IB અધિકારી બની ધમકી આપવાનો મામલો: AAPના વડોદરા શહેર પ્રમુખ સહિત બેની ધરપકડ, આંતરિક કલેશનો ચોંકાવનારો ખુલાસો
પોલીસે AAPના વડોદરા શહેર પ્રમુખ અશોક ચંદ્રકાંતભાઈ ઓઝા સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.

Published : May 30, 2026 at 1:47 PM IST
આણંદ: આણંદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. IB (ઇન્ટેલિજન્સ બ્યુરો)ના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકરને ધમકી આપવાના મામલે પોલીસે AAPના વડોદરા શહેર પ્રમુખ અશોક ચંદ્રકાંતભાઈ ઓઝા સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.
મામલાની શરૂઆત 28 મેના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દિલ્હીના પૂર્વ AAP ધારાસભ્ય દુર્ગેશ પાઠક દ્વારા કરાયેલી એક પોસ્ટથી થઈ હતી. આ પોસ્ટમાં ગુજરાત પોલીસના IB વિભાગ દ્વારા AAPના કાર્યકરોને હેરાન કરવામાં આવતાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. બાદમાં આ પોસ્ટને અરવિંદ કેજરીવાલે પણ રી-ટ્વીટ કરતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.
આ પોસ્ટમાં દર્શાવવામાં આવેલા મોબાઇલ નંબરની તપાસ દરમિયાન આણંદ સાયબર ક્રાઇમ પોલીસને મહત્વપૂર્ણ માહિતી મળી હતી. પોલીસ અધિક્ષક જી.જી. જસાણીના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સી.પી. ચૌધરી અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે જે નંબર પરથી IB અધિકારી તરીકે ફોન કરવામાં આવ્યો હતો તે નંબર નીતિન ધીરુભાઈ ડોબરિયાનો હતો. મૂળ રાજકોટ જિલ્લાના વિરપુરના રહેવાસી અને હાલમાં આણંદમાં રહેતા નીતિન ડોબરિયા મજૂર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. તેની ઓળખાણ વડોદરા શહેર AAP પ્રમુખ અશોક ઓઝા સાથે થઈ હતી.

પોલીસ તપાસ અનુસાર, થોડા દિવસ પહેલાં અશોક ઓઝાએ નીતિન ડોબરિયા સાથે મળીને AAP કાર્યકર કેશજી ચૌહાણને ડરાવવાની યોજના બનાવી હતી. તેના ભાગરૂપે 28 મેના રોજ અશોક ઓઝાએ નીતિનને વડોદરા બોલાવ્યો હતો અને તેના મોબાઇલ ફોન પરથી કેશજી ચૌહાણને ફોન કરાવી પોતે "કારેલીબાગ IB ઓફિસ"માંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી હતી. ફોનમાં વેરિફિકેશનના નામે ધમકી પણ આપવામાં આવી હતી.
વધુ તપાસમાં ખુલાસો થયો કે કેશજી ચૌહાણને થોડા સમય પહેલાં પાર્ટીના કામકાજ માટે વડોદરા મોકલવામાં આવ્યા હતા. આ કારણે અશોક ઓઝા તેમને પોતાના રાજકીય હરીફ તરીકે જોતા હતા અને આંતરિક રાજકીય અદાવતના કારણે તેમને હેરાન કરવા માટે સમગ્ર ષડયંત્ર રચાયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટના પાછળ કોઈ સરકારી એજન્સી કે IB વિભાગનો સંબંધ નહોતો, પરંતુ AAPના આંતરિક કલેશ અને રાજકીય સ્પર્ધાના કારણે આ કાવતરું રચવામાં આવ્યું હતું. બાદમાં આ ઘટનાને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હતી, જેના કારણે રાજ્યભરમાં ચર્ચા શરૂ થઈ હતી.
આણંદ સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓ અશોક ઓઝા અને નીતિન ડોબરિયાની ધરપકડ કરી તેમની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 61(2), 204, 351(1) તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66-D હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર ઘટનાએ AAPના આંતરિક વિવાદોને લઈને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે અને સોશિયલ મીડિયા પર કરાયેલા આક્ષેપો પાછળની વાસ્તવિકતા સામે આવતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જામી છે.

