ETV Bharat / state

વરસાદ ખેચાતા સિંચાઇના એક પાણ માટે માથા પછાડતા ખેડૂત, સિંચાઈના પાણી માટે કલ્યાણ સંગઠને કરી રજૂઆત

ભાવનગર જિલ્લાના પાનવાડીમાં સિંચાઈ કચેરીએ ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ ભરતસિંહ વાળા સહિતના ખેડૂતો રજૂઆત માટે પહોંચ્યા, પરંતુ અધિકારી ગેરહાજર મળ્યા.

વરસાદ ખેચાતા સિંચાઇના એક પાણ માટે માથા પછાડતા ખેડૂત
વરસાદ ખેચાતા સિંચાઇના એક પાણ માટે માથા પછાડતા ખેડૂત (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 29, 2026 at 8:54 PM IST

2 Min Read
Choose ETV Bharat

ભાવનગર : જિલ્લામાં ચોમાસાનો વરસાદ નહીંવત થવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. શેત્રુંજી ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની માંગને લઈને ખેડૂત કલ્યાણ સંગઠનના પદાધિકારીઓ અને ખેડૂતો સિંચાઈ કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા, પરંતુ અધિકારી હાજર ન મળતા તેમણે કચેરીને તાળા મારી દેવાની ચીમકી ઉચ્ચારી છે.

વાવણીનો સમય નજીક, પાણી વગર વાવેતર મુશ્કેલ
ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલી સિંચાઈ વિભાગની કચેરીએ ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ ભરતસિંહ વાળા, ખેડૂત આગેવાનો અને અન્ય ખેડૂતો પહોંચ્યા હતા. ભરતસિંહ વાળાએ જણાવ્યું કે ચોમાસાનો વરસાદ પડ્યો નથી અને વાવણીનો સમય નજીક આવી ગયો છે. અષાઢ મહિનો શરૂ થવાનો છે અને આદ્રા નક્ષત્ર પણ ઉતરવાનું હોવાથી ટૂંક સમયમાં વાવેતર કરવું પડશે. તેમણે કહ્યું, "વાવેતર માટે એક પાણની જરૂર છે. અમે 17 તારીખે સિંચાઈ વિભાગ, મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યા, 25 તારીખે પણ પત્ર લખ્યો. આજે રજૂઆત કરવા આવ્યા, પરંતુ અધિકારીને જાણ હોવા છતાં તેઓ છૂમંતર થઈ ગયા."

સિંચાઈના પાણી માટે કલ્યાણ સંગઠને કરી રજૂઆત (Etv Bharat Gujarat)

'ફોર્મ ભરો' કહેતા ખેડૂતોનો ગુસ્સો ફૂટ્યો
ભરતસિંહ વાળાએ ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું, "અધિકારી કહે છે કે ફોર્મ ભરીને રજૂઆત કરો, પણ એક પાણ માટે ફોર્મ ભરવાની જરૂર નથી. ભૂતકાળમાં પણ એક પાણ આપવામાં આવ્યું છે. તેઓ કહે છે કે આગળ વાળા પાણીના પૈસા ભરતા નથી, પણ મહાનગરપાલિકાના તો 305 કરોડ બાકી છે, ખેડૂત પાસે 500ની માંગણી શું કરો છો?" તેમણે જિલ્લાના ધારાસભ્યો પર પણ ટક્કર લગાવતાં કહ્યું કે આ વિસ્તારના એક પણ ધારાસભ્યે અત્યાર સુધી આ મુદ્દે અવાજ ઉઠાવ્યો નથી. તેમણે ચેતવણી આપી કે જો આગામી દિવસોમાં પાણી નહીં આપે તો કચેરીને તાળા મારી દેશું.

સિંચાઈના પાણી માટે કલ્યાણ સંગઠને કરી રજૂઆત (Etv Bharat Gujarat)

ખેડૂતોની કરુણ પરિસ્થિતિ
રજૂઆતમાં સાથે આવેલા મહુવા તાલુકાના ભદ્રાવળ ગામના ખેડૂત જસમતભાઈએ જણાવ્યું, "અત્યારે અમે મગફળી વાવેલી છે. બે વીઘા વાવેતર કર્યું છે, ડીએપી, બિયારણ વગેરેનો બધો ખર્ચ કરી નાંખ્યો છે. હાલમાં ફણગા ઊગી રહ્યા છે, પાણી ન મળે તો બધું બળી જશે." ઘોઘા તાલુકાના ખેડૂત પરબતભાઈ ગોહિલે કહ્યું, "વરસાદ થયો નથી, ઘણા ખેડૂતોએ મોંઘા બિયારણ લઈને વાવેતર કર્યું છે. વહેલી તકે પાણી છોડવું જોઈએ."

ખેડૂત આગેવાનો
ખેડૂત આગેવાનો (Etv Bharat Gujarat)

અધિકારીનો જવાબ
ભાવનગર જિલ્લાના સિંચાઈ વિભાગના અધિકારી નરેન્દ્રભાઈ તરસરિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું, "એક પાણ આપવા માટે સિંચાઈ સલાહકારને ડિમાન્ડ મોકલવી પડે છે. અહીંયા કોઈ ડિમાન્ડ ન હોય તો ઉપર શું જણાવીએ? અમે તેમને કહ્યું કે ફોર્મ ભરો, પણ તેઓ ફોર્મ ભરતા નથી. જો ફોર્મ ભરે તો અમે સરકારને મોકલી શકીએ. હાલ તો અમે પૈસા પણ માંગ્યા નથી."

આ પણ વાંચો....