ભાવનગર મનપામાં હોદ્દેદારોની પસંદગી પૂર્ણ, મેયરની વરણીથી લઈને અંત સુધી શુ બન્યું? જાણો બધું
ભાવનગર મહાનગરપાલિકાના મેયર સહિતના પદોને લઈને પ્રારંભથી લઈ અંત સુધી શું બન્યું ચાલો જાણીએ વિગતે...

Published : May 28, 2026 at 8:12 PM IST
ભાવનગર : શહેરમાં મહાનગરપાલિકાના ચૂંટાયેલા નગરસેવકો બાદ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષ નેતા, દંડક વગેરે પદોને લઈને નિયમ અનુસાર વરણી કરવામાં આવે છે. જો કે બહુમતી હોય તે પક્ષ દ્વારા કાયદેસરની વરણી પહેલા એક નિર્ણય પક્ષ તરફથી લેવાય છે. ત્યારબાદ, પદો ઉપર કોણ બિરાજમાન થશે તે નક્કી કરાય છે અને ત્યાર પછી એ પદો ઉપરની વરણી સમયે તે લોકોના જ નામ જાહેર થાય છે. ભાવનગર મહાનગરપાલિકાના મેયર સહિતના પદોને લઈને પ્રારંભથી લઈ અંત સુધી શું બન્યું ચાલો જાણીએ વિગતે...
ભાવનગર મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભાનું આયોજન 11 વાગે કરવામાં આવ્યું હતું. જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડની કમિટી ચેરમેન, શાસક પક્ષ નેતા, દંડક વગેરેનું ધોરણસર કાયદેસર રીતે વરણી યોજવામાં આવનાર હતી. જો કે સામાન્ય સભાખંડમાં સભા શરૂ થાય તે પહેલા ભાજપના શહેર પ્રમુખ કુમાર શાહ સહિત ચૂંટાયેલા ભાજપના નગરસેવકોને એક બેઠકનું આયોજન સ્ટેન્ડિંગ કમિટી રૂમ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં બંધ બારણે નક્કી કર્યા બાદ નામો જાહેર થયા હતા.
વર્ષાબા પરમારના ચહેરા પર નિરાશા
ભાવનગર મહાનગરપાલિકાના મેયર પદે બંધ બારણે થયેલી બેઠકમાં પીરછલ્લા વોર્ડમાંથી જીતેલા ઉષાબેન તલરેજાને મેયર પદે જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, ઉત્તર સરદારનગર તરસમીયા વોર્ડના કિશનભાઇ મહેતાને ચેરમેન તરીકે જાહેર કરાયા હતા. જ્યારે ડેપ્યુટી મેયર પદે અશોકભાઈ બારૈયાને, પક્ષના નેતા તરીકે લાલભા વાળાને અને દંડક તરીકે રીંકુબેન માંગુકિયાને જાહેર કરતા સભામાં ઉપસ્થિત તમામ નગરસેવકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમયે પણ મેયર માટેની દાવેદારી કરનાર વર્ષાબા પરમાર પણ ઉપસ્થિત હતા તેમના ચહેરા ઉપર પણ નિરાશા જોવા મળતી હતી.

મેયર તરીકે ઉષાબેન તલરેજાની જાહેરાત
પક્ષ અને જીતેલા નગર સેવકોની બેઠક બાદ સામાન્ય સભા સભાખંડમાં કલેકટર મનીષ બંસલ ઉપસ્થિત રહ્યા અને તેમની હાજરીમાં મેયરના દાવેદાર માટેના ફોર્મ ભરાવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પ્રક્રિયા પૂર્ણ થતા કલેક્ટર મનીષ બંસલે જાહેર કર્યું કે, જશુબેન બારૈયાને આઠ મત મળ્યા છે અને ઉષાબેન તલરેજાને 44 મત મળ્યા છે. ઉમેદવારી ફોર્મ માંગતા બે ફોર્મ રજૂ થયા છે. જેમાં ઉષાબેન મેયર પદ માટે જાહેર કરવામાં આવે છે અને મેયર પદ સંભાળવા અને સભાની આગળની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. મેયરના પદ માટે મતદાન કરવામાં આવ્યું હતું, તેમાં ભાજપના 44 નગરસેવકોના મત ઉષાબેનને અને કોંગ્રેસના 8 નગરસેવકના મત જસુબેન બારૈયાને મળ્યા હતા. આમ બહુમતીના પગલે ભાજપના મેયર તરીકે ઉષાબેન તલરેજાની જાહેરાત થઈ હતી.

"મારી પાર્ટી અને મોવડી મંડળના નેતાઓનો આભાર માનું છું. પહેલી વખત ચૂંટણી લડીને સીધો જ ચેરમેન બનાવ્યો છે. અમારી જે વિકાસની ગાથા ચાલુ છે, તેને અમે આગળ વધારશું. સૌપ્રથમ રિંગરોડ ત્યારબાદ બીજો બ્રિજ તેનું ખાતમુહૂર્ત કરાવું છે. સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છીએ. પાર્ટી પ્લોટ, લાઇબ્રેરી બનાવી રહ્યા છીએ. યુવાનો અને મહિલાઓ માટે સ્માર્ટ ભાવનગરબનાવવું છે. - કિશનભાઇ મહેતા, ચેરમેન સ્ટેન્ડિંની કમિટી
મેયર પદે બિરાજમાન બાદ સ્ટેન્ડિંગ કમિટીની રચના
સામાન્ય સભાખંડમાં મેયર પદે ઉષાબેન તલરેજા બિરાજમાન થયા બાદ સભામાં નગરસેવક સંજયભાઈ વેગડને સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની કમિટી બનાવવા માટે જાણ કરી હતી. જે 12 સભ્યોની કમિટી બની ગયા બાદ ચેરમેન તરીકેની નિમણૂક કરવામાં આવનાર હતી. આ સમયે ડેપ્યુટી મેયર પદે અશોકભાઈ બારૈયાની પણ વરણી કરવામાં આવી હતી અને અન્ય શાસક પક્ષ નેતા, દંડક વગેરેની વરણી થઈ હતી. જો કે ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના 12 નક્કી થયેલા સભ્યોની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીને બેઠક મળી હતી. જેમાં તમામ સભ્યોએ ચેરમેન તરીકે કિશનભાઇ મહેતાને જાહેર કર્યા હતા.

શુભેચ્છાઓ વચ્ચે વર્ષાબા પરમાર ભાજપ કાર્યાલય પોહચ્યા
વર્ષાબા પરમાર દ્વારા ગત ટર્મ પહેલા જે વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આજે મેયર પદે ફરી અન્ય મહિલાને સ્થાન મળ્યા પછી તેઓ શહેર ભાજપ કાર્યાલય પહોંચતા સૌ કોઈની નજર તેના પર પડી હતી. શહેર પ્રમુખની ઉપસ્થિતિમાં બંધ બારણે વર્ષાબા પરમારને ચર્ચાઓ થઈ હતી. જો કે બહાર નીકળીને મીડિયા સામે કશું પણ કહ્યા વગર જતા રહ્યા હતા. આ બાબતને લઈને શહેર પ્રમુખને પૂછતા તેમણે જણાવ્યું હતું કે તેના પરિવારમાં બનેલા બનાવને પગલે તેઓ થોડા અપસેટ છે, પરંતુ અન્ય કોઈ બાબત નથી.
આ પણ વાંચો...

