બે 'વિશાલ', બંને બેમિસાલ; એકે વડાપાઉંની દુકાને કામ કરીને મેળવ્યા 91 ટકા, બીજાની કહાણી પણ કરી દેશે ભાવુક
ભાવનગરના એકસરખા નામ ધરાવતા બે વિદ્યાર્થીઓએ સંઘર્ષ અને અભાવ વચ્ચે ઝળહળતી સફળતા મેળવી બધાનું ધ્યાન ખેંચ્યું છે

Published : May 6, 2026 at 8:23 PM IST
|Updated : May 6, 2026 at 9:24 PM IST
ભાવનગર: ગુજરાત બોર્ડના ધોરણ 10ના પરિણામમાં અનેક વિદ્યાર્થીઓએ તેમની મહેનત અને માતા-પિતાના સહકારથી સારા ગુણ મેળવ્યા છે. પરંતુ ભાવનગર જિલ્લાના બે વિશાલ નામના વિદ્યાર્થીઓની સફળતાની વાર્તા ખૂબ જ પ્રેરણાદાયી છે. એક વિશાલના માતા-પિતા સવારથી સાંજ સુધી નોકરીને કારણે ઘરે હોતા નથી, જ્યારે બીજા વિશાલ પોતાના પરિવારને આર્થિક મદદ કરવા વડાપાઉંની દુકાને કામ કરતો હતો. બંનેએ A1 ગ્રેડ મેળવીને સાબિત કર્યું કે સંઘર્ષ અને મહેનતથી કોઈપણ અડચણને પાર કરી શકાય છે.
ભાવનગર જિલ્લાનું ધોરણ 10નું પરિણામ 86.06 ટકા આવ્યું છે. અહીં 2434 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. આમાં સરદારનગર ગુરુકુળના વિદ્યાર્થી વિશાલ અને બીએમ કોમર્સ શાળાના વિશાલ સોમાણીનો સમાવેશ થાય છે.
વિશાલ વિસા (સરદારનગર ગુરુકુળ)
સરદારનગર ગુરુકુળના વિશાલના માતા અને પિતા બંને નોકરી કરે છે. પિતા નીતિનભાઈ વિસા એક ખાનગી કંપનીમાં મશીન ઓપરેટર છે. તેઓ સવારે 7 વાગ્યે નોકરી પર જાય છે અને રાત્રે 12 વાગ્યે ઘરે પાછા આવે છે. માતા પૂજાબેન સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી નોકરી કરે છે. આવી સ્થિતિમાં વિશાલને માતા-પિતા સાથે મુલાકાત મોડી રાત્રે જ થતી હતી.
વિશાલે જણાવ્યું કે, "મને 95 ટકા અને 99.20 પર્સન્ટાઈલ મળ્યા છે. શાળામાં 15થી 20 પ્રેક્ટિસ પરીક્ષાઓ લેવામાં આવી હતી. હું ઘરે દરરોજ 3થી 4 કલાક વાંચન કરતો હતો. ઈંગ્લિશનો પેપર થોડો મુશ્કેલ લાગ્યો પણ મેં હિંમત ન હારી. આગળ એન્જિનિયરિંગ કરવી છે."
વિશાલનાં માતા પૂજાબેને કહ્યું, "મારા દીકરાએ પોતાનું ટાઈમ ટેબલ જાતે બનાવ્યું હતું. તેમાં ભણવાનો, જમવાનો અને મોબાઈલ માટે પણ સમય નક્કી હતો. શાળાના સહકારથી જ આટલું સારું પરિણામ આવ્યું."
પિતા નીતિનભાઈ ઉમેરે છે, "હું રાત્રે 12 વાગ્યે આવું ત્યારે મારો દીકરો જાતે મહેનત કરતો હોય તેવા દ્રશ્યો જોયા છે. આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં શાળાના સપોર્ટથી તેણે સફળતા મેળવી છે."
વિશાલ સોમાણી (B.M. કોમર્સ સ્કૂલ) : વડાપાઉંની દુકાને કામ કર્યું, 91 ટકા મેળવ્યા
ભાવનગરની બીએમ કોમર્સ શાળામાં અભ્યાસ કરનાર વિશાલ સોમાણીએ 1થી 8 ધોરણ સુધી ગુજરાતી સરકારી શાળામાં ભણેલા. તેમણે ધોરણ 10માં 91 ટકા અને 95.90 પર્સન્ટાઈલ હાંસલ કરી. તેમનો પરિવાર એક જ રૂમ રસોડામાં રહે છે. પિતા સવારે રોજગારી શોધવા જાય છે, જ્યારે માતા દુર્ગાબેન કેટરિંગમાં કામ કરે છે.
વિશાલ સોમાણીએ પોતાની સફળતા અંગે કહ્યું, "હું સવારે 5 વાગ્યે ઉઠીને વાંચન કરતો હતો. સવારે 7થી 8 વાગ્યા દરમિયાન વડાપાઉંની દુકાને કામ પર જતો હતો. ત્યાંથી છૂટીને શાળાએ જતો, સાંજે ટ્યુશનમાં જતો અને પછી બીજી દુકાને કામ કરતો. આનાથી મારો ખર્ચો પણ નીકળી જતો હતો અને ઘરમાં આર્થિક મદદ પણ થઈ જતી હતી."
તેમણે આ સફળતાનો શ્રેય પોતાના ટ્યુશન શિક્ષક જતીનભાઈ વોરા અને શાળાના સહકારને આપ્યો.
વિશાલનાં માતા દુર્ગાબેને ભાવુક થતાં કહ્યું, "હું કેટરિંગમાં કામ કરતી હતી, મારી દીકરી પણ કામ કરતી હતી. બંનેની કમાણીમાંથી દીકરાને ભણાવ્યો. જૈન સમાજ અને જતીન સરનો પણ ઘણો સપોર્ટ મળ્યો."
ટ્યુશનના શિક્ષક જતીનભાઈ વોરાએ કહ્યું, "હું 20-22 વર્ષથી ભણાવું છું. સરકારી શાળાઓમાંથી આવતા ઘણા બાળકો ડોક્ટર અને એન્જિનિયર બન્યા છે. વિશાલ જેવા સંઘર્ષશીલ બાળકો ભાગ્યે જ મળે છે. તેમને આગળ લાવતાનો મને ગર્વ છે."
આ બંને વિશાલની સફળતા દર્શાવે છે કે સાચી મહેનત અને હિંમતની સામે કોઈપણ મુશ્કેલી નાની છે. પરિવારની આર્થિક તંગી, માતા-પિતાની ગેરહાજરી અથવા કામનો બોજો – બધું જ પાર કરીને આ વિદ્યાર્થીઓએ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે.
આ પણ વાંચો...

