ETV Bharat / state

શાળામાં RO છે, ફ્રીઝ છે, પાણી છે પણ નળમાં નથી: ભાવનગરની 11 શાળાઓમાં પાણીની સુવિધા વિશે ETV ભારતની તપાસ

ભાવનગરની શાળાઓમાં પાણીની વ્યવસ્થા કેવી છે તેને લઈને ETV દ્વારા 11 જેટલી શાળાઓની મુલાકાત કરીને સ્થિતિ જાણવાનો પ્રયાસ કરાયો હતો. વાંચો ચિરાગ ત્રિવેદીનો અહેવાલ...

ભાવનગરની 11 શાળાઓમાં પાણીની સુવિધા વિશે ETV ભારતની તપાસ
ભાવનગરની 11 શાળાઓમાં પાણીની સુવિધા વિશે ETV ભારતની તપાસ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 30, 2026 at 10:07 PM IST

9 Min Read
Choose ETV Bharat

ભાવનગર: ગુજરાતમાં વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ભાવનગરમાં બે વરસાદ સારા આવી ગયા છે એમ છતાં ઉકળાટ છે. ETV BHARAT દ્વારા વરસાદ પહેલા શાળાઓમાં તારીખ 16 અને 17 જૂનના રોજ સર્વે પાણીને લઈને કર્યો હતો. જ્યારે વરસાદ વરસ્યો નહોતો અને ઉકળાટ વચ્ચે લોકોનો સમય જતો હતો. શાળાઓમાં પાણીની વ્યવસ્થા કેવી છે તેને લઈને ETV દ્વારા 11 જેટલી શાળાઓની બે દિવસ દરમ્યાન મુલાકાત કરી અને સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ઉકળાટ વચ્ચે પાણી અને પવન બંને મનુષ્ય શોધવા લાગે છે. ત્યારે માસૂમ બાળકોની સ્થિતિ વિશે પાણી માત્રને લઈને નિરીક્ષણ સ્થળ ઉપર જઈને કર્યું હતું. ચાલો જાણીએ 12 શાળાની સ્થિતિ વિશે.

ભાવનગરની 11 શાળાઓમાં પાણીની સુવિધા વિશે ETV ભારતની તપાસ (ETV Bharat Gujarat)

પહેલી શાળા - ભાવનગર શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આખલોલ જકાતનાકા પાસેની મહાદેવનગરની શાળા નંબર-53 માં ETV ભારતની ટીમ પહોંચી હતી. અમે પ્રથમ શાળામાં પહોંચીને સીધું જ શાળાનું પરબ શોધ્યું હતું. ત્યાં જઈને ચેક કર્યું તો એક સ્ટીલના નળમાં પાણી આવતું નહોતું. જ્યારે બીજા પ્લાસ્ટિકના નળમાં પાણી આવતું હતું. આ પાણી સામાન્ય એટલે કે ફ્રિજનું ઠંડુ પાણી નહોતું. ત્યાં જ પરબ ઉપર અમને પાણીની એક ટાંકી પણ જોવા મળી હતી.

ત્યારબાદ અમે શાળાના આચાર્ય પુનિતભાઈને મળ્યા. તેઓએ પાણીને લઈને અમને બીજા માળે મૂકેલું ફ્રીજ એક રૂમમાં બતાવ્યું કે જ્યાં ક્લાસરૂમમાં બાળકો પણ અભ્યાસ કરતા હતા. ત્યારે તેમને કહ્યું કે, અહીંથી ઠંડુ પાણી થઈને નીચે પરબમાં ટાંકીમાં જાય છે અને બાદમાં નળમાં આવે છે. જો કે હાલમાં કરંટ લાગવાને પગલે જરૂરિયાત મુજબ ફ્રિજને શરૂ કરીએ છીએ. ત્યારબાદ તેઓ અમને પરબ બતાવવા માટે નીચે પણ લઈ ગયા ફરી અમે ચેક કર્યું પાણી સામાન્ય આવતું હતું ઠંડુ નહીં.

આ મામલે ઇટીવી ભારતે પુનિતભાઈને પૂછ્યું પીવાના પાણીના કેટલા પરબ છે અને ઠંડુ છે કે કેમ?

જવાબમાં પુનિતભાઈએ કહ્યું, "આપણે સ્કૂલમાં પીવાના પાણી માટે ફિલ્ટર ROની વ્યવસ્થા છે અને ઠંડા પાણી માટે ફ્રીઝ છે. પાણી રૂમની વ્યવસ્થા છે. છ થી સાત ઠંડા પાણીના અને સાદા પાણીના નળ છે. આપણી પાસે એક જ પરબ સાદા પાણીનો આવેલો છે." ત્યાર બાદ અમે ત્યાંથી નીકળીને બીજી શાળામાં ગયા.

બીજી શાળા - હવે ETVની ટીમે શાળા નંબર-53 માંથી નીકળીને આગળ ફુલસર વિસ્તારમાં આવેલી શાળા નંબર-55 માં મુલાકાત લીધી. ત્યાં બે બિલ્ડિંગો સામસામે આવેલા હતા. એક બિલ્ડિંગમાં ડાબી તરફ અમે જઈને અંદર પ્રવેશ કરીને ચેક કર્યું તો બાળકો પાણી ભરતા હતા. ઠંડુ પાણી આવતું હતું. ત્યાં મુકેલું ફ્રીઝ દાતાઓ તરફથી મળેલું હતું. ત્યારબાદ અમે બીજી તરફના બિલ્ડીંગમાં ગયા ત્યાં નીચે બાળકો બેઠા હતા. તેને પૂછ્યું ફ્રીઝ કે પરબ ક્યાં છે? તેઓ બોલ્યા બીજા માળે ફ્રીઝ મૂકેલું છે, એક સામેની બિલ્ડિંગમાં છે. આથી અમે ઉપર ગયા બીજા માળે ત્યાં પણ બાળકો પાણી પીતા હતા અને અમે ચેક કર્યું તો ઠંડુ પાણી આવતું હતું. જો કે સ્થાનિક શિક્ષક સાથે વાત કરતા તેમને કહ્યું કે, આચાર્ય કોઈ કામે બહાર ગયા છે ત્યારબાદ અમે ત્યાંથી નીકળી ત્રીજી શાળા માટે આગળ વધી ગયા હતા.

ભાવનગરની 11 શાળાઓમાં પાણીની સુવિધા વિશે ETV ભારતની તપાસ
ભાવનગરની 11 શાળાઓમાં પાણીની સુવિધા વિશે ETV ભારતની તપાસ (ETV Bharat Gujarat)

ત્રીજી શાળા - ફુલસરમાંથી અમે નીકળીને ભાવનગર શહેરના દેસાઈનગર નજીક આવેલા હાદાનગર વિસ્તારમાં શાળા નંબર-62 માં પહોંચ્યા. ત્યાં શાળામાં પ્રવેશ કરીને જોઈ તો પાણીની ટાંકી અને બે ફ્રીઝ પણ જોવા મળ્યા હતા. આચાર્ય સુરેશભાઈ સાથે વાતચીત કરતા તેમને કહ્યું હતું કે, અમારે સંપૂર્ણ વ્યવસ્થા છે. આથી અમે ત્યાંથી આગળ ચાલીને ચોથી શાળા માટે તપાસ કરવા નીકળ્યા હતા.

ચોથી શાળા - હાદાનગરમાં જ આવેલી શાળા નંબર-63 માં અમે જ્યારે પહોંચ્યા. ત્યારે ડાબી તરફ પાણીનું પરબ હતું. ચાર પાંચથી વધુ વિદ્યાર્થીઓ પરબ પાસે ઊભેલા હતા અને તેમના મુખે ગણગણ થતો અવાજ આવતો હતો. વિદ્યાર્થીઓને પૂછ્યું ત્યારે કહ્યું, પાણી આવતું નથી. એટલામાં જ હજુ ચાર દિવસ પહેલા આવેલા નવા આચાર્ય બુધાભાઈ સરવૈયા આવી પહોંચ્યા. તેમની સાથે વાતચીત થઈ. પાણીને લઈને સવાલ કરતા તેમને કહ્યું કે, ટાંકી ભરેલી છે. હમણાં ચેક કરીએ છીએ. એટલામાં પરબ પર બાળકોને ભીડ વધી અને એકમાત્ર પ્લાસ્ટિકના નળમાં પાણી આવતું હતું તે પણ સામાન્ય ઠંડુ નહીં.

આચાર્ય બુધાભાઈને મીડિયા હોવાની સમજણ થતા જ તેમને પટ્ટાવાળા બહેનને બોલાવ્યા. તેમને ટાંકી ફરીથી શરૂ કરી તો છલકાઈ અને ત્યારબાદ ફ્રીઝ રૂમમાં ચેક કરાવ્યું, ત્યારે બહેન દ્વારા ફ્રીઝ ચેક કરવામાં આવ્યું ત્યારે બહેન બોલ્યા એક ફ્રીજ ચાલુ છે, એકમાં કરંટ આવે છે એટલે બંધ છે. જોકે ટાંકી ભરી છે પણ ફ્રિઝમાં પાણી ઠંડું થયા બાદ આગળ નળમાં આવશે. મતલબ હતો કે RO છે, ફ્રીઝ છે પાણી છે પણ નળમાં નથી.

ETVએ આચાર્યને પાણીને લઈને સવાલ કરતા આચાર્ય બુધાભાઈએ જણાવ્યું હતું કે, અમારે પાણી રેગ્યુલર આવે છે, પણ ઠંડુ પાણી કરવા ટાંકો ભરીએ છીએ, એટલે આવતા વાર લાગે છે. કારણ કે અમારે સંખ્યા વધુ છે એટલે. ત્યાર બાદ મૌખિક અચરાય બોલ્યા અમારે 1100 બાળકો અભ્યાસ કરે છે. મતલબ હતો કે 1100 વચ્ચે એક માત્ર નાનકડી એવી ટાંકી છે.

ભાવનગરની 11 શાળાઓમાં પાણીની સુવિધા વિશે ETV ભારતની તપાસ
ભાવનગરની 11 શાળાઓમાં પાણીની સુવિધા વિશે ETV ભારતની તપાસ (ETV Bharat Gujarat)

પાંચમી શાળા - હાદાનગરમાંથી નીકળ્યા બાદ ETVની ટીમ કાળીયાબીડ વિસ્તારમાં શાળા નંબર-83 માં પહોંચી હતી. ત્યાં કોઈ શિક્ષક કે આચાર્ય સાથે વાત કરી નહોતી. પરંતુ પરબ ઉપર જઈને પાણીની તપાસ કરી હતી. ત્યારે નળમાં પાણી ઠંડુ આવતું નહોતું. નળની બાજુમાં શાળામાં ફ્રીઝ પણ જોવા મળ્યા હતા. પરંતુ પાણી નળમાં સામાન્ય આવતું હતું. જો કે સવારની શાળા છૂટી ગઈ હોય અને બપોરની શાળાનો પ્રારંભ થયો હોય તેવું પ્રાથમિક દર્શાતું હતું. આથી અમે બીજી શાળા તરફ આગળ વધ્યા હતા.

છઠ્ઠી શાળા - કાળિયાબીડમાંથી નીકળીને ETV ભારતની ટીમ શાળા નંબર-73 માં પહોંચી હતી. જે સરદારનગર સિંધુનગરમાં આવેલી છે. ત્યાં જઈને અમે શાળામાં પ્રવેશ કર્યો તો બાળકો જોવા મળ્યા નહોતા. પરંતુ અમારે તો પાણીનું પરબ ચેક કરવું હતું એટલે અમે પાણીનું પરબ ક્યાં છે તે શોધ્યું તો બિલ્ડીંગની પાછળની તરફ હતું. ત્યાં પહોંચ્યા તો એક નહીં બે પરબ જોવા મળ્યા.

એક પરબ ખૂબ સારું પરંતુ તેમાં પાણી આવતું નહોતું. ત્યારે તેની સામે દિવાલ પર પ્લાસ્ટિકના લગાવેલા નળમાં પાણી આવતું હતું, એ પણ સામાન્ય પણ ફ્રીઝનું નહીં. આથી પરબ પરથી પરત ફર્યા તો શાળાના શિક્ષક મળ્યા તેમને કહ્યું, ફ્રીઝ ઉપર છે. શાળા પૂર્ણ થઈ ગઈ એટલે અમે બંધ કરી દઈએ છીએ. પરંતુ મનમાં સવાલ એ હતો કે હજુ શાળા પૂર્ણ જ થઈ છે તો નળમાં થોડુંક તો પાણી આવવું જોઈએ. પરંતુ અમે ત્યારબાદ બીજી શાળા માટે નીકળી ગયા કારણ કે બપોરનો સમય હતો અને શાળા કાર્ય પૂર્ણ થઈ રહ્યા હતા.

ભાવનગરની 11 શાળાઓમાં પાણીની સુવિધા વિશે ETV ભારતની તપાસ
ભાવનગરની 11 શાળાઓમાં પાણીની સુવિધા વિશે ETV ભારતની તપાસ (ETV Bharat Gujarat)

સાતમી શાળા - સરદારનગર સિંધુનગરમાંથી નીકળીને અમે સંત કવરરામ ચોક પાસે આવેલા રસાલા કેમ્પની શાળા પહોંચ્યા હતા. ત્યાં જોયું તો શાળા પૂર્ણ થઈ ગઈ હતી અને આંગણવાડીના બહેન ત્યાં હાજર હતા. અમે સીધું જ પરબ શોધ્યું અને ત્યાં ગયા તો શૌચાલય અને પરબ આજુબાજુમાં હતા. જોઈને નવાઈ લાગી. પરબમાં નળ જ જોવા મળ્યા નહીં. આથી પરત કર્યા અને આંગણવાડી બહેન સાથે વાતચીત કરી પીવાનું પાણી ક્યાં છે? ત્યારે આંગણવાડી બહેને કહ્યું કે, પીવાનું પાણી તો બહારની તરફ છે પાછળ છે. જ્યાં RO વોટર અને ઠંડુ પાણી અમને જોવા મળ્યું હતું.

આઠમી શાળા - ભાવનગરની એસ ટી બસ સ્ટેન્ડ પાસે આવેલી શાળા નંબર-38 માં ETV ભારતની ટીમ પહોંચી ત્યારે આચાર્ય ઈદ્રિશભાઈ કુરેશી આચાર્ય સામે મળ્યા. પાણીની સ્થિતિ વિશે પૂછવા પર તેઓ બાળકો પાણી પીવા જતા હતા તેની સાથે ચાલવા લાગ્યા અને કહ્યું, આપણી પાસે બધી જ વ્યવસ્થા છે. બાળકોએ પાણી પીધું તો કહ્યું ઠંડુ નથી આવતું સામાન્ય આવે છે. આથી આચાર્ય તરત ફ્રીઝ શરૂ કરવા લાગ્યા. અમે પણ ચેક કર્યું તો પાણી સામાન્ય આવતું હતું. ફ્રીઝનું ઠંડુ પાણી આવતું નહોતું. ત્યારબાદ આગળ ચાલીને અમે દસમી શાળા તરફ આગળ વધ્યા.

નવમી શાળા - એસટી બસ સ્ટેન્ડ પાસે શાળા નંબર 38 ચેક કર્યા બાદ અમે જશોનાથ સર્કલમાં આવેલી શાળા નંબર-47 માં પહોંચ્યા. ત્યાં પણ બે પાણીના પરબ જોવા મળ્યા. શૌચાલય પાસે પાણીનું પરબ હતું. જેમાં તપાસ કરતા સામાન્ય પાણી આવતું હતું. ત્યારે દરવાજાની આગળ જમણી તરફ દિવાલ પાસે બીજું બનાવેલા પરબમાં ચેક કરતા ઠંડુ પાણી આવતું હતું. ત્યાં બાળકો પાણી પીતા પણ નજરે પડતા હતા. આથી અમે ત્યાંથી નીકળી ગયા અને શાળા નંબર-11 માં તપાસ માટે આગળ વધ્યા હતા.

ભાવનગરની 11 શાળાઓમાં પાણીની સુવિધા વિશે ETV ભારતની તપાસ
ભાવનગરની 11 શાળાઓમાં પાણીની સુવિધા વિશે ETV ભારતની તપાસ (ETV Bharat Gujarat)

દસમી શાળા - શાળા નંબર 44 અને 45 વડવા વોશિંગ ઘાટ વિસ્તારમાં આવેલી છે. ત્યાં પ્રવેશ કર્યો ત્યારે અંદર પ્રવેશ કરતા જ સામે પાણીનું પરબ જોવા મળ્યું. જો કે શરૂઆતના નળમાં પાણી આવતું નહોતું. પરંતુ ત્યારબાદ તેની પાછળ રહેલા બે નળમાં પાણી આવતું હતું. ત્યાં વિદ્યાર્થી પાણી પીતા પણ નજરે પડ્યા હતા. જો કે અમે ચેક કર્યું તો પાણી સામાન્ય હતું. એવું ફ્રિઝનું ઠંડુ પાણી નહોતું. આથી અમે કોઈ શિક્ષક કે આચાર્ય સાથે વાત કર્યા વગર ત્યાંથી નીકળી ગયા. ત્યારબાદ અમે શાળા નંબર 12 માટે આગળ વધ્યા હતા.

અગિયારમી શાળા - ભાવનગર શહેરના હલુરીયા ચોકમાં કોર્ટ પાસે આવેલી શાળા નંબર-36 માં અમે પહોંચ્યા. ત્યારે અમે પાણીનું પરબ શોધ્યું. બાળકો હાથમાં બોટલ લઈને જતા હતા એટલે અમને થયું પાણીનું પરબ આ તરફ હશે. આથી તેની પાછળ ગયા તો ત્યાં સામા આવતા અને આગળ જતા બાળકોએ પાણી નથી આવતું હોવાનું કકળાટ કરતા જતા હતા. અમે ત્યાં જોયું તો નળમાં પાણી આવતું નહોતું અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાં એકત્રિત થઈ ગયા હતા. આથી અમે ફરી શાળામાં ઉભેલા શિક્ષક પર નજર પડતા તેને પૂછ્યું તો તેમને આચાર્ય હોવાનું જણાવ્યું અને પૂછ્યું પાણી કેમ નથી ત્યારે તેમને કહ્યું પાણી છે પરંતુ ફ્રીઝ ખાલી થવાને કારણે પાણી બંધ થયું હશે. આથી તેઓ અમને રૂમમાં લઈ ગયા કે જ્યાં શાળાના રૂમમાં RO અને ફ્રીઝ રાખેલું હતું. જો કે બીજા વિદ્યાર્થીઓ દ્વારા ફ્રીઝમાં પાણી ભરવાની શરૂઆત કરી હતી. આચાર્ય કહ્યું પાણીની કોઈ સમસ્યા નથી.

ETV ભારતના રિયાલિટી ચેક પર શિક્ષણ સમિતિના ચેરમેન શું બોલ્યા?
12 શાળાઓની મુલાકાત લીધા બાદ શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજ મહેતા પાસે અમે પહોંચ્યા અને તેમને પહેલા શાળાઓના દ્રશ્યો બતાવ્યા અને ત્યારબાદ તેમને સ્થિતિ વિશે સવાલ કરવામાં આવ્યો કે, ત્યારે નિકુંજ મહેતાએ કહ્યું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પીવાના પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. વોટર કુલર છે, RO છે, સમગ્ર વ્યવસ્થા કરેલી છે. હું પણ ત્રણથી ચાર વખત દરેક શાળાઓને મુલાકાત લઈ ચૂક્યો છું. ભૌતિક સુવિધા માટે હવે પ્રયત્ન કરતા હોઈએ છીએ. તમે જે દ્રશ્યો બતાવ્યા છે તેમાં વોટર કુલરમાં નાની-મોટી ખામી હોવાને કારણે સમસ્યાઓ છે. તેને દૂર કરીને સુવિધા આપવા પ્રયત્ન કરશું. આગામી દિવસોમાં સગવડતાઓ આપી છે તેનું સમયસર મેન્ટનન્સ કરવા કડક રીતે જણાવીશું.

શાસનાધિકારી પાણીને સ્થિતિને લઈ શું કહ્યું?
ચેરમેન સાથે વાતચીત કર્યા બાદ ETV ભારતે શાસનાધિકારી સાથે પણ વાત કરી હતી. તેમને પણ મોબાઈલમાં દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા. ત્યારબાદ શાસનાધિકારી સમીર જાનીએ કહ્યું હતું કે, શાળાનું સંમ્યાંતરે સી.આર.સી દ્વારા મોનિટરિંગ થાય છે. આ પાણીની જે સમસ્યા છે તેને લઈને અમને જાણવા મળ્યું છે તો દરેક વિદ્યાર્થીઓનો અધિકાર છે. ઉણપ રહી ગઈ હશે તેને અમે દૂર કરીશું. દરેક શાળામાં RO, કુલરની વ્યવસ્થા તંત્ર અને દાતા દ્વારા કરવામાં આવી છે પણ તમારા દ્રશ્ય મારફત જાણવા મળ્યું છે તે પ્રમાણે આગામી દિવસોમાં કડક પગલાં લેશું.

ફ્રીઝ છે, આરો છે, પાણી છે, પણ નળમાં જળ નથી
ETV ભારતની તપાસમાં 11 શાળાઓની સ્થિતિમાં તમને ઉનાળા સમયના અને એક વરસાદ પહેલાની સ્થિતિ સામે આવી છે. જેમાં સંપૂર્ણ વ્યવસ્થાઓ હોવા છતાં ક્યાંક ખામીઓના પગલે નળમાં પાણી આવતું નહોતું તો ક્યાંક ઠંડુ પાણી આવતું નહોતું. સવાલ એક જ છે કે મોનિટરીંગ થાય, સુવિધાઓ ઉપલબ્ધ હોય છતાં સમસ્યાઓ કેમ છે?

આ પણ વાંચો:

  1. જૂનાગઢ: શીતળા કુંડના રિનોવેશન માટેની ધારાસભ્યની 50 લાખની ગ્રાન્ટ રદ, જાણો શું છે કારણ
  2. પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલ સાથે Exclusive વાતચીત: કેન્દ્રની પાક વિમા યોજના ગુજરાતમાં કેમ નહીં?
  3. રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: કોંગ્રેસે SIT અથવા નિવૃત્ત જજની તપાસની માંગ, કમિશનર-ભાજપ સામે વિરોધ