6 માર્ચે વકીલ શક્તિનો પરીક્ષાકાળ: 99 ઉમેદવાર, 76 હજાર મતદારો અને ઐતિહાસિક પરિણામની અટકળો
6 માર્ચના રોજ ગુજરાત બાર કાઉન્સિલ ઑફ ગુજરાતની ચૂંટણી યોજાવાની છે

Published : March 4, 2026 at 6:57 PM IST
અમદાવાદ: ગુજરાતના વકીલ સમાજ માટે મહત્વપૂર્ણ ગણાતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી 6 માર્ચે યોજાવાની છે. રાજ્યભરના વકીલો માટે આ ચૂંટણી વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત રાજ્યના વકીલોની માતૃ સંસ્થા તરીકે કાર્ય કરે છે અને વકીલ વ્યવસાયના મહત્વપૂર્ણ નિર્ણયો પર સીધી અસર કરે છે.
આ વખતે કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે. 76 હજારથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યના વિવિધ જિલ્લાઓ અને બાર એસોસિએશનોમાં ચૂંટણીને લઈને ઉત્સાહ અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ ચૂંટણીમાં જેજે પટેલ સહિતના અનેક જાણીતા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવાર જેજે પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યના વકીલોમાં ઉત્સાહનો માહોલ છે. તેમના જણાવ્યા મુજબ, “આ વખતે રાજ્યના વકીલોએ મન બનાવી લીધું છે કે જે કામ કરશે તેને મત મળશે.” તેમના શબ્દોમાં, વકીલ સમાજ હવે કાર્ય આધારિત નેતૃત્વ તરફ આગળ વધી રહ્યો છે અને આ ચૂંટણી ઐતિહાસિક પરિણામ આપી શકે છે. તેમણે જણાવ્યું કે, આ વખતેની ચૂંટણીના પરિણામોની દિશામાં નવા વકીલો અગત્યનો ભાગ ભજવશે.
રાજ્યમાં તાજેતરમાં નોંધાયેલા અંદાજે 11 હજાર નવા યુવા વકીલો પણ આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. યુવા વકીલોમાં આધુનિકતા, પારદર્શિતા અને ટેકનોલોજી આધારિત વ્યવસ્થાની માંગ વધી રહી છે. ડિજિટલ ઈન્ડિયા દિશામાં બાર કાઉન્સિલ અને બાર એસોસિએશનોને વધુ આધુનિક અને ટેકનોલોજીથી સજ્જ બનાવવાનો મુદ્દો પણ ચર્ચાના કેન્દ્રમાં છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત માત્ર ચૂંટણી પૂરતી સીમિત નથી. તે વકીલોની નોંધણી, શિસ્ત, હિતરક્ષા અને કાનૂની વ્યવસાયના સંચાલન જેવી અગત્યની જવાબદારીઓ નિભાવે છે. તેથી આ ચૂંટણીનું પરિણામ આગામી પાંચ વર્ષ માટે વકીલ સમાજની દિશા અને પ્રાથમિકતાઓ નક્કી કરશે.
હવે સૌની નજર 6 માર્ચ પર ટકેલી છે, જ્યારે હજારો વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નવી ટીમ પસંદ કરશે. રાજ્યના વકીલ સમાજમાં એક જ પ્રશ્ન ગૂંજી રહ્યો છે — શું આ ચૂંટણી ખરેખર ઐતિહાસિક સાબિત થશે?
આ પણ વાંચો:

