ETV Bharat / state

બનાસકાંઠામાં રીંછની પજવણી, વાહન ચાલકે હોર્ન મારીને રીંછની પાછળ કાર દોડાવી, વીડિયો વાયરલ

બનાસકાંઠામાં રીંછની પજવણીનો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વનવિભાગે આ વીડિયોને લઈને તપાસ શરૂ કરી છે.

બનાસકાંઠામાં રીંછની પજવણી
બનાસકાંઠામાં રીંછની પજવણી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 6, 2026 at 1:39 PM IST

|

Updated : January 6, 2026 at 2:41 PM IST

2 Min Read
Choose ETV Bharat

બનાસકાંઠા: બનાસકાંઠામાં રીંછની પજવણીનો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અજાણ્યા શખ્સોએ એક મિનિટ અને સાત સેકન્ડ સુધી હોર્ન વગાડીને રીંછને રોડ પર દોડાવ્યું. વીડિયો વાયરલ થયા બાદ હવે વન વિભાગ પણ એક્શનમાં આવ્યું છે અને વાયરલ વીડિયો ક્યાં વિસ્તારનો છે ? કોને આ વીડિયો ઉતારીને પજવણી કરી છે ? તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આમ તો આપણે જંગલી જાનવરો ક્યારેક હુમલા કરી લોકોને ઈજાઓ પહોંચાડતા હોવાના બનાવો તો સાંભળતા હોઈએ છીએ, પરંતુ બનાસકાંઠામાં કથિત રીંછની પજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અહીંયા જંગલી જાનવર નહીં પરંતુ અજાણ્યા શખ્સો દ્વારા રીંછની પજવણી કરવામાં આવી રહી હોવાનું સામે આવી રહ્યું છે.

બનાસકાંઠામાં રીંછની પજવણીનો વીડિયો વાયરલ (Etv Bharat Gujarat)

વાયરલ વીડિયો દાંતીવાડા પંથકનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જ્યાં કાર લઈને જઈ રહેલા અજાણ્યા શખ્સોની આગળ અચાનક રીંછ દેખાતા તેઓ રીંછની પાછળ કાર દોડાવે છે, અને રીંછની પજવણી કરતા હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રીંછ કારની આગળ ભયભીત થઈને દોડી રહ્યું છે, ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા તેની પાછળ હોર્ન વગાડી તેને વધુ દોડાવવામાં આવી રહ્યું છે, એટલે કે રીંછની પજવણી અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવી રહી હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

કુદરતી સંપતિ સાથે જંગલોમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓએ પણ કુદરતની એક અમૂલ્ય ભેટ ગણવામાં આવે છે, પરંતુ ક્યારેક લોકો કુદરતી સંપત્તિ અને વન્ય જીવો સાથે એવી હરકતો કરતા હોય છે કે, જેના કારણે ક્યારેક પર્યાવરણને નુકસાન પહોંચે છે, તો ક્યારેક વન્ય પ્રાણીઓના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે. કંઈક આવું જ કથિત વીડિયો બનાસકાંઠામાંથી સામે આવ્યો છે, જેમાં રીંછની પજવણી કરવામાં આવી રહી છે.

રીંછની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાદળ થયા બાદ વન વિભાગ પણ હરકતમાં આવ્યું છે, વન વિભાગ એ આ વીડિયોની તપાસ કરવા માટેના આદેશ આપી દીધા છે, પણ વિભાગ દ્વારા આ વીડિયો કયા વિસ્તારનો છે, કોને વીડિયો ઉતાર્યો છે તે દિશામાં અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે.

આ વાયરલ વીડિયો અંગે ડીએફઓ ચિરાગ અમીન સાથે ટેલિફોનિક વાત કરી પૂછતા તેમને જણાવ્યું હતું કે, આ વીડિયો કયા વિસ્તારનો છે કોણે આ વીડિયો ઉતાર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ વીડિયો અંગેની વિગતો મળતા જ આગામી કાર્યવાહી કરવામાં આવશે તેવી હાલ તો ખાતરી આપવામાં આવી છે.

નોંધનીય છે કે, ક્યારેક ગીરના જંગલોમાં સિંહોની પજવણી કરતા વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે, ત્યારે હવે બનાસકાંઠામાં રીંછની પજવણી કરતો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ત્યારે આ બાબતે હવે વન વિભાગે તપાસના ચક્રો તો ગતિમાન કર્યા છે ત્યારે પજવણી કરતા આ શખ્સો સુધી વન વિભાગ ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું.

  1. PMJAY યોજના ગરીબ દર્દીઓ માટે ઈમરજન્સીમાં સારવાર માટે બની જીવન રક્ષક
  2. બનાસકાંઠા: ચંડીસરમાં ફૂડ વિભાગની રેડ, શંકાસ્પદ ઘી મામલે શ્રી સેલ નામની ફેક્ટરી સીલ
Last Updated : January 6, 2026 at 2:41 PM IST