ETV Bharat / state

નવરાત્રી પહેલાં બહુચરાજી શક્તિપીઠમાં વિશેષ પ્રક્ષાલન વિધિ, 7 સવારી અને આભૂષણોનું શુદ્ધિકરણ

મહેસાણાના બહુચરાજી શક્તિપીઠમાં આસો નવરાત્રી પહેલાં ભાદરવા વદ અમાસના દિવસે માતાજીની સાત સવારી, બે સિંહાસન અને આભૂષણોના શુદ્ધિકરણ માટે વિશેષ પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી.

નવરાત્રી પહેલાં બહુચરાજી શક્તિપીઠમાં વિશેષ પ્રક્ષાલન વિધિ
નવરાત્રી પહેલાં બહુચરાજી શક્તિપીઠમાં વિશેષ પ્રક્ષાલન વિધિ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : October 10, 2026 at 9:11 PM IST

1 Min Read
Choose ETV Bharat

મહેસાણા: આસો નવરાત્રી પહેલાં શક્તિપીઠ બહુચરાજી મંદિરમાં ભાદરવા વદ અમાસના દિવસે વિશેષ પ્રક્ષાલન વિધિ યોજાઈ. સોની સમાજના લોકોએ માતાજીની સાત સવારી, બે સિંહાસન અને આભૂષણોનું શુદ્ધિકરણ કર્યું. મંત્રોચ્ચાર સાથે ગર્ભગૃહ અને માતાજીના મૂળ યંત્રનું પણ વિશેષ દ્રવ્યો, પંચામૃત, ઔષધિઓના જળ અને ફળોના રસથી પ્રક્ષાલન કરવામાં આવ્યું. નવરાત્રી પર્વને લઈને મંદિરમાં વિશેષ પૂજા અને તૈયારીઓ શરૂ થઈ છે.

આસો નવરાત્રીના પ્રારંભ પહેલાં શક્તિપીઠ બહુચરાજી મંદિરમાં ભાદરવા વદ અમાસના દિવસે વિશેષ પ્રક્ષાલન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિધિનો મુખ્ય હેતુ નવરાત્રી પહેલાં માતાજીનાં આયુધો, સવારીઓ અને પૂજામાં વપરાતી વસ્તુઓનું શુદ્ધિકરણ કરવાનો છે.

પ્રક્ષાલન વિધિ (Etv Bharat Gujarat)

આ પ્રક્રિયા અંતર્ગત સોની સમાજના લોકો મંદિરમાં આવીને માતાજીની સવારી અને અન્ય આભૂષણોનું શુદ્ધિકરણ કરે છે. મંત્રોચ્ચાર સાથે મંદિરના પૂજારીઓ ગર્ભગૃહમાં પણ શુદ્ધિકરણની પ્રક્રિયા કરે છે. આ માટે વિવિધ વિશેષ દ્રવ્યો, પંચામૃત, ઔષધિઓનાં જળ અને ફળોના રસનો ઉપયોગ કરીને માતાજીના મૂળ યંત્ર અને ગર્ભગૃહનું પ્રક્ષાલન કરવામાં આવે છે.

શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના વહીવટદાર એ.કે. ઠક્કરે જણાવ્યું હતું કે શક્તિપીઠ બહુચરાજીમાં આસો અને ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્ત્વ છે. આસો નવરાત્રીના એક દિવસ પહેલાં માતાજીના ગર્ભગૃહમાં યંત્રનું વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે પ્રક્ષાલન કરવામાં આવે છે. આ પવિત્ર વિધિનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો.

પ્રક્ષાલન વિધિ (Etv Bharat Gujarat)

સોની સમાજના અગ્રણી ભૂપેન્દ્રભાઈ સોનીએ જણાવ્યું હતું કે તેમના સમાજને માતાજીની સાતેય સવારી અને આભૂષણોની પ્રક્ષાલન વિધિ કરવાની તક મળે છે. તેઓ છેલ્લા 15 વર્ષથી આ સેવાકાર્ય માટે અહીં આવે છે. આ વિધિમાં સાતેય સવારી અને બે સિંહાસનનું પૂજન તથા પ્રક્ષાલન કરવામાં આવે છે. સોની સમાજના સભ્યો અને બ્રાહ્મણો સાથે મળીને સંપૂર્ણ શ્રદ્ધાભાવથી આ વિધિ કરે છે. તેનાથી તેમને આનંદ અને ધન્યતાનો અનુભવ થાય છે.

આ પણ વાંચો...

  1. બહુચરાજીમાં ઘટસ્થાપન સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, શક્તિપીઠ પરથી અપાયો વિશ્વ શાંતિનો સંદેશ
  2. મહેસાણા: બહુચરાજી મંદિરે મા બહુચરને દોઢ કિલોથી વધુ વજનના સોનાના થાળમાં રાજભોગ ધરાવાયો, 450 વર્ષથી અખંડ પરંપરા