સુરત: મોટા વરાછામાં કાર અને મોપેડ વચ્ચે જોરદાર ટક્કર, ફૂડ ડિલિવરી બોય 10 ફૂટ દૂર હવામાં ફંગોળાઇને રોડ પર પડ્યો
સુરતમાં પૂરઝડપે દોડતી કારે એક ફૂડ ડિલિવરી બોયના મોપેડને એવી જોરદાર ટક્કર મારી કે યુવક હવામાં આશરે 10 ફૂટ જેટલો દૂર ફંગોળાઈને રોડ પર પટકાયો.

Published : January 7, 2026 at 1:36 PM IST
સુરત: સુરતના મોટા વરાછા વિસ્તારમાં હૃદય કંપાવી દે તેવી અકસ્માતની એક ઘટના સામે આવી છે. પૂરઝડપે દોડતી કારે એક ફૂડ ડિલિવરી બોયના મોપેડને એવી જોરદાર ટક્કર મારી કે યુવક હવામાં આશરે 10 ફૂટ જેટલો દૂર ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હતી.
કાર-મોપેડ વચ્ચે ભયાનક ટક્કર
મળતી માહિતી અનુસાર, આ અકસ્માત સુરતના મોટા વરાછા સ્થિત શ્યામ શિખર રેસીડેન્સીની સામે બન્યો હતો. એક ફૂડ ડિલિવરી બોય પોતાનું મોપેડ લઈને ઓર્ડર આપવા જઈ રહ્યો હતો. આ દરમિયાન સામેથી પૂર ઝડપે આવી રહેલી એક બેફામ કારે તેને અડફેટે લીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ફૂડ ડિલિવરી બોય હવામાં ઉછળીને દૂર રોડ પર પડ્યો હતો. ધડાકાભેર થયેલા અકસ્માતને પગલે આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
યુવકનો આબાદ બચાવ
આ ગંભીર અકસ્માતમાં ડિલિવરી બોયને શરીરે નાની-મોટી અનેક ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફૂટેજમાં દેખાતી અકસ્માતની તીવ્રતા જોતા મોટી જાનહાનિની આશંકા સેવાતી હતી, પરંતુ સદનસીબે યુવકનો ચમત્કારિક બચાવ થયો છે.
પોલીસ તપાસ અને કાર્યવાહી
આ ઘટના અંગે ઉત્રાણ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તપાસ માટે પહોંચ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્ત ડિલિવરી બોય છે. જોકે, ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ઉત્રાણ પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:

