ETV Bharat / state

ભાવનગરમાં 60 લાખમાં બનેલું કડિયા નાકુ શોભાના ગાંઠિયા સમાન બન્યું, શ્રમિકો હજુ રસ્તા પર જ ઉભા રહે છે, જાણો શું છે કારણ?

ભાવનગરના RTO સર્કલ પાસે ફ્લાયઓવર બન્યા બાદ મહાનગરપાલિકાએ 60 લાખના ખર્ચે બનાવેલું કડિયા નાકું હાલ શોભાના ગાંઠિયા સમાન બનીને પડ્યું છે.

Etv Bharat
Etv Bharat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 25, 2026 at 5:37 PM IST

2 Min Read
Choose ETV Bharat

ભાવનગર: શહેરના RTO સર્કલને દૂર કરીને ત્યાં ફ્લાયઓવર બન્યો છે. જો કે આ બધા જ વિકાસના કામો થયા તે પહેલા ત્યાં કડિયા અને શ્રમિકો ઊભા રહીને રોજની રોજગારી મેળવતા હતા, આજે પણ મેળવે છે. ત્યારે હાલમાં મહાનગરપાલિકાએ ત્યાં લાખોના ખર્ચે કડિયા નાકુ બનાવીને આપ્યું છે, પરંતુ મહાનગરપાલિકાના આ લાખો રૂપિયા પાણીમાં ગયા હોય તેવું પ્રાથમિક રીતે લાગે છે. કેમ શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે તે જાણવા માટે ETVએ કડિયા અને મજૂરી કરતા શ્રમિકો સાથે વાતચીત કરી હતી.

લાખોના ખર્ચે બન્યું કડિયા નાકું પણ ઉપયોગ નહીં

ભાવનગર શહેરના RTO સર્કલમાં વર્ષોથી કડિયા અને શ્રમિકો રોજે રોજની રોજગારી મેળવવા માટે વહેલી સવારથી બપોર સુધી ત્યાં હાજર રહે છે. આ RTO સર્કલ પહેલા 'વડલા' તરીકે ઓળખાતું, કારણ કે ત્યાં અનેક વડના મહાકાય વૃક્ષો હતા. હાલમાં મહાનગરપાલિકાએ કડિયા નાકુ બનાવ્યું છે, પરંતુ તેનો ઉપયોગ થઈ રહ્યો નથી.

60 લાખના ખર્ચે બનાવેલું કડિયા નાકું હાલ શોભાના ગાંઠિયા સમાન બનીને પડ્યું (Etv Bharat Gujarat)

આ અંગે કડિયા કામ કરતા દાનાભાઈને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, "રોડ ઉપર ધંધો નથી. સાવ મંદી છે. અમે રોડ ઉપર જ રહીએ છીએ. કડિયા નાકુ તો બનાવ્યું છે, પરંતુ મંદી છે એટલે કેટલાક લોકોને ખ્યાલ પણ નથી. રોડ ઉપર ઉભા રહીએ તો કોઈ કામ માટે લેવા આવે. એક બાજુ બેઠા રહીએ તો આખો દિવસ બેસવાનો જ વારો આવે."

ભાવનગરના RTO સર્કલ પાસે ફ્લાયઓવર બન્યા બાદ મહાનગરપાલિકાએ 60 લાખના ખર્ચે બનાવેલું કડિયા નાકું હાલ શોભાના ગાંઠિયા સમાન
ભાવનગરના RTO સર્કલ પાસે ફ્લાયઓવર બન્યા બાદ મહાનગરપાલિકાએ 60 લાખના ખર્ચે બનાવેલું કડિયા નાકું હાલ શોભાના ગાંઠિયા સમાન (Etv Bharat Gujarat)

જાહેરમાં દેખાય તેમ ઉભા રહેવાની માનસિકતા

ભાવનગર શહેરના RTO સર્કલમાં ફ્લાયઓવરની નીચે વહેલી સવારે 6.30થી લઈને બપોરે 12 વાગ્યા સુધી કડિયા અને શ્રમિકો જોવા મળે છે. તે લોકો ફ્લાયઓવરની નીચે રસ્તા ઉપર જ ઊભા રહે છે, જેને પગલે ત્યાંથી અવરજવર કરતા વાહનચાલકો માટે પણ ઘણી વખત અકસ્માતનો ભય રહે છે.

ભાવનગરના RTO સર્કલ પાસે ફ્લાયઓવર બન્યા બાદ મહાનગરપાલિકાએ 60 લાખના ખર્ચે બનાવેલું કડિયા નાકું હાલ શોભાના ગાંઠિયા સમાન
ભાવનગરના RTO સર્કલ પાસે ફ્લાયઓવર બન્યા બાદ મહાનગરપાલિકાએ 60 લાખના ખર્ચે બનાવેલું કડિયા નાકું હાલ શોભાના ગાંઠિયા સમાન (Etv Bharat Gujarat)

આમ છતાં શ્રમિક કામ કરતા લાભુભાઈને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, "ધંધો નથી અને કંઈ કામ મળતું નથી. જો જાહેરમાં દેખાય તેમ ઊભા ન રહીએ તો બીજાને લઈ જાય અને કડિયા નાકુ ખૂણામાં પડે છે, એટલે કામ મળી રહે તે માટે જાહેરમાં લોકોને દેખાય તેમ ઊભા રહીએ છીએ."

કડીયાનાકુ
કડીયાનાકુ (Etv Bharat Gujarat)

કડિયા નાકું બનાવવાનો ખર્ચ અને મનપાનો મત

મહાનગરપાલિકાએ બનાવેલા કડિયા નાકાને લઈને બિલ્ડિંગ વિભાગના અધિકારી રવિરાજસિંહ લીંબોલાએ ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, "કડિયા નાકુ 60 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે. હાલમાં જે લોકો જાહેર રસ્તા ઉપર ઉભા રહે છે તે લોકોની આદત છે. આ આદત છૂટતા વાર લાગશે. અમે પોલીસ તંત્રને પણ કહ્યું છે. થોડી ફોર્સફુલી કામગીરી થાય તો એ લોકોની આદત બદલી શકાય તેમ છે."

હાલ મહાનગરપાલિકા આદત બદલાવાની રાહ જોઈ રહી છે, તો બીજી તરફ લાખોના ખર્ચે બનેલું કડિયા નાકુ શોભાના ગાંઠિયા સમાન બનીને પડ્યું છે.

આ પણ વાંચો...

  1. ભાવનગર લઠ્ઠાકાંડ મામલે ઉજ્જૈનથી વધુ એક આરોપી સહિત 13ની ધરપકડ, તમામના 2 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ મંજૂર
  2. Exclusive: ભાવનગર લઠ્ઠાકાંડમાં દર્દીઓ માટે મહારાષ્ટ્રથી 100 ઇન્જેક્શન લવાયા, નકલી દારૂ કેવી રીતે જીવલેણ બને છે? ડોક્ટરે સમજાવ્યું