સમયગાળો ચોમાસાના વેકેશન સમાન હોય છે. લાંબા વિરામ બાદ નારિયેળી પૂનમના પાવન દિવસે દરિયાદેવનું પૂજન કરી માછીમારો ફરી દરિયો ખેડવાની શરૂઆત કરે છે.

દરિયા પૂજન બાદ બોટ માલિકો અને માછીમારોએ પોતાની બોટનું પણ પૂજન કર્યું હતું. ત્યારબાદ બોટોને માછીમારી માટે દરિયામાં રવાના કરવામાં આવી હતી. લાંબા સમય બાદ બોટો દરિયામાં ઉતરતાં નવાબંદર જેટી પર ફરી માછીમારીની ચહલપહલ જોવા મળી હતી.
આસપાસના વિસ્તારોમાંથી હજારો માછીમારો આવે છે નવાબંદર
નવાબંદર સ્થાનિક માછીમારો ઉપરાંત આસપાસના અનેક વિસ્તારોના માછીમારો માટે પણ મહત્વનું માછીમારી કેન્દ્ર છે. માછીમારીના વ્યવસાય માટે આસપાસના વિસ્તારોમાંથી દર વર્ષે હજારો માછીમારો નવાબંદર ખાતે આવે છે. નવી સિઝન શરૂ થતાં બંદર વિસ્તાર માછીમારોની અવરજવરથી ધમધમી ઊઠે છે.
નવાબંદર ખાતે અંદાજે 600થી વધુ બોટો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલી છે. દરિયા પૂજન બાદ આ બોટો તબક્કાવાર માછીમારી માટે દરિયામાં રવાના થવાની શરૂઆત થઈ છે. બોટોના દરિયામાં જવા સાથે માછીમારો અને તેમના પરિવારોમાં પણ નવી સિઝનને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો.
દરિયો શાંત રહે અને માછીમારો હેમખેમ પરત ફરે તેવી પ્રાર્થના
માછીમાર સમાજ માટે દરિયો માત્ર રોજગારીનું સાધન નથી, પરંતુ તેમની આસ્થા, પરંપરા અને જીવન સાથે જોડાયેલો છે. દરિયામાં જતા પહેલાં મહાદેવ અને દરિયા દેવની પૂજા કરવાની પરંપરા પેઢીઓથી ચાલી આવે છે.
દરિયા દેવને નાળિયેર અર્પણ કરી માછીમારોએ આગામી સિઝનમાં સારો માછલીનો પકડ મળે, દરિયો શાંત રહે, બોટોને કોઈ મુશ્કેલી ન પડે અને દરિયો ખેડવા ગયેલા તમામ માછીમારો સલામત અને હેમખેમ પોતાના પરિવાર પાસે પરત ફરે તેવી પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો:

