સુરતમાં 3 મહિના પહેલા બનેલો રોડ પહેલા વરસાદમાં જ બેસી ગયો, ખાડા પૂરવા આવેલી ટ્રક જ ખાડામાં ગરકાવ!
સુરતમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી થતાં જ સુરત મહાનગરપાલિકા (SMC)ના પ્રી-મોનસૂન કામગીરીના દાવાઓની પોલ ખુલી ગઇ છે.

Published : July 1, 2026 at 6:51 AM IST
સુરત: સુરતમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી થતાં જ સુરત મહાનગરપાલિકા (SMC)ના પ્રી-મોનસૂન કામગીરીના દાવાઓની પોલ ખુલી ગઇ છે. મોટા વરાછા વિસ્તારમાં માત્ર ત્રણ મહિના પહેલા 3 કરોડના માતબર ખર્ચે બનેલો 400 મીટરનો રોડ પહેલા જ વરસાદમાં બેસી ગયો છે.
આ રોડ પર એક સાથે 4થી 5 મોટા ભુવા પડતાં એક કાર ફસાઇ ગઇ હતી, જેમાં પરિવારનો આબાદ બચાવ થયો હતો. આ ભ્રષ્ટાચારના ખાડા પૂરવા આવેલી પાલિકાની પોતાની જ ટ્રક પણ રસ્તામાં પડેલા ભુવામાં ગરકાવ થઇ ગઇ હતી. સ્થાનિકોના ભારે રોષ વચ્ચે પાલિકાએ રસ્તો બંધ કરી સમારકામની કામગીરી હાથ ધરી છે.
સુરતમાં પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલી
સુરતમાં ગઈકાલ રાતથી શરૂ થયેલા વરસાદે સુરત મહાનગરપાલિકાના પ્રી-મોનસૂન કામગીરીના દાવાઓ પર પાણી ફેરવી દીધું છે. મોટા વરાછાના હેવન રિવરફ્રન્ટ રોડ પર માત્ર અઢીથી ત્રણ મહિના પહેલા જ આશરે ૩ કરોડના ખર્ચે બનાવવામાં આવેલો 400 મીટરનો આ રોડ વરસાદના પહેલા જ રાઉન્ડમાં બેસી ગયો છે. અહીં એક-બે નહીં પણ ૪ થી ૫ મોટા ભુવાઓ પડી ગયા છે. ઘટના સમયે એક પરિવાર પોતાની કાર લઈને અહીંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે જ અચાનક રસ્તો બેસી જતા કારના ટાયર ખાડામાં ખૂંપી ગયા હતા. જોકે, કાર ચાલકે સમયસૂચકતા દાખવતા પરિવારનો આબાદ બચાવ થયો હતો.
આ ઘટના બાદ ભીનું સંકેલવા અને ખાડા પૂરવા માટે જ્યારે પાલિકાની મટીરીયલ ભરેલી ટ્રક ઘટનાસ્થળે પહોંચી, ત્યારે નબળા કામના કારણે તે ટ્રક પણ રસ્તામાં પડેલા વધુ એક ભુવામાં ફસાઈ હતી . ભ્રષ્ટાચારના ખાડા પૂરવા આવેલું તંત્રનું વાહન જ ખાડામાં ગરકાવ થતા પાલિકાની ભારે ફજેતી થઈ હતી.
આ દ્રશ્યો જોઈ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ મનપાના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા અને રસ્તો બંધ કરી બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું.
SMCના ઝોનલે જણાવ્યું હતું કે, કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પાલિકા દ્વારા તાત્કાલિક અસરથી આ 400 મીટરના આખા જોખમી રસ્તાને વહેલી તકે બેરિકેડિંગ કરીને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ (ડાયવર્ટ) કરી દેવામાં આવ્યો છે. રસ્તાની બંને બાજુ પોલીસ અને પાલિકાના માણસો તૈનાત કરી દેવાયા છે. આ સાથે જ, ભુવામાં ફસાયેલી કાર અને ટ્રકને બહાર કાઢવા તેમજ રસ્તાના તાત્કાલિક સમારકામ માટે ક્રેન અને જેસીબી (JCB) સહિતની ભારે મશીનરીઓ ઘટનાસ્થળે મોકલીને યુદ્ધના કામ શરૂ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:

