ભાવનગરના વિદ્યાર્થીએ બનાવી ચાર્જ કર્યા વગર ચાલતી સાયકલ, સાયકલ ચલાવો એટલે વીજળી જનરેટ થાય
ચાર્જ કરવાની ઝંઝટમાંથી છુટકારો મેળવ્યો છે. જો કે તેને ચાર્જ કરવાના માધ્યમો અલગ અલગ છે, પરંતુ તે બધા જ માધ્યમ સાયકલમાં જોડવામાં આવ્યા છે.

Published : January 9, 2026 at 1:41 PM IST
ભાવનગર : દેશમાં ઇલેક્ટ્રિક વાહનની ખરીદી તરફ લોકો જઈ રહ્યા છે, ત્યારે ભાવનગરના જ્ઞાનમંજરી ઇનોવેટીવ યુનિવર્સીટીના મિકેનિકલ વિભાગના વિદ્યાર્થીએ જ્યારે ચાર્જ કરવી પડે નહીં તેવી સાયકલ બનાવી છે. ચાર્જ કરવાની ઝંઝટમાંથી છુટકારો મેળવ્યો છે. જો કે તેને ચાર્જ કરવાના માધ્યમો અલગ અલગ છે, પરંતુ તે બધા જ માધ્યમ સાયકલમાં જોડવામાં આવ્યા છે. ચાલો જાણીએ વિગતે...
ભારતમાં પ્રથમ પેટ્રોલ, ડીઝલ અને ત્યારબાદ ગેસ ઉપર ચાલતા વાહનોની શરૂઆત થઈ અને હવે ધીરે ધીરે ભારત ઇલેક્ટ્રીક વાહનો તરફ આગળ ધપી રહ્યું છે, ત્યારે ભાવનગર શહેરમાં આવેલી જ્ઞાનમંજરી ઇનોવેટીવ યુનિવર્સિટીના મિકેનિકલ વિભાગના એક વિદ્યાર્થી દ્વારા ક્યારેય ચાર્જ કરવી જ પડે નહીં તેવી સાયકલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જો કે તેને ચાર્જ કરવાના માધ્યમો અલગ અલગ છે, પરંતુ તે બધા જ માધ્યમ સાયકલમાં જોડવામાં આવ્યા છે.
વિદ્યાર્થીને વિચાર આવ્યો અને સાયકલ બનાવી
ઈલેક્ટ્રીક વાહન યુગમાં ઇલેક્ટ્રીક વાહનોનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે ભાવનગર જ્ઞાનમંજરી ઇનોવેટીવ યુનિવર્સિટીના ચાલી રહેલા એક્સપોમાં મિકેનિકલ વિભાગના પહેલા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા લલી ક્રિશે જણાવ્યું હતું કે, જે મેન્યુઅલી આપણે જોઈએ કે EV વ્હીકલને આપણે ચાર્જ કરવું પડે છે, તેમાં વારંવાર બેટરી ઉતરી જાય છે અથવા તો આખી રાત આપણે ચાર્જમાં મૂકવું પડે છે. એટલે મેં એવું વિચાર્યું કે આપણે ચાર્જ કરવું ના કરવું પડે તેવું કંઈક કરીએ કે કોઈ દિવસ ચાર્જ કરવાની જરૂર પડે નહીં.


"સાયકલમાં મેં વિન્ડ એનર્જી, સોલાર એનર્જી અને તેની આગળ ડાયનેમો એનર્જી ગોઠવી છે, એટલે કે મિકેનિકલ એન્જિનિયરિંગને ઇલેક્ટ્રીક એન્જિનિયરિંગમાં ગોઠવ્યું છે. આમ જોઈએ તો સાયકલનો કોસ્ટ બાદ કરતા અંદાજે 10,000 જેવો ખર્ચો થયો છે, જેમાં સાયકલનો ખર્ચ નથી. હેન્ડલ ઉપર આગળ વિન્ડ એનર્જી એટલે કે પંખા ગોઠવ્યા છે. જ્યારે બ્રેક મારો ત્યારે ડાયનેમો પણ ગોઠવવામાં આવ્યો છે. આ સાથે પાછળ કેરીયરમાં સોલાર પેનલ ગોઠવવામાં આવી છે. આ ત્રણેય એનર્જીમાંથી વીજળી ઉત્પન્ન થઈને બેટરીમાં સ્ટોર થાય છે, એટલે કે સાયકલને ક્યારેય ચાર્જ કરવી પડતી નથી." - લલી ક્રિશ, વિદ્યાર્થી
વિદ્યાર્થી લલી ક્રિશ દ્વારા જે સાયકલ બનાવવામાં આવી છે, તેમાં તેણે સોલાર એનર્જી, વિન્ડ એનર્જી અને ડાયનેમો એનર્જી ગોઠવી છે. સ્વાભાવિક રીતે કોઈપણ ઈલેક્ટ્રીક વહીકલને બેટરી ડાઉન થાય એટલે તેને ચાર્જ કરવી પડે છે, પરંતુ અહીંયા યુવાને સાયકલ ચાલે ત્યારે પંખા ફરે છે, એટલે વિન્ડ એનર્જી ઊભી થાય છે અને જ્યારે બ્રેક લગાવો અને સાયકલ ચલાવો ત્યારે ડાયનેમો તેની સાથે ફરે છે એટલે તેમાંથી ડાયનેમો એનર્જી મળે છે.


જ્યારે દિવસ દરમિયાન સોલાર પેનલ હોવાથી સૂર્યના કારણે સોલાર એનર્જી મળી રહે છે. આમ ત્રણ પ્રકારની એનર્જી પ્રાપ્ત કરીને સાયકલનું નિર્માણ કરાયું છે. જો કે વિન્ડ એનર્જી અને ડાયનેમો એનર્જી રાત્રી દરમિયાન પણ બેટરી ચાર્જ કરતું રહે છે. આથી બેટરી ચાર્જ કરવી પડે તેવી કોઈ સ્થિતિનું નિર્માણ થતું નથી.
આ પણ વાંચો...

