બિરસા મુંડાની 150મી જન્મજયંતિની નિમિત્તે જનજાતિય ગૌરવ રથયાત્રાનો પ્રારંભ, જાણો યાત્રાનો રુટ
બિરસા મુંડાના આદર્શો અને આદિવાસી સંસ્કૃતિને સમર્પિત આ રથયાત્રા રાજ્યના 14 જિલ્લાઓના 88 ગામોને આવરી લેવાની છે.

Published : November 7, 2025 at 3:00 PM IST
|Updated : November 7, 2025 at 6:10 PM IST
વલસાડ : બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યમાં જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવની શરૂઆત ધામધૂમથી થઈ છે. આ અવસરે રાજ્ય સરકાર દ્વારા 1 થી 15 નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો તથા જનજાગૃતિ અભિયાનોનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ તો બે મોટા રૂટ પર યોજાયેલી જનજાતિય ગૌરવ રથયાત્રાનો પ્રારંભ આજે પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવ્યો હતો.
જેમાં ધારાસભ્યો, સાંસદો અને વિવિધ જિલ્લા સંગઠનોના પ્રતિનિધિઓની મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બિરસા મુંડાના આદર્શો અને આદિવાસી સંસ્કૃતિને સમર્પિત આ રથયાત્રા રાજ્યના 14 જિલ્લાઓના 88 ગામોને આવરી લેવાની છે.
બિરસા મુંડાના તપથી શરૂ થયેલી ગૌરવયાત્રા
આ યાત્રાનો મુખ્ય હેતુ આદિજાતિ સમાજના દેશને અપાયેલા ગૌરવપૂર્ણ યોગદાનથી જનમાનસને માહિતગાર કરવાનો છે. વર્ષ 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 નવેમ્બરને ‘જનજાતિય ગૌરવ દિવસ’ જાહેર કર્યા પછી આદિવાસી સમાજ અંગેની રાષ્ટ્રીય જાગૃતિમાં વધારો થયો છે. આ વર્ષે તેમની 150મી જન્મજયંતિને રાજ્ય “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે વિશેષ રીતે ઉજવી રહ્યું છે.

બિરસા મુંડા એ માત્ર સ્વાતંત્ર્ય આંદોલનના આગેવાન જ નહીં, પરંતુ આદિવાસી સમાજના ન્યાય, હકો અને ગૌરવના રક્ષક તરીકે ઉભરી આવ્યા હતા. તેમની કાર્યશૈલી અને બલિદાનને વિષયમાં લઈ સમગ્ર રાજ્યમાં યાત્રા દ્વારા સંદેશ પહોચાડવાનો અભિયાન આ વખતે ખાસ રીતે આગળ વધારવામાં આવ્યો છે.
1,378 કિમીની રથયાત્રા – રાજ્યના આદિજાતિ વિસ્તારોને આવરી લેતી મહાયાત્રા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત રથયાત્રાના બે મુખ્ય રૂટ નક્કી કરવામાં આવ્યા છે. રૂટ નંબર 1 ઉમરગામથી એકતાનગર સુધી 665 કિમી જ્યારે રૂટ નંબર 2 અંબાજીથી એકતાનગર સુધી 713 કિમીનો છે. જેના કારણે કુલ 1,378 કિમીના માર્ગ પર યાત્રા પસાર થવાની છે. બંને રૂટ આદિવાસી બહુલ વિસ્તારોને આવરી લે છે અને દરેક સ્થળે ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક વ્યવહાર મુજબ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

દરેક દિવસ યાત્રા વિવિધ તાલુકાઓમાંથી પ્રસ્થાન કરીને રાત્રિ રોકાણ માટે આગામી સ્થળે પહોંચશે. જ્યાં બિરસા મુંડાના જીવન, તેમના સંઘર્ષો અને રાજ્યની આદિજાતિ વિકાસ યોજનાઓ અંગે કાર્યક્રમો યોજાશે.
પ્રથમ રૂટ – ઉમરગામથી એકતાનગર સુધીનો 665 કિમીનો પ્રવાસ
રૂટ નંબર 1 અનુસાર રથયાત્રા 7 નવેમ્બરે વલસાડ જિલ્લાના ઉમરગામથી પ્રસ્થાન કરી સંજાણ, ભીલાડ, વાપી, પારડી, નાનાપોંઢા, ધરમપુર, ખેરગામ, વાંસદા, ડાંગ, વઘઈ, તાપી, વ્યારા, સોનગઢ, નારણપુરા, નર્મદા સહિતના વિસ્તારોમાંથી પસાર થશે. આ રૂટમાં મુખ્યત્વે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીત, સાંસદો ધવલ પટેલ, મનસુખ વસાવા તેમજ પ્રદેશ અધ્યક્ષ અર્જુન ચૌધરી સહિત મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ જોડાવાના છે. યાત્રા દરમ્યાન નાટકો, સાંપ્રદાયિક સંવાદો, આદિવાસી કલા રજૂઆત, તેમજ સરકારી યોજનાઓની માહિતી જનતાને આપવામાં આવશે.

બીજો રૂટ – અંબાજીથી એકતાનગર સુધીનો 713 કિમીનો ઐતિહાસિક માર્ગ
બીજો રૂટ 7 નવેમ્બરે બનાસકાંઠાના અંબાજીથી શરૂ થઈ સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વિજયનગર, અરવલ્લીના ભીલોડા, શામળાજી, સંત્રામપુર, દાહોદ, પાવાગઢ, જાંબુઘોડા અને છોટાઉદેપુર માર્ગે એકતાનગર સુધી પહોંચશે. આ રૂટમાં રાજ્ય મંત્રી પી.સી.બરંડા, મંત્રી રમેશ કટારા, પૂર્વ મંત્રી ડૉ. કુબેર ડીંડોર, સાંસદો જશવંતસિંહ ભાભોર, રમિલાબેન બારા, તેમજ પ્રદેશ અધ્યક્ષ અર્જુન ચૌધરી જોડાશે. બંને યાત્રાના અંતિમ દિવસે, 13 નવેમ્બરે, એકતાનગર ખાતે વિશાળ સમારોહ યોજાશે, જેમાં રાજ્ય મંત્રીમંડળ, સાંસદો તેમજ તમામ 14 જિલ્લાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

રથયાત્રા દરમિયાન સાંસ્કૃતિક અને જ્ઞાનવર્ધક કાર્યક્રમોનું આયોજન
રથયાત્રાના દરેક રાત્રિ રોકાણ સ્થળોએ મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળશે. આદિજાતિ વિભાગ દ્વારા બિરસા મુંડાના જીવન પર આધારિત નાટકો, આદિવાસી પરંપરાગત નૃત્યો, વકતૃત્વ સ્પર્ધાઓ, ગ્રામજનો સાથે સંવાદ અને સરકારી વિકાસ યોજનાઓ અંગે માહિતગાર કરતી પ્રદર્શનો યોજાશે. આ કાર્યક્રમોનો હેતુ આદિવાસી સમાજમાં સશક્તિકરણ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને વિકાસની બાબતો અંગે જાગૃતતા લાવવાનો છે.

ભગવાન બિરસા મુંડાએ લોકોમાં દેશભક્તિ જગાવી :જગદીશ વિશ્વકર્મા
જગદીશ વિશ્વકર્મા એ જણાવ્યું કે, "ભગવાન બિરસા મુંડા એ લોકોમાં દેશભક્તિ જગાવવા માટેનું કાર્ય કર્યું. યાત્રા તમારા ગામમાં આવે ત્યારે સ્વાગત કરી આજની યુવા પેઢીને જાણકારી આપીએ કે દેશની સંસ્કૃતિ અને સ્વતંત્રતા માટે અદભૂત યોગદાન આપ્યું .તે જણાવવું જેથી આદિવાસી ની સંસ્કૃતિ ઉપર અંગ્રેજો દ્વારા થયેલ અત્યાચાર અંગે આજની પેઢી જાણે.
પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા દ્વારા પ્રારંભ – એકતા, ગૌરવ અને સંસ્કૃતિનો સંદેશ
રથયાત્રાના પ્રારંભ સમયે પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, “આદિજાતિ સમાજના ઇતિહાસને દેશ સમક્ષ મૂકવાનો આ પ્રયાસ ઐતિહાસિક છે. બિરસા મુંડાના જીવન મૂલ્યો આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે અને રાજ્ય સરકાર આ કાર્યક્રમો દ્વારા સમાજને સશક્ત બનાવવા પ્રતિબદ્ધ છે.” કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં, જેનાથી આ રથયાત્રા માત્ર પ્રવાસ નહિ પરંતુ સંસ્કૃતિ, ગૌરવ અને રાષ્ટ્રીય એકતાની મહાયાત્રા તરીકે પરિવર્તિત થઈ છે.
આ પણ વાંચો...

