Board Exam 2026: ભાવનગર શહેરમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઇ-બસ સેવા ફ્રી, શું છે નિયમો?
ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની નવી શરૂ થયેલી ઇલેક્ટ્રીક બસને પગલે મહાનગરપાલિકા વિદ્યાર્થીઓના હિતમાં ફ્રી સેવાનો પ્રારંભ કર્યો છે.

Published : February 26, 2026 at 7:36 AM IST
ભાવનગર : શહેરમાં ધોરણ 10 અને 12ના વિધાર્થીઓ માટે ઇલેક્ટ્રિક બસ સેવા ફ્રી જાહેર કરવામાં આવી છે. પરંતુ, બસ સેવાનો લાભ લેવા વિદ્યાર્થીઓ માટે બનાવેલા નિયમો પણ જાણી લેવા જોઈએ. આ ઈ-બસ સેવા પરીક્ષા ચાલુ હોય ત્યાં સુધી લાગુ રહેશે. શું છે નિયમો જાણો વિગતે...
ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. આજથી શરૂ થતી ધોરણ 10 અને 12ની પરીક્ષાને પગલે વિદ્યાર્થીઓના હિતમાં કેટલીક સંસ્થાઓ અને સેવાભાવી લોકો આગળ આવતા હોય છે, ત્યારે ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની નવી શરૂ થયેલી ઇલેક્ટ્રીક બસને પગલે મહાનગરપાલિકા વિદ્યાર્થીઓના હિતમાં ફ્રી સેવાનો પ્રારંભ કર્યો છે.
મહાનગરપાલિકા ક્યાં આપશે સુધી ફ્રી સેવા
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં 14 ફેબ્રુઆરીથી ઈલેક્ટ્રિક બસ સેવાનો પ્રારંભ શહેરમાં કરવામાં આવ્યો છે. આજથી 26 ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ 10 અને 12ની પરીક્ષાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 26 ફેબ્રુઆરીથી લઈને 18 માર્ચ સુધી પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે ઇલેક્ટ્રિક બસ ફ્રી સેવા જાહેર કરવામાં આવે છે. પરીક્ષા કેન્દ્ર ઉપર કોઈપણ તણાવ વગર અને મુશ્કેલીનો સામનો કર્યા વગર વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે ઈલેક્ટ્રીક બસમાં સમગ્ર શહેરમાં ફ્રી સેવા જાહેર કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓ માટે નિયમો બનાવવામાં આવ્યા
ભાવનગર મહાનગરપાલિકાના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાને ધ્યાનમાં રાખીને ફ્રી સેવા બસમાં જાહેર કરવામાં આવી છે, સાથે નિયમો પણ બનાવવામાં આવ્યા છે. ટ્રાન્સપોર્ટ વિભાગના જણાવ્યા પ્રમાણે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે માત્ર ફ્રી સેવા જાહેર કરાઈ છે. કોઈપણ વિદ્યાર્થી બસમાં કંડકટરને હોલ ટિકિટ (એડમિટ કાર્ડ) બતાવશે તેને ફ્રી મુસાફરીની સેવા આપવામાં આવશે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે અને પરીક્ષા આપીને પરત ઘરે ફરવા મફત બસમાં મુસાફરી કરી શકશે.

આ સેવાનો લાભ ક્યાં સુધી મળશે?
મહાનગરપાલિકાના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને કોઈપણ ઈલેક્ટ્રીક બસમાં હોલ ટિકિટ બતાવીને ફ્રી મુસાફરી કરવાની મંજૂરી આપી છે. જો કે 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી પરીક્ષાઓ ધોરણ 10 અને 12ની ચાલવાની છે, ત્યારે મહાનગરપાલિકા ફ્રી સેવા વિદ્યાર્થીઓને જ્યારે પરીક્ષા હોય તે દિવસ પૂરતી જ જાહેર કરાઇ છે, તે સિવાયના અન્ય દિવસોમાં વિદ્યાર્થીઓ માટે ફ્રી સેવા નથી એટલે કે પરીક્ષા ન હોય તે દિવસે મુસાફરી ફ્રી જાહેર કરાઈ નથી.
આ પણ વાંચો...

