'સારી થેલીમાં ડુંગલી આવશે તો જ હરાજી નહીંતર...', મહુવા માર્કેટિંગ યાર્ડ પરિપત્રના સામે ખેડૂત સંગઠન લાલઘુમ
હાલમાં જિલ્લાના મહુવામાં ડુંગળીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે યાર્ડના તંત્ર દ્વારા ડુંગળીના બારદાન પગલે એક પરીપત્ર બહાર પાડ્યો છે.

Published : January 8, 2026 at 11:27 AM IST
ભાવનગર: ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકની શરૂઆત થઈ છે. ત્યારે યાર્ડ દ્વારા જે થેલીમાં ડુંગળી લાવવામાં આવે છે તેની નબળી ગુણવત્તાને પગલે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં કહેવાયું છે કે, નબળી થેલીમાં આવેલી ડુંગળીની હરાજી કરવામાં આવશે નહીં. જો કે આ મુદ્દાને લઈને ખેડૂત કલ્યાણ સંગઠને યાર્ડ દ્વારા ખેડૂતોની માથે બોજ વધારવાના અને ખોટા ગતકડા હોવાનો આક્ષેપ કરાયો છે.
યાર્ડ દ્વારા ફરજીયાત થેલી મુજબુત લાવવા આગ્રહ
ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે તારીખ 1/1/2026 થી ફરજિયાત પણે ગુણવત્તાવાળી 50 થી 60 ગ્રામ વજનની થેલી લાવવી. જો કે તેની સમય મર્યાદા વધારીને 8/1/2026 કરાઈ છે. આ 8 જાન્યુઆરીથી નબળી થેલીમાં કાંદા આવશે તો સારા પ્લાસ્ટિકના થેલામાં ફેરવ્યા બાદ હરાજી થશે, અન્યથા હરરાજી થશે નહીં તેવો પરિપત્ર બહાર પાડ્યો છે.

ખેડૂત લાવે તો તૂટે નહીં, પણ વેપારી ભરે તો તૂટી જાય
યાર્ડના ચેરમેન ગબરુભાઇએ ETV ભારત ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હલકી ક્વોલિટીના બારદાન આવતા હોવાથી લોડિંગ વાળાને તકલીફ પડે છે. તેમાં સાત રૂપિયાનું પણ બારદાન આવે છે અને 10 રૂપિયાનું પણ બારદાન આવે છે. તો 10 રૂપિયા વાળું બારદાન લાવે તો તે તૂટવાની શક્યતા રહે નહીં. જો કે હરરાજીમાં એવું લાગે તો બારદાન બદલી દેવામાં આવશે પછી હરાજી કરીશું. હાલમાં લાલ ડુંગળીને આવક 25000 થી 35,000 ગુણીની જ્યારે સફેદની 8000 થી 15000 થેલીની આવક શરૂ થઈ ગઈ છે. જો કે કંતાનની થેલી 35 થી 40 ની આવે છે. પરંતુ ખેડૂતોને મોંઘી પડે એટલે અમે પ્લાસ્ટિકની સાત રૂપિયા વાળી નહીં પરંતુ 10 રૂપિયા વાળી થેલી લાવે તેવો આગ્રહ રાખ્યો છે.

ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા વિરોધ
ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ ભરતસિંહ વાળાએ ETV ભારત ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, કંતાનની થેલી 30 થી 40 રૂપિયાની આવે છે અને પ્લાસ્ટિકની સાત થી 10 રૂપિયાની થેલી આવે છે એ પણ ટકાવ હોય છે. ખેડૂત ડુંગળી ભરે પછી પાંચ દિવસ સુધી કોઈપણ કંતાનની કે પ્લાસ્ટિકની થેલી સારી રહેતી હોય છે. ત્યારબાદ તેને કોઈ ટકવાની ગેરંટી હોતી નથી. ત્યારે યાર્ડ દ્વારા ખેડૂત માટે બોજ વધારવામાં આવ્યો છે. સાત રૂપિયા કે 10 રૂપિયાની કોઈપણ થેલી હોય તેમાં ફરક પડતો નથી.

જાન્યુઆરી બાદ વધશે ડુંગળીની આવક
ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ ભરતસિંહે આગળ જણાવ્યું હતું કે, જાન્યુઆરી બાદ ડુંગળીની આવકમાં વધારો થશે. હાલમાં જે ડુંગળી આવે છે એ 40 થી 60 ટકા જ ખેડૂતની ખેતરમાંથી આવે છે. બાકીની ખેડૂતો ખેતરમાં રાખી મૂકે છે તેમાં પણ ભાવ 300 થી 250 જેવા જ મળી રહ્યા છે. જો કે જાન્યુઆરી બાદ સારી ગુણવત્તાની ડુંગળીની આવકમાં વધારો થશે. ત્યારે એક લાખ થેલા ઉપર આવક પહોંચી જશે તો તમે સમજી શકો છો કે કંતાનમાં 30 ને 40 રૂપિયા વાળી થેલી લેવામાં આવે તો તેટલા લાખમાં રૂપિયા થઈ જવાના છે એટલે આમ જોઈએ તો ખેડૂત માથે બોજ વધી જશે. અમે પાંચ વર્ષથી આ મુદ્દાને લઈને વિરોધ કરતા આવીએ છીએ.
આ પણ વાંચો:

