ભાવનગર લઠ્ઠાકાંડ મામલે ઉજ્જૈનથી વધુ એક આરોપી સહિત 13ની ધરપકડ, તમામના 2 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ મંજૂર
આ તપાસમાં સ્ટેટ મોનીટરીંગ સેલની 16 ટીમો દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ તેમજ ગુજરાત રાજ્યની અંદર અલગ-અલગ જિલ્લાઓમાં પુરાવાકીય કડીઓ મેળવવા કાર્યરત થઈ હતી.

Published : August 24, 2026 at 11:00 PM IST
ભાવનગર: ગત 18 ઓગસ્ટના રોજ ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશનની હદમાં નકલી દારૂ પીધા બાદ 13 લોકોના મોત થઈ ગયા જ્યારે 60થી વધુ લોકોને ઝેરી દારૂની અસર થઈ હતી. આ મોત બાદ દારૂ મીથેનોલ યુક્ત ઝેરી હોવાનું પ્રસ્થાપીત થતા કુલ 21 આરોપી વિરૂધ્ધ વરતેજ પોલીસ સ્ટેશન ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ ગુનાની તપાસ સ્ટેટ મોનટરીંગ સેલને સોંપવામાં આવી છે. આ પ્રકારના ઝેરી કેમિકલ યુક્ત દારૂથી થતી જાન-હાની પર અંકુશ લગાવી શકાય તે માટે આરોપીઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ થઇ કેમિકલ યુક્ત ઝેરી દારૂ જે-જે વ્યક્તિઓ સુધી પહોંચેલો તે વ્યક્તિઓની ઓળખ કરવા અંગે અને ટ્રેસીંગ કરવાની કામગીરી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ તપાસમાં સ્ટેટ મોનીટરીંગ સેલની 16 ટીમો દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ તેમજ ગુજરાત રાજ્યની અંદર અલગ-અલગ જિલ્લાઓમાં પુરાવાકીય કડીઓ મેળવવા કાર્યરત થઈ હતી.
આ ટીમો દ્વારા મિથેનોલ તથા અન્ય કેમીકલ ક્યાંથી આવ્યું છે તેમજ કયા ટ્રાન્સપોર્ટરો મારફતે આવ્યું છે? તથા કયા-કયા આરોપીઓ મારફતે કઇ જગ્યાએથી આ રૉ મટીરીયલ ગુજરાતમાં મોકલવામાં આવેલું છે? તે દિશામાં તપાસ કરવામા આવી રહી છે. આ તપાસમાં એસ.એમ.સી. દ્વારા અલગ અલગ ટીમો બનાવી ઝેરી કેમિકલ યુક્ત દારૂની બોટલો કબ્જે કરી ગુનામાં સંડોવાયેલ કુલ-14 આરોપીઓને અટકાયત કરીને નામદાર કોર્ટમાં તેમના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે.
આ આરોપીઓની ઉંડાણ પુર્વક પુછપરછ બાદ 23 ઓગસ્ટના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વધુ 13 આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરી 2 સપ્ટેમ્બર 2026 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામા આવેલા છે
જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેઓના નામ
- આનંદ છાંડી, રહે. કરણવાસ, જિ.રાજગઢ, મધ્યપ્રદેશ. આ આરોપીને ઉજ્જૈન ખાતેથી લાવવામાં આવેલો છે અને ઝેરી દારૂ બનાવવાના ષડયંત્રમાં તેની ખુબ મોટી ભુમિકા છે. ઝેરી દારૂ બનાવવા માટેનુ કેમિકલ આ આરોપી મારફતે આવેલું છે.
- અરવિંદ ઉર્ફે પાંડે દિનેશભાઈ સોલંકી, રહે. ઘોઘા રોડ, ભવનગર
- સંજય મકવાણા, રહે. ઘોઘા રોડ, ભાવનગર.
- નિતીનભાઈ ઉર્ફે મુના મોરી, રહે. ઘોઘા રોડ, ભાવનગર
- કિશોર ઉર્ફે પોચો સોલંકી, રહે. શુભાષનગર, ભાવનગર.
- મયુર સોલંકી, રહે. વણકર વાસ, ભાવનગર.
- સંજયભાઇ મોરી, રહે. ગાયત્રી મંદીર સામે, ભાવનગર.
- મુકેશ ઉર્ફે કચોરી બારૈયા, રહે. હરીઓમનગર, ભાવનગર
- સંજય ઉર્ફે ચકરમ બારૈયા, રહે. ઘોઘા જકાતનાકા, ભાવનગર.
- નીર્મલસિંહ વાઘેલા, રહે, મોમાઇ
- પાર્થરાજસિંહ ગોહીલ, રહે. તળાજા રોડ, ભાવનગર.
- સંજય ચાવડા, રહે. જેલ ગ્રાઉન્ડ, ભાવનગર.
- ભાગીરથસિંહ ગોહિલ, રહે. ઘોઘા, જિ.ભાવનગર.
આરોપી નંબર 2 થી 13એ ઝેરી દારૂની સપ્લાય ચેઇનમાં અગત્યની ભુમિકા ભજવેલી છે, ઝેરી દારૂ મંગાવી, તે દારૂ પોતાના કબ્જામાં રાખી અને લોકોને સપ્લાય તથા વેચાણ કરેલું છે.
આમ, ઝેરી કેમીકલ યુક્ત દારૂ કે, જેનું સેવન કરવાવાળા લોકોના જીવ જતા રહે છે. તે જાણતા હોવા છતાં દારુ બનાવવાના આ ગુનાહીત કાવતરામાં સામેલ કુલ 27 આરોપીઓની ધરપકડ કરી તમામ પ્રકારના પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી તથા અન્ય આરોપીઓ પકડવાની કામગીરી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો દ્વારા કરવામાં આવી રહેલી છે.
આ પણ વાંચો:

