બનાસકાંઠામાં ખેડૂતના ખાતામાંથી બારોબાર 3 લાખ રૂપિયાનું ધિરાણ ઉઠાવી લીધું, 6 વર્ષે ભાંડો ફૂટ્યો
ખેડૂતે ન્યાય માટે થરા પોલીસ મથકે સહકારી મંડળીના મંત્રી ચેરમેન કમિટીના સભ્યો વિરુદ્ધ લેખિતમાં રજૂઆત કરી છે.

Published : February 26, 2026 at 12:40 PM IST
બનાસકાંઠા : જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂત ખેતરમાં બોર કરવા માટે લોન લેવા ગયો ત્યારે તેને ખબર પડી કે તેના નામે તો કોઈ અજાણ્યા ઈસમોએ જાણબહાર રૂપિયા 3 લાખની લોન ઉઠાવી લીધેલી છે. હવે ખેડૂતે ન્યાય માટે થરા પોલીસ મથકે સહકારી મંડળીના મંત્રી ચેરમેન કમિટીના સભ્યો વિરુદ્ધ લેખિતમાં રજૂઆત કરી છે.
બનાસકાંઠાના ઓગડ તાલુકાના કાટેડિયા ગામના ખેડૂતોના ખાતામાંથી બારોબાર 3 લાખ રૂપિયાનું ધિરાણ આપી દેવાયું છતાં ખેડુતને કોઈજ ખબર પણ ન પડી જ્યારે ખેડૂતને પોતાને જ પોતાના ખેતરમાં બોર બનાવવા માટે લોન લેવાની જરૂર ઊભી થઈ, ત્યારે ડીસાથી બેંક કર્મચારી લોનની પ્રક્રિયા માટે પહોંચ્યા અને સિબિલ ચેક કરતા ખબર પડી કે તેમના નામે તો અજાણ્યા શખ્સોએ 3 લાખ ઉપાડી લીધા છે.
ઓગડ તાલુકાના કાટેડિયા ગામના અરજદાર ઠાકોર રાહુલજી જોરાજીએ પોતાના અને ભાઈ જોગાજી જોરાજી ઠાકોરના નામે અજાણ્યા શખ્સો દ્વારા બારોબાર બોગસ ધિરાણ ઉઠાવી લેવા અંગે મંડળીના મંત્રીને પૂછતા કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો હોવાનો આક્ષેપ કરીને હવે ખેડૂતે થરા પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે. ખેડૂતના આક્ષેપ છે કે ધી ખસા સામુદાયિક ખેતી સહકારી મંડળીમાં અમારા નામે બોલતુ ધિરાણ અમે અને અમારા ભાઈએ નથી લીધું.

ખેડૂત દ્વારા બનાસ બેંકની શિહોરી શાખામાં તપાસ કરાવતા અજાણ્યા ઈસમોએ છળકપટથી 11 ઓગસ્ટ 2020ના રોજ ખોટી રીતે બરોબાર 3 લાખનું ધિરાણ ઉઠાવી લેવાયું છે. સ્ટેટમેન્ટ ચેક કરાવતા હાલમાં ખેડૂતને 3,15,756.98નું ધિરાણ બાકી બોલી રહ્યું છે. અરજદાર ઠાકોર રાહુલજી જોરાજીએ ન્યાયની માંગ સાથે થરા પોલીસ મથકે ધી ખસા સામુદાયિક ખેતી સહકારી મંડળીના મંત્રી ચેરમેન કમિટીના સભ્યો સામે અને તપાસમાં જે નીકળે તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે લેખિતમાં રજૂઆત કરી કરી છે.

આ અંગે બનાસ બેંકના સિનિયર ઈન્સ્પેક્ટર રાયકરણજી ઠાકોરને પૂછતા તેમણે કહ્યું કે, અમારા સુધી પ્રશ્ન આવશે તો એને ચોક્કસ ઉકેલવાનો પ્રયત્ન કરીશું. જો એમના નામે કોઈએ ખોટું કર્યું હશે તો ચોક્કસ એમના સામે કાયદેસરની કાર્યવાહી થશે. ખેડૂતોને જે મદદ કરવાની થશે બેંક એના માટે તૈયાર છે. અમારા ચેરમેન, એમડી બધા જ મદદ કરવા તૈયાર છે. અમે એમને કઈ રીતે મદદ કરી શકશું એ અમારી પાસે ફરિયાદ આવ્યા પછી ખબર પડશે.
આ પણ વાંચો...

