બનાસકાંઠા: પૂરપાટ ઝડપે આવતી કારે બાઈક ચાલકને મારી ટક્કર, ચાલકનું મોત
અકસ્માત સર્જનાર કાર ચાલકને ભીલડી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Published : February 20, 2026 at 8:17 PM IST
બનાસકાંઠા : જિલ્લામાં વધતા અકસ્માતના બનાવો વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો છે. આ ગંભીર અકસ્માતમાં બાઈક ચાલકને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પુરપાટ ઝડપે આવતી એક કારે બાઈક ચાલકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલક દૂર સુધી હવામાં ફંગોળાયો હતો અને નીચે રોડ પર પટકાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા થરાદ હાઈવે ઉપર રામપુરા ચોકડી નજીક આ અકસ્માતની ઘટના બની હતી. બાઈક ચાલક બાઈક સાથે રોડ ક્રોસ કરવા જતા પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે બાઈકને અડફેટે લીધી હતી અને જોત જોતામાં તો બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનુ પ્રાણ-પંખેરવું ઉડી ગયું છે. અકસ્માતની ઘટના બાદ સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા અને તેમને મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્માત સર્જનાર કાર ચાલકને ભીલડી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
"કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં બાઈક ચાલકનું મોત થયું છે. જેમાં મૃતક ભમરાજી દાનાજી 43 વર્ષીયનુ મોત થયુ છે. હાલમાં અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપી લેવામાં આવ્યો છે. ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે." - ધવલ પટેલ, પીઆઈ ભીલડી પોલીસ મથક
આ હચમચાવી દેતી ભયંકર આ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. જેમા પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી અને ટક્કર લાગતા બાઈક ચાલક હવામાં ફંગોળાયો હતો, જે બાદ રોડ પર પટકાતા ગંભીર ઈજાઓના કારણે સ્થળ પર જ મોત થયુ હતુ. અકસ્માતની જાણ થતા ભીલડી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર અકસ્માત અંગે પંચનામું કરીને તપાસ શરૂ કરી દીધી છે.

નોંધનીય છે કે કયારેક થોડી ઉતાવળ અને બેદરકારી ભર્યું ડ્રાઈવિંગ નિર્દોષ વ્યક્તિઓના જીવ લઈ લે છે, ત્યારે ટ્રાફિક નિયમોનું પાલન અને ઓવરસ્પીડ વાહન હંકારતા લોકોને અકસ્માતોની ઘટનાઓ ચેતવે છે કે ધીરજ અને નિયમોથી ડ્રાઈવિંગ કરવું એ પોતાનુ અને પોતાના પરિવાર અન્ય લોકોનુ જીવન બચાવી શકે છે.
આ પણ વાંચો...

