ETV Bharat / state

લગ્ન સહિતના ખોટા દસ્તાવેજોથી વિદેશ મોકલવાનું મોટું કૌભાંડ ઝડપાયું, ભરૂચ SOGએ 4 આરોપીને દબોચ્યાં

આરોપીઓ દ્વારા ખોટા લગ્ન સર્ટિફિકેટ, બનાવટી આધાર કાર્ડ તથા અન્ય મહત્વના દસ્તાવેજો તૈયાર કરી વિઝા પ્રક્રિયા પૂર્ણ કરીને લોકો પાસેથી મોટી રકમ ઉઘરાવતા હતાં.

વિદેશ મોકલવાનું મોટું કૌભાંડ ઝડપાયું
વિદેશ મોકલવાનું મોટું કૌભાંડ ઝડપાયું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 8, 2026 at 7:20 AM IST

|

Updated : January 8, 2026 at 7:35 AM IST

2 Min Read
Choose ETV Bharat

ભરૂચ: ભરૂચ જિલ્લામાં ફેક લગ્ન અને ખોટા દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાના મવટા ફ્રોડનો પર્દાફાશ થયો છે. ભરૂચ SOG પોલીસ દ્વારા કરાયેલી મોટી રેડમાં આ ગેંગની કામગીરી બહાર આવી છે, અને ચાર આરોપીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ દ્વારા ખોટા લગ્ન સર્ટિફિકેટ, બનાવટી આધાર કાર્ડ તથા અન્ય મહત્વના દસ્તાવેજો તૈયાર કરી વિઝા પ્રક્રિયા પૂર્ણ કરાવવામાં આવતી હતી અને નિર્દોષ લોકો પાસેથી મોટી રકમ ઉઘરાવવામાં આવતી હતી.

ભરૂચ SOG પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વિદેશ જવાની લાલચ આપી લોકો પાસેથી નાણાકીય ફાયદો મેળવવા માટે સુનિયોજિત રીતે આ લોકો કામ કરતા હતાં, ખોટા લગ્ન દર્શાવી પતિ-પત્ની તરીકેના દસ્તાવેજો બનાવવામાં આવતા હતા, જેના આધારે પાસપોર્ટ અને વિઝાની કાર્યવાહી સરળતાથી પૂર્ણ થતી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં બનાવટી આધાર કાર્ડ, ઓળખપત્રો તથા અન્ય સરકારી કાગળોનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

ફેક દસ્તાવેજો બનાવી વિદેશ મોકલવાના ફ્રોડ સામે પોલીસ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે: અક્ષયરાજ મકવાણા, જિલ્લા પોલીસ વડા, ભરૂચ (Etv Bharat Gujarat)

આ કેસમાં આરોપી તરીકે રિઝવાન ઇસ્માઇલ મેદા (રહેવાસી ગામ વલણ, તાલુકો કરજણ, જિલ્લો ભરૂચ, હાલ UK), તસ્લીમાબાનું ઇસ્માઇલ કારભારી (રહેવાસી જંબુસર, જિલ્લો ભરૂચ, હાલ UK), ફૈઝલ ઇસ્માઇલ કારભારી (રહેવાસી પટેલ સોસાયટી, જંબુસર, જિલ્લો ભરૂચ, હાલ UK) અને એડવોકેટ સાજિદ કોઠિયા (રહેવાસી ગામ ટંકારિયા, તાલુકો-જિલ્લો ભરૂચ, હાલ કેનેડા)ની સંડોવણી બહાર આવી છે. આરોપીઓ વિદેશમાં રહેતા હોવા છતાં ભારતમાંથી ફ્રોડનું નેટવર્ક સંચાલિત કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ફેક દસ્તાવેજો, વિઝા સંબંધિત મહત્વના કાગળો, ડિજિટલ ડેટા તથા અન્ય પુરાવાઓ કબ્જે લેવામાં આવ્યા છે. આ દસ્તાવેજોના આધારે અન્ય પીડિતોની સંખ્યા અને ફ્રોડની વ્યાપકતા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે, ભરૂચ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ આ ગેંગે સમાન પ્રકારના કૌભાંડ કર્યા હોવાની શક્યતા છે.

વિદેશ મોકલવાના નામે મોટી રકમ પડાવી લેતા હતા આરોપી
વિદેશ મોકલવાના નામે મોટી રકમ પડાવી લેતા હતા આરોપી (Etv Bharat Gujarat)

આ મામલે પાલેજ પોલીસ સ્ટેશનમાં BNS તથા IT Act હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વિદેશમાં રહેલા આરોપીઓને પકડવા માટે પણ જરૂરી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સાઇબર અને દસ્તાવેજી ફ્રોડના એંગલથી પણ તપાસ તેજ કરવામાં આવી છે.

આ સમગ્ર કેસ અંગે ભરૂચના જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, ફેક દસ્તાવેજો બનાવી વિદેશ મોકલવાના ફ્રોડ સામે પોલીસ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. સામાન્ય નાગરિકોએ પણ વિદેશ જવાની પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ ઓફર કે દસ્તાવેજી વ્યવહાર સામે સાવચેત રહેવાની જરૂર છે અને કોઈપણ ફ્રોડ અંગે તરત પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. પોલીસની તપાસ હજુ ચાલુ છે અને આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  1. નવસારીમાં વિદેશ મોકલવાના 9 લોકો સાથે છેતરપિંડી, મુંબઈ એરપોર્ટ પરથી મહિલાની અટકાયત
  2. હિંમતનગરમાં વિઝા કૌભાંડ, પિતા-પુત્રની જોડીએ કરોડોની છેતરપિંડી કરી
Last Updated : January 8, 2026 at 7:35 AM IST