ભુજના માધાપરના વિસ્તારમાં ક્રિકેટના સટ્ટા પર LCBની રેડ, 3ની અટકાયત
એલ.સી.બી. પશ્ચિમ કચ્છ દ્વારા ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Published : January 4, 2026 at 8:43 PM IST
કચ્છ : ભુજ શહેરના માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ક્રિકેટ સટ્ટો રમાડતા અને રમતા ઇસમો સામે લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ–ભુજ દ્વારા અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સતત વધી રહેલા ઓનલાઈન તથા મોબાઈલ આધારિત જુગારને રોકવા માટે એલ.સી.બી. પશ્ચિમ કચ્છ દ્વારા ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ–ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. જાદવ દ્વારા એલ.સી.બી. સ્ટાફને જુગાર તથા સટ્ટાના ગુનાઓ શોધી કાઢવા માટે ખાસ સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સૂચનાઓના આધારે એલ.સી.બી. સ્ટાફ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
પેટ્રોલિંગ દરમિયાન ખાનગી સૂત્રો મારફતે બાતમી મળી હતી કે માધાપરના નળ સર્કલ પાસે આવેલ સનરાઈઝ સીટી સોસાયટીમાં મંદિરની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં કેટલાક ઇસમો હાલમાં ચાલી રહેલી 20-20 ઓવરની ક્રિકેટ મેચો પર ગેરકાયદેસર રીતે સટ્ટો રમાડી રહ્યા છે. તેમને મળેલી ચોક્કસ બાતમીના આધારે LCB ટીમે તાત્કાલિક આયોજન કરી દર્શાવેલ સ્થળે રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન ત્રણ ઇસમો સ્થળ પર હાજર મળી આવ્યા હતા.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આ ઇસમો ક્રિકેટ મેચમાં કઈ ટીમ જીતશે કે હારશે, ઓવર દરમિયાન કેટલા રન થશે તેમજ રનના તફાવત પર રૂપિયા લગાવી ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતા અને અન્ય લોકોને પણ રમાડતા હતા. તેઓ મોબાઈલ ફોન અને ટેબલેટ મારફતે એપ્લિકેશનમાં લાઈવ મેચ અપડેટ જોઈને સટ્ટા વ્યવહાર ચલાવતા હોવાનું બહાર આવ્યું છે.

પકડાયેલા ઇસમોમાં ચીંતન હસમુખભાઈ ઠક્કર, હીરેન હસમુખભાઈ ઠક્કર - બંને માધાપરના રહેવાસી તથા પ્રીન્સ વિપુલ ઠક્કર, રહેવાસી પ્રમુખ સ્વામી નગર, ભુજનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી કુલ 12 મોબાઈલ ફોન અને 1 ટેબલેટ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આ ઉપકરણોમાં ક્રિકેટ સટ્ટા બેટિંગ માટે ઉપયોગમાં લેવાતી અલગ–અલગ માસ્ટર અને એડમિન આઈડી મળી આવી હતી, જેમાં કુલ બેલેન્સ રૂ. 1,30,00,910/- જેટલું હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 6,200/- મળી આવી હતી. જપ્ત કરાયેલા મોબાઈલ ફોનની અંદાજિત કિંમત રૂ. 80,000/- તથા ટેબલેટની કિંમત રૂ. 10,000/- હોવાનું જણાવવામાં આવ્યું છે. આ રીતે કુલ રૂ. 2,27,110/- નો મુદ્દામાલ કાયદેસર રીતે કબ્જે કરવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે માધાપર પોલીસ સ્ટેશન ખાતે ગુનાહિત રજીસ્ટર નં. 004/2026 મુજબ ગુજરાત જુગાર ધારા કલમ 12(એ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે, જ્યારે અજયભાઈ ઠક્કર, કીશનભાઈ રામજીભાઈ ઠક્કર, તેમજ વિક્કી ઠક્કર અને બીપિનભાઈ લુહાર જેવા આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જેમની શોધખોળ માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે.
લોકલ ક્રાઈમ બ્રાન્ચની આ કામગીરીથી માધાપર સહિત સમગ્ર ભુજ વિસ્તારમાં ગેરકાયદેસર ક્રિકેટ સટ્ટા પ્રવૃત્તિઓ સામે કડક સંદેશ ગયો છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સમાજને નુકસાન પહોંચાડતી આવી પ્રવૃત્તિઓ સામે આવનાર સમયમાં પણ સતત અને કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો...

