ETV Bharat / state

બાર એસોસિએશનના પ્રમુખ શંકરસિંહ ગોહિલનો હુકાર: મારી સામેના આક્ષેપો સાબિત થશે તો હું વકીલાત છોડી દઈશ

ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણી પૂર્ણ થયા બાદ એસોસિએશનની કામગીરી અને પ્રતિનિધિત્વને લઈને વિવાદ વકર્યો

ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણી પૂર્ણ થયા બાદ એસોસિએશનની કામગીરી અને પ્રતિનિધિત્વને લઈને વિવાદ વકર્યો
ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણી પૂર્ણ થયા બાદ એસોસિએશનની કામગીરી અને પ્રતિનિધિત્વને લઈને વિવાદ વકર્યો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 29, 2026 at 4:48 PM IST

2 Min Read
Choose ETV Bharat

ગાંધીનગર: ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણી પૂર્ણ થયા બાદ એસોસિએશનની કામગીરી અને પ્રતિનિધિત્વને લઈને વિવાદ વકર્યો છે. બાર એસોસિએશનના મહામંત્રી દિલીપસિંહ દ્વારા જિલ્લા સરકારી વકીલ સહિત આઠ લોકો સામે ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો કરવામાં આવ્યા હોવાના મુદ્દે આજે બાર એસોસિએશનના પ્રમુખ શંકરસિંહ ગોહિલે વળતો પ્રહાર કર્યો છે. પ્રમુખે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “મારા સહિત જિલ્લા સરકારી વકીલ અને કોર્ટના કર્મચારીઓ સામે કરવામાં આવેલા આક્ષેપો જો સાબિત થશે તો હું મારી વકીલાત છોડી દઈશ.”

બાર એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચૂંટણી દ્વારા ચૂંટાયેલા પ્રમુખને બાજુ પર રાખીને કેટલાક વ્યક્તિઓ દ્વારા પોતાને કાર્યકારી પ્રમુખ તરીકે રજૂ કરી એસોસિએશનની કામગીરી ઉપર અનધિકૃત પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લેટરપેડના કથિત દુરુપયોગ દ્વારા જજ સાહેબો તેમજ સરકાર સમક્ષ ખોટી, મનઘડંત અને પાયાવિહોણી રજૂઆતો કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણી પૂર્ણ થયા બાદ એસોસિએશનની કામગીરી અને પ્રતિનિધિત્વને લઈને વિવાદ વકર્યો (ETV Bharat Gujarat)

બાર એસોસિએશનના જણાવ્યા મુજબ, પોતાના નિર્ણયો મનાવવા માટે બાર અને બેન્ચ વચ્ચે ગેરસમજ ઊભી થાય તેવી પ્રવૃત્તિઓ તેમજ હડતાળ કરવામાં આવી હતી. લાંબા સમય સુધી ચાલેલી હડતાળથી કોર્ટની નિયમિત કામગીરી અને ન્યાય મેળવવા આવતા પક્ષકારોના હિતોને અસર થતી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કોર્ટ સ્ટાફ સાથેના વર્તન સામે પણ વાંધો

તાજેતરની હડતાળ દરમિયાન કોર્ટ સ્ટાફને કોર્ટમાં આવવામાં અવરોધ ઊભો કરાયો હોવાના, તેમના ઓળખપત્રોની તપાસ કરવામાં આવી હોવાના તથા હાજરી અંગે પૂછપરછ કરાઈ હોવાના આક્ષેપો બાર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યા છે. કોર્ટની મંજૂરી વિના સ્ટાફના ફોટોગ્રાફ લેવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે એસોસિએશને આવી પ્રવૃત્તિઓને વખોડી કાઢી છે.

આ ઉપરાંત ન્યાયાધીશો, સરકારી વકીલો, કોર્ટ કર્મચારીઓ અને વકીલો સામે આધારવિહોણા તથા અપમાનજનક આક્ષેપો અને વીડિયો દ્વારા બદનામી કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. બાર એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે ફરિયાદ હોય તો કાયદેસરની પ્રક્રિયા અપનાવવી જોઈએ.

મહિલા વકીલોની ગરિમા જાળવવા અપીલ

એસોસિએશને વકીલો વચ્ચેના મતભેદોને લોકશાહી અને બંધારણીય પ્રક્રિયા દ્વારા ઉકેલવાની અપીલ કરી છે. મહિલા વકીલોની ગરિમાને ઠેસ પહોંચાડે તેવી ભાષા કે વર્તનને પણ ગંભીર અને નિંદનીય ગણાવવામાં આવ્યું છે.

પ્રમુખનો પડકાર

“મારા સહિત જિલ્લા સરકારી વકીલ અને કોર્ટ કર્મચારીઓ સામે કરવામાં આવેલા આક્ષેપો જો સાબિત થશે તો હું મારી વકીલાત છોડી દઈશ.”

– શંકરસિંહ ગોહિલ, પ્રમુખ, ગાંધીનગર, બાર એસોસિએશન

એસોસિએશને અંતે જણાવ્યું કે, બાર અને બેન્ચ વચ્ચેના સન્માનપૂર્ણ સંબંધો, કોર્ટની ગરિમા અને ન્યાયિક પ્રક્રિયાની સ્વતંત્રતા જળવાઈ રહે તે માટે તે પ્રતિબદ્ધ છે. તેમજ કોઈપણ વ્યક્તિ સામે ખોટા, આધારવિહોણા કે ચારિત્ર્યહનન કરતા આક્ષેપો થશે તો તેનો કાયદેસરની રીતે વિરોધ કરવામાં આવશે.

આ પણ વાંચો: