'પુલ નહીં તો વોટ નહીં', બનાસકાંઠાના આ ગામના લોકોએ બાળકો સાથે કલેક્ટર કચેરીએ કર્યા ધરણા
અમીરગઢના કાકવાડા ઈસવાણી સહિતના પાંચથી સાત ગામના લોકો બાળકો સાથે પાલનપુર કલેક્ટર કચેરી પહોંચી ગયા અને સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ.

Published : January 10, 2026 at 3:38 PM IST
|Updated : January 11, 2026 at 7:35 AM IST
બનાસકાંઠા: અમીરગઢના કાકવાડા ઈસવાણી સહિતના 5થી સાત ગામના લોકો વર્ષોથી બનાસ નદી ઉપર પુલ બનાવવા માટેની માંગણી કરી રહ્યાં છે. કારણ કે, પૂલ ન હોવાના કારણે ચોમાસામાં શાળાએ આવતા બાળકોને જીવના જોખમે બનાસ નદી પાર કરવી પડતી હોય છે, ક્યારેક ગળાડૂબ પાણીમાં વાલીઓ બાળકોને ટ્રેક્ટર જેવા વાહનોમાં બેસાડીને શાળાએ મૂકવા જતા હોય છે.
ગામ લોકોએ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી
બનાસ નદી ઉપર પુલ બનાવવા માટે વર્ષોથી કરાતી માંગ આજ દિન સુધી પૂરી ન થતાં હવે ગામ લોકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે અને તંત્ર સામે વિરોધનો મોરચો માંડ્યો છે. સ્થાનિક લોકોએ શુક્રવારે બાળકો સાથે હાથમાં પ્લે કાર્ડ લઈને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.
પુલની બાબતમાં ગામ લોકો આકરા પાણીએ
પાંચથી સાત ગામના લોકોએ પાલનપુર કચેરીના પ્રાંગણમાં વિરોધ દર્શાવ્યો હતો અને બનાસ નદી પર વહેલી તકે પુલ બને તે માટે ગામ લોકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું, અને જો આ માંગ પૂરી નહીં થાય તો આગામી ચૂંટણીઓમાં તેઓ એક પણ નેતાને મત આપશે નહીં અને ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

ગામ લોકોએ વર્ણાવી આપવીતી
આ ગામોની હાલત એવી છે કે અહીં કોઈ બીમાર થાય કે કોઈ મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે ત્યારે 25 થી વધુ કિલોમીટર ફરીને હોસ્પિટલ જવું પડે તેવી પરિસ્થિતિ છે. પરિસ્થિતિની હકિકત જાણવા માટે ઈટીવી ભારતની કાકવાડા ગામે પહોંચી હતી અને સ્થાનિકોને પડતી મુશ્કેલીઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

પહેલા કોઝવે મંજૂર થયો હતો. પરંતુ ગામલોકોની કાયમી રસ્તાની માંગણીના કારણે હાલમાં બ્રિજ માટેની 19.50 કરોડના ખર્ચની વહીવટી મંજૂરી મળી છે. સર્વે કર્યા બાદ બ્રિજમાં 30 કરોડનો ખર્ચો થાય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, આ બાબતેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વહેલી તકે બ્રિજ બનાવવામાં આવશે. - એમ.જે. ઠાકોર, કાર્યપાલક ઈજનેર, માર્ગ મકાન વિભાગ પંચાયત

નોંધનીય છે કે એક તરફ ગુજરાત સરકાર ગામડાઓનો વિકાસ અને બાળકોને શિક્ષણ તરફ અગ્રેસર કરવા માટે અનેકવિધ યોજનાઓ દ્વારા પ્રયાસ કરી રહી છે, પરંતુ અમીરગઢના કાકવાડા ઈસવાણી સહિતના આસપાસના ગામના બાળકોને ભણવું તો છે પરંતુ શાળાએ જવા માટે બનાસ નદી જીવના જોખમે પાર કરવી પડે છે, ત્યારે ગામ લોકોની પુલ બનાવવાની આ માંગ હવે સરકાર ક્યારે પુરી કરે છે તે જોવું રહ્યું.

બનાસ નદીના કાંઠે વસેલા 4થી 5 ગામના લોકોને નદી પાર કરવા માટે ઘણી તકલીફ પડી રહી છે, શાળાએ જવા માટે બાળકોને, પશુપાલકો સહિત તમામ લોકોને ખુબ જ મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત શિયાળામાં ઠંડા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે.આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ, અને ટૂંક સમયમાં બનાસ નદી પર પુલ બનાવવાની કામગીરી શરૂ થાય તેવી અમારી આશા છે, જો ટૂંક સમયમાં પૂલની કામગીરી શરૂ નહીં થાય તો અમે આંદોલનનો માર્ગ અપનાવીશું અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું. - અજ્ય ઠાકોર, સ્થાનિક, કાકવાડા ગામ

અમારી વર્ષો જૂની પૂલની માંગ છે, અમારા કાકવાડા ગામના 70થી 75 ટકા લોકો નદીને પેલે પાર રહે છે અને વચ્ચે નદી છે, વરસાદના પાણીમાં બાળકો ભણવા માટે નથી જઈ શકતા અને ઘરે બેસાડી રાખવા પડે છે. કોઈ બીમાર માણસ હોય તો તેને 15થી 16 કિલોમીટર ફરીને લઈ જવા પડે છે. જો કોઈ પ્રસૂતાને પીડા ઉપડે અને તેને સારવાર માટે લઈ જવી હોય તો વાહન સરળતાથી મળતું નથી. આમ અમને અગવડતા મળી રહી છે, સગવડતા મળતી નથી. સરકારને અમે વારંવાર રજૂઆત કરી છે. 2022થી માંડીને ચાર-ચાર, પાંચ-પાંચ ખાતમૂહુર્ત કર્યુ પરંતુ આજદીન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. તેથી અમે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવા આવ્યા છીએ. જો આ આવેદનપત્રથી કોઈ કામ શરૂ નહીં થાય તો અમે આંદોલન કરીશું અને ચૂંટણીનો બહષ્કાર કરીશું. - જોધાજી ઠાકોર, સ્થાનિક કાકવાડા

કાકવાડા સહિતના 5 ગામના લોકો બનાસ નદી ઉપર પુલ બનાવવાને લઈને છેલ્લા 3 વર્ષથી લડત આપી રહ્યાં છે. ભાજપના જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં અહીં પુલ બનાવવાનું ખાતમૂહુર્ત કરવા માટે આવ્યા હતાં, તે સમયે લોકોએ પોતાના ખર્ચે આ તમામનું ઢોલ નગારા સાથે ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું, અમારૂં એટલું જ કહેવું છે કે, કોના કહેવાથી કામ બંધ કરવામા આવ્યું ? ચોમાસાના સમયમાં નદીમાં ખુબ પાણી હોય છે. ત્યારે બાળકો જીવના જોખમે શાળાએ જતા હોય છે. આજે ભલે વરસાદ નથી પરંતુ કડકડતી ઠંડીમાં ઠંડા પાણીના વહેણમાંથી બાળકો સહિતના લોકોને પસાર થવું પડે છે અને ક્યારે તેનાથી બાળકો બીમાર પણ પડતા હોય છે, તેથી સરકારે તાત્કાલીક ધોરણે અહીં બ્રિજનું કામ શરૂ કરવુ જોઈએ, જો વહેલી તકે કામ શરૂ કરવામા નહીં આવે તો તમામ ચૂંટણીઓમાં આ ગામના લોકો બહિષ્કાર કરશે તેમજ કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શનના કાર્યક્રમો કરીશું. અમને કલેક્ટર પર વિશ્વાસ છે કે, કલેક્ટર અમારી માંગ વહેલીતકે પૂર્ણ કરશે. - અરવિંદસિંહ ઠાકોર, સ્થાનિક અગ્રણી

બાળકોના અભ્યાસની વાત હોય કે, પછી કોઈ ચીજવસ્તુઓ લેવા જવી હોય ત્યારે ગામના બાળકો સહિતના લોકોને જીવના જોખમે નદીમાંથી પસાર થવું પડે છે. ક્યારેક પાણીના વધુ પડતા પ્રવાહના કારણે બાળકો શાળાએ જઈ શકતા નથી. સરકારની બેવડી નીતિ છે. મુખ્યમંત્રી કે કોઈ મંત્રી આવવાના હોય ત્યારે રાતોરાત રસ્તાઓ બની જાય, પુલ પણ બની જાય પરંતુ જ્યારે વાત ખેડૂતોની આવે, કે ગરીબ લોકોની આવે ત્યારે 5 વર્ષ પહેલ ખાતમુહૂર્ત થવા છતાં આ પુલ હજી સુધી બન્યો નથી, પરિણામે આસપાસના ગામલોકોને ખુબજ મુશ્કેલી વેઠવી પડે છે. સરકાર બેટી બચાવો, બેટી પઢાવો અને શિક્ષણ તરફ આગળ વધવાની વાત કરી રહી છે, ત્યારે સરકારે વહેલી તકે સાતથી આઠ ગામના લોકોની માંગણી પૂર્ણ કરવી જોઈએ. - ઈશ્વર ડામોર, સ્થાનિક

