સોડાવાળાના પુત્રએ સાયન્સમાં મેળવ્યા 99.16 પર્સન્ટાઇલ, ભાવનગરના નિલ્સની સફળતાની કહાની
ભાવનગરના નિલ્સ રાઠોડે ધોરણ 12 સાયન્સમાં 99.16 પર્સન્ટાઇલ મેળવ્યા. હવે MBBS કરી ડૉક્ટર બનવાનું સ્વપ્ન.

Published : May 5, 2026 at 7:44 AM IST
ભાવનગર: રાજ્યમાં ધોરણ-12 સામાન્ય અને સાયન્સ પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ભાવનગર શહેરમાં સાયન્સ પ્રવાહમાં 6012 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યા બાદ 64 વિદ્યાર્થીએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ વિદ્યાર્થીઓમાંથી એક ભાવનગરના નિલ્સના પિતા સોડાશોપ ચલાવે છે જ્યારે માતા પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરે છે. ભાવનગરના નિલ્સે સાયન્સમાં 99.16 પર્સન્ટાઇલ મેળવ્યા છે. ભાવનગરના નિલ્સની મહેનત અને તેની સફળતાની કહાની જાણીયે...
ભાવનગરનું વિજ્ઞાન પ્રવાહમાં 92.90 ટકા પરિણામ
ગુજરાતમાં ધોરણ 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર થયા છે ત્યારે ભાવનગર જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 92.90 ટકા જાહેર થયું છે. જોકે, વિજ્ઞાન પ્રવાહમાં માત્ર જિલ્લામાં 64 જેટલા વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત થયા છે, તે પૈકીના ભાવનગરની કેપીએસ શાળાના વિદ્યાર્થીએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. વિદ્યાર્થીની વાત એટલા માટે કે તેના પિતા સોડા શોપ ચલાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. આજે વિજ્ઞાન પ્રવાહમાં સફળતા અપાવવામાં માતાપિતાને શાળા સફળ રહ્યા છે.
ભાવનગરના નિલ્સ રાઠોડને 12 સાયન્સમાં 99.16 પર્સન્ટાઇલ
ભાવનગરની KPS સ્કૂલમાં અભ્યાસ કરતા નિલ્સ રાઠોડે ધોરણ 12 સાયન્સમાં A1 ગ્રેડ મેળવ્યો છે ત્યારે ETV ભારત દ્વારા વિદ્યાર્થી અને તેના પરિવાર સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. નિલ્સ રાઠોડે ETV ભારતને પોતાની મહેનત અને સફળતા વિશે જણાવ્યું હતું કે, "કેપીએસ ઇંગ્લિશ સ્કૂલનો સ્ટુડન્ટ છું. મારે ધોરણ 12માં 99.16 પર્સન્ટાઇલ આવ્યા છે. મારા મિત્રોની ખૂબ જ મને મદદ રહી અને શિક્ષકોએ ખૂબ મદદ કરી છે. ગાઈડન્સ જોઈએ તેટલું શિક્ષકોએ મને આપ્યું છે. મારા મનમાં એક જ હતું કે મારે કંઈક કરવું છે. છ થી સાત કલાક હું વાંચન કરતો હતો. મારા માતા પિતાએ મારા હેલ્થને લઈને ખૂબ મેન્ટેન્સ કર્યું છે. મિત્રોએ મને ફ્રી રહેતા શીખવ્યું છે. મારી ડ્રોઈંગ અને સ્વિમિંગની હોબી હતી જે મારા સરના કહેવા મુજબ છોડ્યા બાદ હું આજે સારી સફળતા પ્રાપ્ત કરી શક્યો છું."

નિલ્સની સફળતા વિશે તેના પેરેન્ટ્સે શું કહ્યું?
નિલ્સ રાઠોડની મહેનત રંગ લાવી છે ત્યારે તેના પિતા પ્રણવ રાઠોડે જણાવ્યું હતું કે, "અમે સવારના 7.30 થી રાત્રિના દસ કલાક સુધીએ ઘરે આવે ત્યાં સુધી હું સોડા શોપ ઉપર હોઉં છું એટલે રાત્રે બાર વાગ્યે હું એને જોઈ શકું છું. શાળાની ખૂબ મહેનત રહી છે. જ્યારે તેના માતા પ્રીતિ રાઠોડે જણાવ્યું હતું કે, તેનું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે. શાળાએ ખૂબ મહેનત કરી છે. સવારથી રાત સુધીએ શાળાએ રહીને મહેનત કરતો હતો. અમે બંને જોબ કરીએ છીએ. અમે ધ્યાન આપી શકીએ, ના આપી શકીએ તેના પપ્પા હોસ્પિટલ હતા ત્યારે પણ શાળાનો સહકાર મળ્યો છે. જોકે, તેની હોબી ડ્રોઈંગ અને સ્વિમિંગ પૂલની હતી પણ તેને બે વર્ષ પહેલાં છોડી દીધી. હવે પરિણામ આવ્યા બાદ તે એમબીબીએસ (MBBS) કરવા માંગે છે."

ગુજસેટમાં પણ સારા માર્ક્સ
નિલ્સ રાઠોડની અથાગ મહેનતને લઇને શાળાના સંચાલક પ્રણવ દેવલુકે જણાવ્યું હતું કે, "નિલ્સ રાઠોડ દ્વારા જે મહેનત કરવામાં આવી છે તેમાં તેને 99.16 પર્સન્ટાઈલ પ્રાપ્ત થયા છે. જ્યારે ગુજસેટમાં 120માંથી 107 જેટલા માર્ક મેળવી શક્યો છે. આ સાથે અમારી સંસ્થાની એક વિદ્યાર્થીની ભૂમિ લાલવાણી ગુજસેટમાં 120માંથી 110 જેટલા માર્ક મેળવ્યા છે. અમારી સંસ્થા દ્વારા મધ્યમ વર્ગના કોઈ વિદ્યાર્થીઓ હોય તો તેને પૂરો સહકાર આપીને તે આગળ કઈ રીતે વધી શકે તેવો અમારો પ્રયત્ન રહ્યો છે. નિલ્સ રાઠોડ તેનું એક અમારા માટે ઉત્તમ ઉદાહરણ બન્યો છે."

આ પણ વાંચો:

