ખેડૂતની મંજૂરી વગર ખેતરમાં વીજ પોલ મૂકી શકાય? કાયદો શું કહે છે? ખેડૂતોના અધિકારો શું? જાણો સમગ્ર કાનૂની હકીકત
શું ખરેખર ખેડૂતની સંમતિ વગર વીજ પોલ મૂકી શકાય? અને જો મૂકી શકાય તો ખેડૂતોના કાયદાકીય અધિકારો શું છે?

Published : July 1, 2026 at 9:50 PM IST
અમદવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની જમીનમાં વીજ પોલ અને હાઈટેન્શન વીજ લાઈનો નાખવાના મુદ્દે વિવાદ સતત વધી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં ખેડૂતો એવો આક્ષેપ કરી રહ્યા છે કે તેમની મંજૂરી વગર ખેતરોમાં વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે. કેટલાક સ્થળોએ સરકારી વીજ કંપનીઓ તો કેટલાક સ્થળોએ ખાનગી કંપનીઓ દ્વારા કામગીરી ચાલી રહી હોવાનું ખેડૂતોનું કહેવું છે. આ સમગ્ર મુદ્દે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ખરેખર ખેડૂતની સંમતિ વગર વીજ પોલ મૂકી શકાય? અને જો મૂકી શકાય તો ખેડૂતોના કાયદાકીય અધિકારો શું છે?
શું ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે?
આ મુદે એડ્વોકેટ હાર્દિક બ્રહ્મભટ્ટે ETV ભારત સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ મુદ્દો મુખ્યત્વે ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 અને ભારતીય ટેલિગ્રાફ એક્ટ 1885ની જોગવાઈઓ સાથે જોડાયેલો છે. જો રાજ્ય સરકાર કોઈ ટ્રાન્સમિશન અથવા વીજ વિતરણ કંપનીને કાયદેસર રીતે અધિકૃત કરે તો જાહેર હિતમાં વીજ લાઈનો અને વીજ પોલ ઊભા કરવાની સત્તા આપવામાં આવી શકે છે. એટલે દરેક સંજોગોમાં જમીન માલિકની લેખિત મંજૂરી ફરજિયાત હોય એવું કાયદામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું નથી.
જોકે, આ સત્તા અમર્યાદિત નથી. સરકાર હોય કે સરકાર દ્વારા અધિકૃત કંપની, બંનેએ કાયદાની નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવું ફરજિયાત છે. મનસ્વી રીતે ખેતરમાં પ્રવેશ કરવો, ખેડૂતોને પૂર્વ જાણ કર્યા વિના કામગીરી કરવી, પાક અથવા મિલકતને નુકસાન પહોંચાડવું અથવા ખેડૂતોના અધિકારોનું હનન કરવું કાયદેસર માનવામાં આવતું નથી. જો કોઈ ખાનગી કંપની ખેડૂતની જમીનમાં વીજ પોલ ઊભા કરતી હોય, તો સૌથી પહેલા એ તપાસવું જરૂરી બને છે કે તે કંપનીને રાજ્ય સરકાર દ્વારા કાયદેસર અધિકૃત કરવામાં આવી છે કે નહીં. માત્ર ખાનગી કંપની હોવાના આધારે ખેડૂતની જમીનમાં પ્રવેશ કરવાનો અધિકાર મળતો નથી.
ખેડૂત પાસે કયા અધિકારો?
જો કંપની પાસે કાયદેસરની સત્તા ન હોય, તો ખેડૂત તેની કાર્યવાહી સામે કાનૂની રીતે વાંધો ઉઠાવી શકે છે. વીજ પોલ અથવા હાઈટેન્શન લાઈન પસાર થવાથી જમીનની માલિકી સરકાર અથવા કંપની પાસે જતી નથી. જમીનનો માલિક ખેડૂત જ રહે છે અને ખેતી કરવાનો અધિકાર પણ યથાવત રહે છે. પરંતુ જ્યાં વીજ પોલ ઊભો કરવામાં આવ્યો હોય અથવા હાઈટેન્શન લાઈન પસાર થતી હોય ત્યાં જમીનના ઉપયોગ પર કેટલીક વ્યવહારુ મર્યાદાઓ આવી શકે છે. જો વીજ પોલ અથવા વીજ લાઈનના કારણે પાકને નુકસાન થાય, વૃક્ષો કાપવા પડે, બોરવેલ, સિંચાઈ વ્યવસ્થા અથવા અન્ય કૃષિ માળખાને નુકસાન પહોંચે અથવા જમીનની ઉપયોગિતા ઘટે, તો ખેડૂતને યોગ્ય વળતર મેળવવાનો કાનૂની અધિકાર છે. સરકારની કંપની હોય કે સરકાર દ્વારા અધિકૃત ખાનગી કંપની – બંનેએ થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવું ફરજિયાત છે.
ખેડૂતને એ અધિકાર પણ છે કે તે કામગીરી કરતા અધિકારીઓ પાસે તેમની અધિકૃતતા અંગે માહિતી માંગે. કયા કાયદા હેઠળ કામગીરી થઈ રહી છે? કયા પ્રોજેક્ટ માટે વીજ પોલ મૂકવામાં આવી રહ્યા છે? અને કંપની પાસે સરકારની મંજૂરી છે કે નહીં, તે અંગે માહિતી મેળવવાનો અધિકાર ખેડૂતને છે. જરૂર પડે તો માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પણ માહિતી મેળવી શકાય છે. જો ખેડૂતને લાગે કે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી, યોગ્ય વળતર આપવામાં આવ્યું નથી અથવા જરૂર કરતાં વધુ જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તો તે જિલ્લા કલેક્ટર, સંબંધિત વીજ કંપની, ઊર્જા વિભાગ અથવા અન્ય સત્તાધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી શકે છે. જરૂરી સંજોગોમાં હાઈકોર્ટમાં રિટ અરજી કરીને પણ ન્યાય મેળવી શકાય છે.
દેશની વિવિધ હાઈકોર્ટો તેમજ સુપ્રીમ કોર્ટે પોતાના અનેક ચુકાદાઓમાં સ્પષ્ટ કર્યું છે કે, જાહેર હિત માટે વીજ સુવિધા જરૂરી છે, પરંતુ તેના નામે ખેડૂતોના બંધારણીય અને કાનૂની અધિકારોનું હનન કરી શકાય નહીં. જાહેર હિત અને ખાનગી મિલકતના અધિકારો વચ્ચે સંતુલન જાળવવું એ કાયદાનો મૂળભૂત સિદ્ધાંત છે.
ખેડૂતો શું કહી રહ્યા છે?
અસરગ્રસ્ત ખેડૂત કેશુભાઈ પટેલે ETV ભારત સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી તેમના સહિત અનેક ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દે તેમણે સંબંધિત અધિકારીઓ સમક્ષ અનેક વખત લેખિત રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી યોગ્ય નિરાકરણ આવ્યું નથી. તેમણે જણાવ્યું કે જો કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ખેડૂતો ન્યાયિક લડત લડશે અને કોર્ટનો દરવાજો ખખડાવશે. આ સમગ્ર વિવાદ વચ્ચે હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે વિકાસના કામો અને વીજ પુરવઠાની જરૂરિયાત વચ્ચે ખેડૂતોના અધિકારોનું રક્ષણ કેવી રીતે થશે. કાયદો જાહેર હિત માટે સત્તા આપે છે, પરંતુ સાથે સાથે યોગ્ય પ્રક્રિયા, પારદર્શિતા અને યોગ્ય વળતર પણ એટલું જ ફરજિયાત બનાવે છે. તેથી દરેક ખેડૂતે પોતાના કાનૂની અધિકારો વિશે જાગૃત રહેવું જરૂરી છે, જેથી વિકાસ અને ખેડૂતોના હિત વચ્ચે યોગ્ય સંતુલન જળવાઈ રહે.
આ પણ વાંચો:

