737 બોઇંગ ફ્લાઈટ ઉતરે તેવુંં ભાવનગરનું એરપોર્ટ છતાં સ્થિતિ "ભાડું મળે તો ફેરો"!, કોંગ્રેસના પ્રહારો
ભાડું મળે તો ફેરો હા આ સ્થિતિમાં કોંગ્રેસે ચેમ્બરઓફ કોમર્સ અને ભાજપ સામે આકરા પ્રહાર કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Published : January 7, 2026 at 3:51 PM IST
|Updated : January 7, 2026 at 3:57 PM IST
ભાવનગર : જિલ્લો એરપોર્ટ સુવિધાઓથી સજ્જ છે, પરંતુ ભાવનગરથી કાયમી એકેય શહેરની ફલાઇટ નથી. વેન્ચુરા એર કનેક્ટિવિટી સુરતની હતી, પણ તેમાં મુસાફર મળે તો ફલાઇટ ચાલે તેવી સ્થિતિ છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને મંત્રી દ્વારા રજૂઆતની વાત કરાય છે. જો કે ચેમ્બર ઓફ કોમર્સ પોતાનો મત મુક્યો છે.
ધોરી ધણી વગરના બનેલા એરપોર્ટ શહેરવાસીઓ માટે શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. ભાવનગર આવવા ગમે તે ફ્લાઈટ માટે દરવાજા ખુલ્લા છે, પરંતુ ભાવનગરથી તમારે ક્યાંય જવું હોય તો એકપણ ફલાઇટ નથી. હાલમાં એરપોર્ટની સ્થિતિ રિક્ષાવાળાઓ જેવી બની ગઈ છે. ભાડું મળે તો ફેરો હા આ સ્થિતિમાં કોંગ્રેસે ચેમ્બરઓફ કોમર્સ અને ભાજપ સામે આકરા પ્રહાર કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
રાજા રજવાડામાં ફલાઇટ ચાલતી હવે નહિ
ભાવનગર શહેર પ્રમુખ કોંગ્રેસના લાલભા ગોહિલે જણાવ્યું હતું કે, આજે ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા ભાવનગરને હવે નકશામાંથી ગાયબ કરી દેવામાં આવ્યું છે. આ જે કાંઈ પાપ હોય તે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વના પગલે છે. કેન્દ્રમાં મંત્રી હોવા છતાં ભાવનગરની કનેક્ટિવિટી આજના દિવસે 0 છે શૂન્ય.
જ્યારે રાજા રજવાડાના સમયમાં અહીંયા ફ્લાઇટો ઉડતી ભાવનગરથી, ત્યારે ભાવનગરના વિકસિત દિશા તરફ લઈ જવાની વાત તો દૂર રહી પણ ભાવનગરના પછાત કરવાનું ભારતીય જનતા પાર્ટી પાપ કરી રહી છે. ભાવનગરની જનતા સાથે દ્રોહ છે, આ દ્રોહ જ કહી શકાય.

જિલ્લાના મંત્રીઓ બીજા જિલ્લાના વિકાસની વાત કરે
ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, તમે વાત સમજો ભાવનગરની એર કનેક્ટિવિટી બંધ કરી એટલે ભાવનગરમાં નવા ઉદ્યોગો આવતા હશે તે બંધ થશે. જ્યાં એર કનેક્ટિવિટી ના હોય ત્યાં ઉદ્યોગોને આવીને શું ફાયદો છે. ભારતીય જનતા પાર્ટીના શાસકો જે છે, અત્યારના કહેવાતા મિનિસ્ટરો છે, બીજા જિલ્લાની વાત કરે છે, પણ પોતાના માદરે વતનમા તો ધ્યાન દેતા નથી.

ચેમ્બર ઓફ કોમર્સ નબળું સાબિત થયું
લાલભા ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ પણ તેવી તાકાતથી રજૂઆત કરી શકતો નથી, તેના કાર્યકર આગેવાનો નબળા સાબિત થયા છે. તમે ભારતીય જનતા પાર્ટીને તમામ મદદ કરી છે, પણ ભારતીય જનતા પાર્ટીએ શું આપ્યું છે, તે સાબિત થયું છે. કારણ એર કનેક્ટિવિટી 0 થઈ છે. ભાવનગરને નકશામાંથી ગાયબ કરી દીધું છે, તો આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી શું કરશે જોવાનું રહ્યું પણ કોંગ્રેસ ચૂપ નહીં રહે તાત્કાલિક એર કનેક્ટિવિટી શરૂ કરવામાં નહીં આવે તો પ્રજાને સાથે રાખી કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે તેની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની રહેશે.

હાલ કોઈ શિડ્યુલ ફ્લાઇટ નથી
કોંગ્રેસના આક્ષેપ બાદ ભાવનગર એરપોર્ટના ડાયરેક્ટર તપન નાયક એ જણાવ્યું હતું કે, "છેલ્લા એક વર્ષ 1 જુનથી સ્પાઇસ જેટના પ્લેન ચાલતા હતા. તેને કોઈ પણ કારણે બંધ કરી દીધા, જે શિડ્યુલ ફ્લાઇટ હતી. આજના દિવસે ફ્લાઇટ ચાલે છે, એક અઠવાડિયામાં 10 નોન શિડયુલ ફ્લાઇટ ચાલે છે. ઘણી એવી ચર્ચા હતી કે વેન્ચુરા એર કનેક્ટ બંધ થઈ જશે, પણ તમને જણાવું કે તેને પેસેન્જર મળે તો ઓપરેટ કરે છે, અને ના મળે તો નથી કરતા, તેનું કોઈ શિડ્યુલ ફિક્સ ના હોય એટલે એરપોર્ટ બંધ થઈ ગયું ના કહેવાય. એરપોર્ટ લાયસન્સ વાળું છે, મેન્ટેઇન કરવા વગેરે વ્યવસ્થિત રાખવું પડે છે. અહીંયા બોઈંગ 737 આવે છે. વડાપ્રધાન પણ બોઈંગમાં આવ્યા હતા."
નવી શિડ્યુલ ફ્લાઇટ માટે માંગણી
એરપોર્ટ ડાયરેક્ટર તપન નાયકે વધુમાં જણાવ્યું હતું કે, "ઈન્ડિગો દ્વારા અગાઉ સર્વે કરાયો હતો. એમને બે ફ્લાઇટ માટે કહ્યું હતું, તો મંજૂરી અમે આપી દીધી હતી. અત્યારે માર્ચ શિડયુલ માટે માંગણી છે, તેને મંજૂરી આપી દીધી છે. DGCIથી મંજૂરી આવશે, તો ફ્લાઇટ ઓપરેટ થશે, નવી મુંબઈથી ઓપરેટ થઈ શકે છે. શિડયુલ ફલાઇટ મંજૂર થાય તેનું સેક્ટર ફીક્સ હોય છે. જેમ કે ભાવનગર મુંબઈ છે, ભાવનગર પુણે હતું. આપણી પાસે ડાયરેક્ટર જનરલ ઓફ સેક્રેડેશન મંજુર કરે એટલે તે સમયે જ ચલાવવી પડે અને તે દિવસે જ ચલાવી પડે. અમારી પાસે નોન શિડયુલ અમદાવાદ, મુંબઈ, દિલ્હી, ઉદયપુર, બેંગલોર, હૈદરાબાદથી પણ આવે છે."

એર ઈન્ડિયા બંધ થયા બાદ માંગ નથી
તપન નાયકે જણાવ્યું હતું કે, "એર ઇન્ડિયા છે, ત્રણ વર્ષ પહેલા ઓપરેટ થતી હતી. હવે એર ઇન્ડિયા ભારત સરકારની રહી નથી. અત્યારે તેને લઈને કોઈ માંગણી છે નહીં. આપણે ઘણી એરલાઇન્સને પણ કહ્યું છે, અમારી પાસે બધી વ્યવસ્થા છે, તમે આવો. ઘણા એવા એરપોર્ટમાં નથી તેવી સુવિધા છે, ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ છે, 18.50 મીટરનો રન્વે છે. 737 બોઈંગ આવી શકે છે. વેન્ચુરા ભાવનગર ચાલતી હતી અને ગુજરાત સરકારની કોશિશ છે. અમરેલી, ભાવનગર, અમદાવાદ વગેરેને જોડવાનો પ્રયાસ છે. હાલ મુંબઈની કનેક્ટિવિટી નથી."
ચેમ્બર ઓફ કોમર્સે કરી છે રજૂઆત
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રકાશભાઈએ જણાવ્યું કે, "ગયા જૂન મહિના સુધી સ્પાઇસ જેટની મુંબઈ અને પુણેની ફ્લાઈટ શરૂ હતી. જે સરકારની ઉડાન પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી હતી, તે બંધ થવાથી મનસુખભાઈ માંડવીયા, નિમુબેન બાંભણિયાને રજૂઆત કરી હતી. આ ફ્લાઈટ બંધ થાય છે, તેમજ સ્ટેશનો ઉપરથી પેસેન્જર માટે તેની માહિતી મેળવે છે.

ત્રણથી ચાર મહિના બાદ અમને જાણવા મળ્યું હતું કે સ્પાઈસ જેટ મુંબઈમાં સ્લોટ નહોતો. નવી મુંબઈથી હવે ઈન્ડિગોની ફ્લાઈટ શરૂ થવાની વાત છે, પણ તેની ફ્લાઇટ હમણાં જે રીતે રદ થઈ છે, ત્યારે અમારો પ્રયત્ન છે કે સ્લોટની સમસ્યા હલ થતા ફ્લાઇટ શરૂ થશે."
નિમુબેને સરકાર સમક્ષ મૂકી છે રજૂઆત
કેન્દ્રીયમંત્રી નિમુબેન બાંભણીયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, "વેન્ચુરાને લઈને ગુજરાત સરકારમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે પણ ચર્ચા થઈ છે. જ્યારે મુંબઈ માટે પણ ઉડ્યન મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. નવી મુંબઈ થી સ્લોટ મળવાની સાથે ભાવનગરને ભાવનગર થી મુંબઈ ફ્લાઇટ મળી શકે છે. અમારા પ્રયત્નો પહેલેથી શરૂ છે અને ફ્લાઈટ લાવવા માટે અમારી કોશિશો ચાલુ છે.
આ પણ વાંચો...

