સિંહની પકડમાં માલધારી, ભાવનગરના ગરજીયા ગામનો રૂંવાટા ઉભા કરી દે તેવો વીડિયો આવ્યો સામે
હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત કાળુભાઇ બોઘાભાઈ પરમારને તાત્કાલિક સારવાર માટે પાલીતાણા માનસિંહજી સરકારી હોસ્પિટલ ખસેડાયા.

Published : July 6, 2026 at 1:32 PM IST
|Updated : July 6, 2026 at 4:04 PM IST
અમદાવાદ : ભાવનગર અને અમરેલી જિલ્લામાં સિંહોના હુમલાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામે વહેલી સવારે એક સાથે ત્રણ સિંહો ઘૂસી ગયા હતા. આ દરમિયાન ઘાસચારો નાખવા જતા માલધારી કાળુભાઈને એક સિંહે પકડી લીધો હતો. સિંહે તેમના પગને ઝપટો લીધો, પરંતુ ગામના લોકોએ ભારે મહેનત કરી કાળુભાઈને સિંહના શિકારમાંથી છોડાવી લીધા. બનાવ બાદ કાળુભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેમાં કાળુભાઈ સિંહથી બચવા માટે છટકવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.
LIVE વીડિયોમાં કેદ થયો ખતરનાક મંજર
ઘટના સમયે હાજર કોઈ વ્યક્તિએ મોબાઇલમાં વીડિયો ઉતારી લીધો, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સિંહ માલધારી પર ધસી આવતો અને ગામલોકો બૂમો પાડીને તેને ભગાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. આ દૃશ્ય જોઈને ગ્રામજનો ખૂબ જ ડરી ગયા છે. અગાઉ અમરેલી જિલ્લામાં ચાર સિંહોએ એક યુવકનું મોત નિપજાવ્યું હતું, એ પછી ભાવનગર જિલ્લાના આ વિસ્તારમાં સિંહના હુમલાનો આ બીજો મોટો બનાવ છે, જેમાં માલધારીનો આબાદ બચાવ થયો છે.
ગ્રામજનોમાં રોષ, વનવિભાગની ગતિવિધિ તેજ
આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ગરજીયા ગામે પહોંચી ગઈ અને સિંહની હિલચાલ પર નજર રાખવા લાગી. અધિકારીઓએ જણાવ્યું કે જ્યાં સુધી સિંહ ગામના વિસ્તારમાં રહેશે ત્યાં સુધી પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે. ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓની માગ છે કે વન વિભાગ વહેલી તકે આક્રમક સિંહ સહિત વન્ય પ્રાણીઓને ગામથી દૂર સુરક્ષિત વિસ્તારમાં ખસેડે.
બીજી ઘટના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઠવી ગામમાં બની છે. અહીં મોડી રાત્રે ઘરની ઓસરીમાં સૂતેલા પશુપાલક યુવક રાજુભાઈ વાઘેલા પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. સિંહે તેમના પગમાં ગંભીર ઈજા પહોંચાડી હતી. યુવકના બુમાબુમના અવાજે આસપાસના લોકો દોડી આવ્યા, જેના કારણે સિંહ ત્યાંથી ભાગી ગયો. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા રાજુભાઈને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલમાં તેમના પગ પર 25 જેટલા ટાંકા લેવા પડ્યા છે.
બંને ગામોમાં સિંહોની અવરજવરથી ગ્રામજનો ભયભીત થઈ ગયા છે. ગરાજીયા ગામમાં તો શાળાએ જતાં બાળકોને પણ રોકી દેવાયા છે. વનવિભાગના આઈએફએસ અધિકારી ચિરાગ અમીને જણાવ્યું કે ટીમ સિંહોનું લોકેશન ટ્રેસ કરી રહી છે. ગરાજીયા વિસ્તારમાં 5 થી 10 સિંહોની મુવમેન્ટ નોંધાયેલી છે. વનવિભાગે આ બનાવને લઈને કડક કાર્યવાહી હાથ ધરી છે અને સિંહોને ગામથી દૂર ખસેડવાના પ્રયાસો ચાલુ કર્યા છે.
આ પણ વાંચો...

