'ભારત ટેક્સી' વિશ્વની સૌથી મોટી મોબિલિટી કો-ઓપરેટિવ: 4 મહિનામાં 35 લાખ યુઝર્સ, 6 લાખથી વધુ ડ્રાઇવર્સ જોડાયા
ભારત ટેક્સી સાથે જોડાયેલા ડ્રાઇવર્સની માસિક આવકમાં 25% થી 30% નો વધારો, પારદર્શક સિસ્ટમથી મુસાફરોને લગભગ 15%ની બચત થઈ રહી છે.

Published : May 28, 2026 at 1:54 PM IST
ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી 'ભારત ટેક્સી' ઍપ નવી ડિજિટલ બની છે. 5 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા લૉન્ચ કરવામાં આવેલી આ પહેલ ટેક્નોલૉજી અને માનવીય ગરિમાના સંગમનું વિશ્વનું સૌથી મોટું ઉદાહરણ બની રહી છે. આ ઍપ થકી અત્યાર સુધીમાં 35 લાખથી વધુ યુઝર્સ જોડાયા છે. જ્યારે 6 લાખથી વધુ ડ્રાઇવર્સ અત્યાર સુધીમાં તેની સાથે જોડાયા છે.
ભારત ટેક્સીના ચૅરમૅન અને અમૂલના એમ.ડી જયેન મહેતાના મતે આ પરિવર્તન એક મોટી ક્રાંતિ સમાન છે. તેમણે કહ્યું કે, “ભારત ટેક્સીએ ડ્રાઇવર-ઓન્ડ મૉડલને વાસ્તવિકતા બનાવીને એ સુનિશ્ચિત કર્યું છે કે, રાઇડની 100% કમાણી કોઈપણ કપાત વિના સીધી ડ્રાઇવરો સુધી પહોંચે. આજે તે દુનિયાની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ તરીકે ઊભરીને ડ્રાઇવરોના સ્વાભિમાનને વધારી રહી છે, સાથે જ ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનનો વૈશ્વિક સ્તરે એક નવો બેન્ચમાર્ક પણ સ્થાપિત કરી રહી છે.
કમીશનનો ‘ખેલ’ ખતમ, હવે ડ્રાઇવર્સ જ માલિક
મોબિલિટી ક્ષેત્રમાં અત્યાર સુધી ડ્રાઇવરો માટે સૌથી મોટી મુશ્કેલી ભારે કમિશન અને અનિશ્ચિત આવક રહી છે. પરંતુ ‘ભારત ટેક્સી’એ આ જૂની પેટર્નને બદલી નાખી છે. અહીં કોઈ વચેટિયા કે કોર્પોરેટ નથી, પરંતુ ડ્રાઇવર્સ જ આ કોઓપરેટિવના સ્ટેકહોલ્ડર્સ છે. તેનો સીધો પ્રભાવ પાયાના સ્તરે જોવા મળી રહ્યો છે. આ પ્લેટફોર્મમાં જોડાયા પછી, એક સરેરાશ ડ્રાઇવરની માસિક આવક 25% થી 30% વધી છે. આ આંકડો ફક્ત કમાણીનો નહીં, પરંતુ એ હજારો પરિવારોની સમૃદ્ધિનો દસ્તાવેજ છે, જેઓ હવે પરંપરાગત એગ્રીગેટર મૉડલથી બહાર નીકળી રહ્યા છે.

ડ્રાઇવરોના જીવનમાં આવેલા આ બદલાવને પ્રવીણ ઠાકોરના અનુભવથી સારી રીતે સમજી શકાય છે. તેઓ કહે છે કે, “અન્ય કંપનીઓ સાથે કામ કરવું હવે ફાયદાકારક રહ્યું ન હતું. પરંતુ, ‘ભારત ટેક્સી’ સાથે જોડાયા પછી અમને વધુ સારો રેટ અને પ્રતિસાદ મળી રહ્યા છે. આ મૉડલ સાથે જોડાઈને કોઈપણ ડ્રાઇવર સારી કમાણી કરીને પોતાના પરિવારનું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકે છે.”
ડાયનેમિક પ્રાઇસિંગમાંથી મુક્તિ: પારદર્શક સિસ્ટમથી મુસાફરોને થઈ રહી છે લગભગ 15%ની બચત
ભારત ટેક્સી ફક્ત ડ્રાઇવર્સની આવક વધારવા સુધી સીમિત નથી, પરંતુ તેણે ‘પેસેન્જર એક્સપીરિયન્સ’ને પણ નવો આયામ આપ્યો છે. ખાનગી એગ્રીગેટર પ્લેટફોર્મ્સમાં ઘણીવાર ડાયનેમિક પ્રાઇસિંગને કારણે ફૅરમાં અનિશ્ચિતતા રહેતી હોય છે. જો કે, ભારત ટેક્સીએ આ માળખું સ્થિર અને પારદર્શક રાખ્યું છે. આનો મુસાફરોને સીધો ફાયદો થઈ રહ્યો છે અને તેઓ સરેરાશ 15% ઓછું ભાડું ચૂકવી રહ્યા છે.
મુસાફરોની આ બચત અને ડ્રાઇવરોની સ્વતંત્રતાના આ 'વિન-વિન' મૉડલ અંગે ડ્રાઇવર જનક બારોટ કહે છે કે, "અહીં શૂન્ય કમિશન છે અને ચૂકવણી સીધી અમારા ખાતામાં થાય છે; અમને એક માલિક હોવાનો અનુભવ થાય છે. અન્ય કંપનીઓ ₹30/કિમી ભાડું વસૂલે છે, જેની સરખામણીમાં અમે ગ્રાહકો પાસેથી ₹17-18 ભાડું લઈ રહ્યા છીએ, જે તેમના માટે પણ ફાયદાકારક છે. ભવિષ્યમાં સંસ્થાના વિસ્તરણ સાથે અમને પેન્શન અને વીમા જેવી યોજનાઓનો લાભ પણ મળશે."

ટૂંક સમયમાં વડોદરામાં પણ શરૂ થશે ભારત ટેક્સી
ગુજરાતમાં 1 લાખ સહિત દેશભરમાં 6 લાખથી વધુ ડ્રાઇવરો અને 35 લાખથી વધુ ઍપ ડાઉનલોડ્સની સાથે ભારત ટેક્સી ઝડપથી એક મજબૂત રાષ્ટ્રીય પ્લેટફોર્મ બની રહી છે. અમદાવાદ અને સુરતમાં જબરદસ્ત સફળતા મેળવ્યા પછી, હવે વડોદરા આ કંપનીના વિસ્તારનું આગામી મુખ્ય કેન્દ્ર છે. પોતાની જમીની સ્તરની હાજરીને વધુ મજબૂત કરવા માટે IT પાર્ક, હાઉસિંગ સોસાયટીઓ અને એરપોર્ટ જેવા ઉચ્ચ આવાગમનવાળા વિસ્તારોમાં વપરાશકર્તાઓ સાથે સીધા જોડાવા માટે કંપની ‘બિલો ધ લાઇન’ (BTL)ની વ્યૂહરચના અપનાવી રહી છે, જે તેને એક જનકેન્દ્રિત બ્રાન્ડ બનાવે છે.
આ વધતા નેટવર્ક અને સરળ પ્રક્રિયા અંગે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રેસિડેન્ટ અજય કુમાર ગુપ્તા કહે છે, “ગ્રાહકોને એ બાબત ખૂબ આકર્ષિત કરે છે કે, આ ‘આપણા ભારતની કંપની’ છે અને તેમાં ડ્રાઇવરો પાસેથી કોઈ કમિશન લેવામાં નથી આવતું. તમામ ડ્રાઇવરોને મારી અપીલ છે કે, તેઓ આની સાથે જોડાય. તેની પ્રક્રિયા એટલી સરળ છે કે, એપ્લિકેશન પર દસ્તાવેજો સબમિટ કર્યાના માત્ર 12 કલાકમાં મંજૂરી મળી જાય છે.”
ગુજરાતમાં ભારત ટેક્સીને મળ્યું રાજ્ય પોલીસનું ‘સુરક્ષા કવચ’ અને ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ સિસ્ટમની સુવિધા
સલામતી અને ટેક્નોલૉજીના અજોડ મિશ્રણનો પુરાવો છે- ગુજરાત પોલીસ સાથે તેનું સીધું SOS સંકલન, જે મુસાફરો અને ડ્રાઇવરો માટે 'સુરક્ષા કવચ' તરીકે કાર્ય કરે છે. વધુમાં, સોમનાથ અને દ્વારકા જેવા પવિત્ર યાત્રાધામો માટે એક સમર્પિત રૂટ કનેક્ટિવિટીના કારણે ભારત ટેક્સી માત્ર શહેરી પરિવહન સુધી સીમિત ન રહેતા, શ્રદ્ધાળુઓની આસ્થા અને વિશ્વાસની સારથિ પણ બની ગઈ છે.
વધુમાં, સેવાની ગુણવત્તા જાળવી રાખવા માટે, 10,000થી વધુ ડ્રાઇવરોને ડિજિટલ સાક્ષરતા અને સોફ્ટ સ્કિલ્સમાં વ્યાપક તાલીમ આપવામાં આવી છે. મેટ્રો, GSRTC અને એરપોર્ટ ઓથોરિટી સાથેની તેની 'ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ સિસ્ટમ' એ ગુજરાતમાં મુસાફરીને એક સરળ અનુભવમાં પરિવર્તિત કરી છે.
આ પણ વાંચો:

