પ્રી મોન્સૂન કામગીરી માટે ભાવનગર મનપાએ 70 લાખ ખર્ચ્યા, આ વિસ્તારમાં પાણી નહીં ભરાવવાનો કર્યો દાવો
ભાવનગર શહેરમાં ચોમાસામાં પાણી ભરાવાના 27 વોટર લોગીંગ પોઇન્ટ શોધી લીધા બાદ મહાનગર પાલિકાએ 12 જેટલા પોઇન્ટમાં સમસ્યાઓ દૂર કરી છે.

Published : May 21, 2026 at 7:40 AM IST
ભાવનગર: ચોમાસાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં પ્રિ મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે સામે આવેલા પાણી ભરાવાના પોઇન્ટને લઈને ખાસ કાર્યવાહી હાથ ધરાય છે. લાખોના ખર્ચે હાલ પ્રિ મોનસુન કામગીરી ચાલી રહી છે. આ સાથે ચોમાસામાં પાણી ભરાય તો મહાનગરપાલિકા કયા સ્થળ ઉપર ફરિયાદ કરવી તે પણ અહીં આપને જણાવીશું.
13 વોર્ડમાં 13 એજન્સીઓને કામગીરી સોંપાઈ
ભાવનગર મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાય છે. ત્યારે ડ્રેનેજ વિભાગના અધિકારી એન.વી.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત 13 વોર્ડમાં અલગ-અલગ 13 એજન્સીઓને કામગીરી સોંપવામાં આવેલી છે.

મુખ્યત્વે ઇનલેટની સફાઈ કરવી તેના ઢાંકણા પીળા કલરના કરવામાં આવ્યા છે. તમામની લાઈનમાં જેટીંગ કરીને દૂર કરવામાં આવી રહ્યું છે. બધા જ રાત દિવસ કરીને સાફ સફાઈ કરવાના કામમાં લાગ્યા છે. જેથી કરીને ચોમાસાના સમયમાં પાણી ભરાવાની સમસ્યા રહે નહીં.

70 લાખના ખર્ચે કામગીરી હાથ ધરાઈ
મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગના અધિકારી એન.વી.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે 13 વોર્ડમાં અમે 70 લાખની મંજૂરી લીધી છે. દરેક વોર્ડમાં અલગ-અલગ ભાવની મંજૂરી લેવામાં આવી છે. જેમાં પ્રિ મોન્સૂન કામગીરીમાં અત્યારે અમે કામ કરવાના છીએ તેમજ ચોમાસાના સમયમાં પણ વરસાદ આવે તો કામગીરી માટે વાર્ષિક ભાવથી મંજૂરી લેવામાં આવી છે. ગયા વર્ષે અમે 27 વોટર લોગીંગ પોઇન્ટ શોધી લીધા હતા તેમજ તે 12 જેટલા વોટર લોગીંગને સોલ્વ કરી દેવામાં આવ્યા છે.

મુખ્યત્વે આ વિસ્તારમાં નહી ભરાય પાણી
ભાવનગર મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગના અધિકારી એન.વી.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, લીલા સર્કલ, શિવાજી સર્કલમાં મોટી જાળીઓ મૂકી વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા કરેલી છે, તેમજ વરસાદી પાણીની લાઈન નાખવામાં આવી છે. તરસમિયા બૌદ્ધિક સોસાયટીમાં પણ પ્રશ્ન હલ કર્યો છે. 15 બાકી કામ રહેતા હોય તેને મંજૂર કરાવી લીધા છે.

ચિત્રા ફુલસરમાં સંત રોહીદાસમાં જે ઓપન નાળું હતું તેમાં કામગીરી કરીને ત્યાં પણ પાણી નહીં ભરાય તેવી કામગીરી થઈ છે. આ સાથે હાદાનગરના ગોકુળનગરમાં નાળા પાસે બોક્સ ડ્રેનનું કામ શરૂ છે. ઘણા એરિયામાં પાણીની સમસ્યા સોલ્વ ના થાય તો 25 જેટલા પંપ આપણી પાસે છે, જે પાણી કાઢવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.

