વડોદરા ભાયલી દુષ્કર્મ કેસમાં સજાનું એલાન, તમામ પાંચ આરોપીઓને આજીવન કેદ; 22 મહિના બાદ પીડિતાને મળ્યો ન્યાય
વડોદરાના ભાયલી વિસ્તારમાં નવરાત્રિના બીજા નોરતે બનેલા ચકચારી દુષ્કર્મ કેસમાં સજા સંભળાવવામાં આવી હતી.

Published : August 31, 2026 at 12:27 PM IST
|Updated : August 31, 2026 at 3:43 PM IST
વડોદરા: વડોદરા ભાયલી ગેંગરેપ કેસમાં તમામ પાંચ દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. વડોદરાના સ્પેશ્યલ જજ પવાર સાહેબની કોર્ટે જીવે ત્યાં સુધી આજીવન કેદનો હુકમ કર્યો છે. આ સાથે જ ભોગ બનનારને 10 લાખનું વળતર ચુકવવાનો પણ હુકમ કર્યો છે.
22 મહિના બાદ પીડિતાને મળ્યો ન્યાય
વડોદરા પોક્સો કોર્ટે નરાધમોને સખત કેદની સજા સંભળાવી છે. મુમતાફ ઉર્ફે આફતાબ બનજારા, શાહરૂખ કિસ્મતઅલી બનજારા, મુન્ના અબ્બાસ બનજારા, અજમલ સત્તાર અને સૈફઅલી મહેંદી હસનને સજા ફટકારવામાં આવી છે. 4 ઓક્ટોબર 2024ની રાત્રે ભાયલીમાં ગેંગરેપની ઘટના બની હતી. આ સાથે જ 22 મહિના બાદ સગીર પીડિતાનો ન્યાય મળ્યો હતો.
સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, વડોદરાના ભાયલી દુષ્કર્મ કેસમાં સ્પેશ્યલ જજ પવાર સાહેબની કોર્ટમાં સજાનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. તે મુજબ તમામ પાંચેય આરોપીઓને જ્યા સુધી જીવે ત્યા સુધી આજીવન કેદનો હુકમ કર્યો છે. ભોગ બનનારને 10 લાખનું વળતર ચુકવવાનો હુકમ તેમજ દરેક આરોપીને આ ગુનામાં 50 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને અન્ય ગુનામાં પણ સજા કરી દંડ ફટકારવાનો હુકમ કર્યો છે.
વડોદરા: ભાયલી દુષ્કર્મ કેસમાં તમામ પાંચ આરોપીઓને આજીવન કેદની સજા#Vadodara #Bhayli pic.twitter.com/awqxm0tOxl
— ETVBharat Gujarat (@ETVBharatGJ) August 31, 2026
વડોદરા કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
ભાયલી વિસ્તારમાં નવરાત્રિના બીજા નોરતે બનેલી આ અમાનુષી ઘટનાએ સમગ્ર વડોદરા શહેરને હચમચાવી દીધું હતું. મિત્ર સાથે ગરબા રમવા ગયેલી સગીરા અને તેનો મિત્ર ભાયલીના નિર્જન વિસ્તારમાં બેઠા હતા, તે દરમિયાન પાંચ શખ્સો ત્યાં પહોંચ્યા હતા. આરોપીઓએ શરૂઆતમાં સગીરા અને તેના મિત્રને ધમકાવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર ઘટનાએ ગંભીર અને અમાનુષી સ્વરૂપ ધારણ કર્યું હતું. કેસની તપાસ દરમિયાન પોલીસ માટે આરોપીઓની ઓળખ કરવી મોટો પડકાર હતો, કારણ કે ઘટનાસ્થળ નિર્જન વિસ્તારમાં હતું.
આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજનો સહારો લીધો હતો. તપાસ દરમિયાન ઘટનાસ્થળથી આરોપીઓના સંભવિત રૂટ સુધીના 1,100થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. આશરે 45 કિલોમીટરના રૂટને પણ તપાસવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસની મોટી ટીમો દ્વારા ઘટનાસ્થળની આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આશરે 200થી વધુ પોલીસકર્મીઓ તપાસમાં જોડાયા હતા અને 3 કિલોમીટરના વિસ્તારમાં આવેલા 1,000થી વધુ ઘરોની પણ તપાસ કરવામાં આવી હતી.
કેસની કોર્ટ કાર્યવાહી દરમિયાન ફરિયાદ પક્ષ દ્વારા વિવિધ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં 45 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. CCTV અને ફોરેન્સિક પુરાવાઓ પણ કેસમાં મહત્ત્વપૂર્ણ સાબિત થયા હતા.
કેસમાં રજૂ થયેલા પુરાવાઓ અને ફરિયાદ પક્ષની દલીલો બાદ અદાલતે તમામ પાંચેય આરોપીઓને ગુનેગાર ઠેરવ્યા હતા. ત્યારબાદ સજા અંગેની કાર્યવાહી આગળ વધી હતી.આજે સજાની સુનાવણીના તબક્કે તમામ પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ફરિયાદ પક્ષ તરફથી અગાઉ પણ આરોપીઓ દ્વારા કરવામાં આવેલા ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કઠોરમાં કઠોર સજાની માંગ કરવામાં આવી હતી.
સરકારી વકીલો દ્વારા કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. ગુનાની ગંભીરતા, સગીર પીડિતા સામે થયેલી અમાનુષી ઘટનાની પ્રકૃતિ અને કેસમાં રજૂ થયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને દોષિતોને સખતમાં સખત સજા આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. 45 સાક્ષીઓની જુબાની, CCTV અને ફોરેન્સિક પુરાવાઓ બાદ હવે થોડી જ ક્ષણોમાં કોર્ટ પાંચેય દોષિતોને સજા સંભળાવવામાં આવી હતી.
આ પણ વાંચો:

