ETV Bharat / state

સુરતમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર-બ્રોકરની ચપ્પુના ઘા ઝીંકી હત્યા

હાલ પોલીસે હત્યા પાછળ અંગત અદાવત, જમીન-મિલકતનો વિવાદ, વ્યવસાયિક હરીફાઈ અથવા આર્થિક લેવડદેવડ જેવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે

હાલ પોલીસે હત્યા પાછળ અંગત અદાવત, જમીન-મિલકતનો વિવાદ, વ્યવસાયિક હરીફાઈ અથવા આર્થિક લેવડદેવડ જેવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે
હાલ પોલીસે હત્યા પાછળ અંગત અદાવત, જમીન-મિલકતનો વિવાદ, વ્યવસાયિક હરીફાઈ અથવા આર્થિક લેવડદેવડ જેવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : September 1, 2026 at 2:54 PM IST

2 Min Read
Choose ETV Bharat

સુરત: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી મોપેડ પર પસાર થઈ રહેલા જાણીતા જમીન દલાલ અને બિલ્ડર ફૈઝલ ફટ્ટા પર અજાણ્યા હુમલાખોરોએ ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી.

મળતી માહિતી મુજબ, અડાજણ પાટિયા વિસ્તારમાં આવેલી અલનૂર રેસિડેન્સીમાં પરિવાર સાથે રહેતા 48 વર્ષીય ફૈઝલ ફટ્ટા જમીન દલાલી અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓ મોપેડ લઈને ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમનો રસ્તો અટકાવ્યો હતો. ફૈઝલ કંઈ સમજે તે પહેલાં જ હુમલાખોરોએ તેમના પર તીક્ષ્ણ ચપ્પુ વડે ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. પેટ, છાતી અને હાથ સહિત શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજાઓ થતાં તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યા હતા. હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

હાલ પોલીસે હત્યા પાછળ અંગત અદાવત, જમીન-મિલકતનો વિવાદ, વ્યવસાયિક હરીફાઈ અથવા આર્થિક લેવડદેવડ જેવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે (ETV Bharat Gujarat)

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત ફૈઝલને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાના પગલે પરિવારજનો અને મિત્રવર્તુળમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

હત્યાનું કારણ શોધવા પોલીસની કવાયત

બીજી તરફ, હત્યાની જાણ થતાં રાંદેર, ચોકબજાર અને લાલગેટ પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, ઘટના કયા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે તેને લઈને ત્રણેય પોલીસ સ્ટેશન વચ્ચે આશરે 40 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી. અંતે સ્થળ ચોકબજાર પોલીસની હદમાં આવતું હોવાનું સ્પષ્ટ થતાં ચોકબજાર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે હત્યા પાછળ અંગત અદાવત, જમીન-મિલકતનો વિવાદ, વ્યવસાયિક હરીફાઈ અથવા આર્થિક લેવડદેવડ જેવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

મૃતકનો હજારો કરોડોના કૌભાંડી સાથે સંબંધ

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ફૈઝલ ફટ્ટા હજારો કરોડના ચર્ચિત હવાલા કૌભાંડ અને વર્ષ 2014ના મની લોન્ડરિંગ કેસના આરોપી અફરોઝ ફટ્ટાના દૂરના સંબંધી હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, પરિવારજનોના જણાવ્યા મુજબ ફૈઝલને ભૂતકાળમાં કોઈ તરફથી ધમકી મળી નહોતી અને કોઈ સાથે અંગત દુશ્મનાવટ હોવાની પણ જાણ નહોતી. ચોક પોલીસ મથકના પીઆઇએ જણાવ્યું કે હાલ સમગ્ર મામલે પોલીસ સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે ફરાર હુમલાખોરોની શોધખોળ કરી રહી છે.

આ પણ વાંચો: