ETV Bharat / state

શક્તિપીઠ બહુચરાજીમાં આસો નવરાત્રીનો શાનદાર પ્રારંભ, ઘટસ્થાપન વિધિ સંપન્ન

ગર્ભગૃહમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી, નવ દિવસ દરમિયાન નવ દુર્ગા સ્વરૂપો, નવ કન્યા પૂજા, વ્રત, જપ અને દુર્ગા સપ્તશતીના યજ્ઞો યોજાશે.

શક્તિપીઠ બહુચરાજીમાં આસો નવરાત્રીનો શાનદાર પ્રારંભ
શક્તિપીઠ બહુચરાજીમાં આસો નવરાત્રીનો શાનદાર પ્રારંભ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : October 11, 2026 at 6:34 PM IST

3 Min Read
Choose ETV Bharat

મહેસાણા, બહુચરાજી: ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અને મહેસાણા જિલ્લાના આસ્થાના પ્રતિક સમાન બહુચરાજી મંદિરમાં આસો નવરાત્રી મહોત્સવનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. નવરાત્રીના પ્રથમ નોરતે ભક્તોના ઘોડાપૂર વચ્ચે ધાર્મિક મંત્રોચ્ચારથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

નવરાત્રી પર્વ અને ઘટસ્થાપન વિધિ

આજે આસો સુદ એકમના પવિત્ર દિવસે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટમાં મા ભગવતીની ઘટસ્થાપન વિધિ કરવામાં આવી હતી. શક્તિપીઠ બહુચરાજીમાં આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીનું અનેરું મહત્ત્વ રહેલું છે.

શક્તિપીઠ બહુચરાજીમાં આસો નવરાત્રીનો શાનદાર પ્રારંભ (Etv Bharat Gujarat)

માતાજીના મંદિરના ગર્ભગૃહમાં વહીવટદારો અને વિદ્વાન બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં અત્યંત શ્રદ્ધાપૂર્વક આ ઘટસ્થાપન વિધિ યોજાઈ હતી. મંદિરના તમામ પૂજારીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વડે માતાજીની વિશેષ પૂજા અને અર્ચના કરવામાં આવી હતી.

નવરાત્રીના આ નવ દિવસો દરમિયાન માતાજીના અલગ-અલગ નવ દુર્ગા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત, નવ નાની કન્યાઓની પૂજાનું પણ આ દિવસોમાં વિશેષ મહત્ત્વ છે. આ નવ દિવસોમાં મા ભગવતીના વ્રત, જપ, તપ, અનુષ્ઠાન અને દુર્ગા સપ્તશતીના યજ્ઞો સહિતના વિવિધ પૂજન-અર્ચન કરવામાં આવે છે.

એવી માન્યતા છે કે નવરાત્રીના દિવસોમાં મા ભગવતી અત્યંત પ્રસન્ન મુદ્રામાં હોય છે અને પોતાના ભક્તોને વિશેષ આશીર્વાદ પ્રદાન કરે છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આ નવરાત્રી મહોત્સવ અને માતાજીના દર્શન તેમજ પૂજા-વિધિનો લાભ લીધો હતો.

ઘટસ્થાપન વિધિ સંપન્ન (Etv Bharat Gujarat)

બહુચરાજી મંદિરનો ભવ્ય અને પૌરાણિક ઇતિહાસ

ગુજરાતના ત્રણ મુખ્ય શક્તિપીઠો - અંબાજી, પાવાગઢ અને બહુચરાજી - પૈકી બહુચરાજીનું સ્થાન અત્યંત મહિમાવંતુ છે. આ પવિત્ર યાત્રાધામ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે.

માતાજીના પ્રાગટ્યની કથા: માતા બહુચરની ઉત્પત્તિ અને પ્રાગટ્ય વિશે અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે. મુખ્ય કથા અનુસાર, દંડાસુર અને બાપીયા નામના દુષ્ટ રાક્ષસોનો ત્રાસ વધતાં તેમનો નાશ કરવા માટે માતાજીએ શક્તિ સ્વરૂપે અવતાર લીધો હતો. રાક્ષસોનો વધ કરી માતાજી અહીં બિરાજમાન થયા હતા. અન્ય એક કથા મુજબ લોકવાયકા છે કે ચારણ કન્યા 'બહુચરા'એ લૂંટારાઓથી બચવા ત્રાગું કર્યું હતું, જેના પછી તેઓ દેવી સ્વરૂપે પૂજાવા લાગ્યા.

બાલા યંત્રની પૂજા: સામાન્ય રીતે મંદિરોમાં માતાજીની મૂર્તિની પૂજા થતી હોય છે, પરંતુ બહુચરાજી શક્તિપીઠમાં માતાજીની મૂર્તિને બદલે 'બાલા યંત્ર'ની પૂજા થાય છે. સદીઓથી અહીં ગર્ભગૃહમાં સ્ફટિકના બાલા યંત્રની પૂજા થતી આવી છે, જેને સોનાના વર્ખથી શણગારવામાં આવે છે. આ યંત્ર ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરનારું મનાય છે.

મંદિરનું નિર્માણ અને માનસરોવર કુંડ: આજના ભવ્ય મંદિરનું નિર્માણ વડોદરાના મહારાજા માનાજીરાવ ગાયકવાડ દ્વારા ઈ.સ. 1783માં કરાવવામાં આવ્યું હોવાનો ઇતિહાસ છે. મહારાજાને માતાજીએ કૃપા કરીને અસાધ્ય રોગમાંથી મુક્તિ અપાવી હતી, જેના ઋણસ્વીકાર રૂપે તેમણે આ વિશાળ મંદિર બંધાવ્યું હતું. મંદિર પરિસરમાં 'માનસરોવર' નામનો એક અત્યંત પવિત્ર કુંડ આવેલો છે. આ કુંડમાં સ્નાન કરવાનું અનેરું ધાર્મિક મહત્ત્વ છે. ખાસ કરીને અહીં બાળકોની ચૌલ ક્રિયા માટે સમગ્ર ભારતભરમાંથી પરિવારો આવે છે.

કિન્નર સમુદાયના કુળદેવી: બહુચર માતા કિન્નર સમુદાયના કુળદેવી તરીકે પણ વિશેષ પૂજાય છે. આ સમુદાય માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે અને તેમના આશીર્વાદને જ પોતાનું સર્વસ્વ માને છે. ચૈત્રી પૂનમના દિવસે અહીં ભરાતો મેળો ગુજરાતના સૌથી મોટા અને પ્રખ્યાત મેળાઓમાંનો એક છે. માતાજીનું વાહન કૂકડો છે, જે અજ્ઞાન અને અંધકાર દૂર કરી જ્ઞાનના પ્રકાશનું પ્રતીક મનાય છે.

આજે પણ બહુચરાજી મંદિર તેની ઐતિહાસિક ભવ્યતા, આધ્યાત્મિક શાંતિ અને અખૂટ શ્રદ્ધાના પ્રવાહ સાથે અડીખમ ઊભું છે. નવરાત્રી જેવા પાવન પર્વમાં અહીં દર્શન કરવા એ દરેક શ્રદ્ધાળુ માટે એક લહાવો બની રહે છે.

આ પણ વાંચો...

  1. સુરત: પ્રથમ નોરતે અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોની ભારે ભીડ, મંગળા આરતીથી ગૂંજ્યું પરિસર
  2. આજથી આસો સુદ નવરાત્રીનો પ્રારંભ, ગુજરાતમાં ભક્તિમય માહોલ
  3. આસો નવરાત્રીના પ્રથમ નોરતે ખોડલધામમાં ભક્તિનો માહોલ, કાગવડથી મંદિર સુધી ભવ્ય પદયાત્રા અને ધ્વજારોહણ કરાયુ