ગુજરાતમાં ગુટખા-પાન મસાલા પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાયો, ભંગ કરનાર સામે કડક કાર્યવાહી
હવે આ પ્રતિબંધને 13 સપ્ટેમ્બર 2026થી 12 સપ્ટેમ્બર 2027 સુધી વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.

Published : August 31, 2026 at 3:03 PM IST
ગાંધીનગર: ગુજરાતમાં તમાકુ અને નિકોટીનના સેવનને રોકવા રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યભરમાં તમાકુ કે નિકોટીન ધરાવતા ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ તેમજ વેચાણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. કમિશનર ઓફ ફૂડ સેફ્ટી દ્વારા આ અંગેની યાદી જાહેર કરવામાં આવી છે.
13 સપ્ટેમ્બર 2026થી 12 સપ્ટેમ્બર 2027 સુધી પ્રતિબંધ
હવે આ પ્રતિબંધને 13 સપ્ટેમ્બર 2026થી 12 સપ્ટેમ્બર 2027 સુધી વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. હવે આ પ્રતિબંધને 13 સપ્ટેમ્બર 2026થી 12 સપ્ટેમ્બર 2027 સુધી વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય હેઠળ કોઈપણ નામથી ઓળખાતા તમાકુ કે નિકોટીનયુક્ત ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ રહેશે.
અલગ-અલગ ઘટકો વેચીને ગુટખા બનાવશો તો પણ કાર્યવાહી
પ્રતિબંધ માત્ર તૈયાર ગુટખા કે પાન મસાલા પૂરતો મર્યાદિત નથી. અલગ-અલગ વેચાતા એવા ઘટકો કે જેને ભેગા કરવાથી અંતિમ ઉત્પાદન તરીકે ગુટખા અથવા પાન મસાલો તૈયાર થતો હોય, તેના પર પણ પ્રતિબંધ લાગુ પડશે. આદેશનો ભંગ કરનાર વ્યક્તિ, વેપારી કે સંસ્થા સામે લાગુ કાયદા હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગુટખાથી મોઢાના કેન્સરનું જોખમ વધે છે
યાદીમાં જણાવ્યા મુજબ, ટાટા મેમોરિયલ હોસ્પિટલ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ તેમજ અન્ય સંશોધનોમાં ગુટખા અને પાન મસાલાના સેવનને આરોગ્ય માટે ગંભીર નુકસાનકારક ગણાવવામાં આવ્યું છે. તેના સેવનથી મોઢાના કેન્સરનું જોખમ વધી શકે છે. દેશમાં તમાકુના ઉપયોગ અંગેના GATSના આંકડા પણ ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. મોટી સંખ્યામાં પુખ્ત વયના લોકો તમાકુનું સેવન કરે છે, જેમાં સ્મોકલેસ તમાકુનો ઉપયોગ કરનારા લોકોનો પણ નોંધપાત્ર હિસ્સો છે.
સરકારનો સ્પષ્ટ સંદેશ
- ગુટખાનું ઉત્પાદન નહીં
- સંગ્રહ નહીં
- વિતરણ નહીં
- વેચાણ નહીં
- અલગ ઘટકો ભેગા કરીને ગુટખા બનાવવો પણ નહીં
- પ્રતિબંધનો સમયગાળો: 13 સપ્ટેમ્બર 2026 થી 12 સપ્ટેમ્બર 2027
યુવાનો બાદ મહિલાઓમાં પણ વધતું સેવન ચિંતાજનક
રાજ્યમાં યુવાનોની સાથે મહિલાઓમાં પણ ગુટખા અને તમાકુના સેવનની આદત જોવા મળી રહી છે. તમાકુજન્ય રોગોના કારણે અનેક પરિવારોને ગંભીર નુકસાન ભોગવવું પડે છે. આવી સ્થિતિમાં નાગરિકોના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પ્રતિબંધને સતત લંબાવવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારનો આ નિર્ણય રાજ્યમાં તમાકુના વપરાશને નિયંત્રિત કરવા અને ખાસ કરીને યુવાનો તથા મહિલાઓને તેના વ્યસનથી દૂર રાખવાના પ્રયાસ તરીકે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:

