બગદાણા વિવાદ: નવનીત બાલધીયાની ઋષિભારતી અને નાગલપુરી બાપુએ મુલાકાત લીધી, ભારત બંધની અપાઈ ચીમકી
ઋષિ ભારતી બાપુએ CBIને UNO સુધીની વાત કરી હતી. જ્યારે નાગલપુરી બાપુએ બંધની ચીમકી ઉચ્ચારી છે.

Published : January 8, 2026 at 4:25 PM IST
ભાવનગર : જિલ્લાના બગદાણામાં નવનીતભાઈ બાલધીયાના હુમલા પ્રકરણમાં આજે 100 થી વધુ કારના કાફલા સાથે કોળી સમાજ અને ઠાકોર સમાજ પહોંચ્યો હતો. આશરે 1500થી વધુ લોકોએ નવનીતભાઈની મુલાકાત લીધી હતી. ઋષિ ભારતી બાપુએ CBIને UNO સુધીની વાત કરી હતી, જ્યારે નાગલપુરી બાપુએ બંધની ચીમકી ઉચ્ચારી છે.
ભાવનગર જિલ્લાના મહુવાના બગદાણાના રહેવાસી નવનીત બાલધીયાના હુમલા પ્રકરણ કેસમાં મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી કારના કાફલા સાથે મહુવા ખાતે કોળી સમાજ અને ઠાકોર સમાજના આગેવાનો અને સહયોગીઓ આવી પહોંચ્યા છે. મહુવામાં કોળી સમાજનું મોટી સંખ્યામાં આગેવાનો અને લોકોનું આગમન થયું છે. આવનાર લોકોએ નવનીતભાઈ બાલાધીયાના ખબર અંતર પૂછ્યા હતા. આ સાથે સરખેજના ઋષિભારતી બાપુ અને નાગલપુરી બાપુ પણ આવી પહોંચ્યા હતા.
મહુવામાં બગદાણા મામલો ગરમાયો
નવનીતભાઈ બાલધીયા ઉપર થયેલા હુમલામાં પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપીને રી-કન્ટ્રક્શન પણ હાથ ધરાયું હતું. નવનીતભાઈ હનુમંત હોસ્પિટલમાં સારવારમાં છે, ત્યારે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો મહુવા પહોંચ્યા છે. જેમાં સમાજના લોકો દ્વારા નવનીતભાઈ બાલધીયાની ખબર અંતર પૂછીને તેમની સાથે સમાજ હોવાને લઈને આશ્વાસન આપવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં માનવ જનમેદની કોળી સમાજની ઉમટી પડી છે.

આવનાર લોકોએ નવનીતભાઈ માટે ન્યાયની માંગ
નવનીતભાઈને મળવા આવનાર કોળી સમાજના ગુજરાતના મોટાભાગના સમાજના લોકો સુરત તરફથી આવ્યા છે. ભાવનગર થી મહુવાના હાઇવે ઉપર એક સાથે કારનો કાફલો 100થી વધુની સંખ્યામાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં સમાજના લોકો મહુવા આવી પહોંચતા અને નવનીતભાઈની ખબર અંતર પૂછતા મામલો ગરમાયો છે. ગુજરાતમાંથી આવેલા સમાજના આગેવાનોએ જ્યાં સુધી તેમને ન્યાયની નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલશે તેમ પણ જણાવ્યું છે.

બનાસકાંઠાના નાગપુરી બાપુની ચીમકી
અમદાવાદ સરખેજના ઋષિ ભારતી બાપુએ પણ નવનીતભાઈ બાલધિયાના ખબર અંતર પૂછ્યા હતા. આ સાથે અન્ય આવેલા સાધુ સંતોએ ચીમકી ઉચ્ચારી હતી. જેમાં બનાસકાંઠાના નાગપુરી બાપુએ કહ્યું હતું કે જો આવતી મહાશિવરાત્રી સુધીમાં નવનીતભાઈને ન્યાય નહીં મળે તો ગુજરાત બંધ અને ત્યારબાદ ભારત બંધ પણ રાખવામાં આવશે. આમ કોળી સમાજના આગેવાનો સાધુ સંતો આગળ આવીને નવનીતભાઈ બાલધીયાના સમર્થનમાં સરકાર પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે.

ઋષિભારતી બાપુએ CBI ને UNO સુધીની ચીમકી આપી
નવનીતભાઈ બાલધીયાની ખબર અંતર પૂછવા આવેલા સરખેજના ઋષિભારતી બાપુએ જણાવ્યું હતું કે, નવનીતભાઈ બાલધીયાને લઈને દરેક પાર્ટીના MLA અને નેતાઓ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં પણ પોલીસ તંત્ર દ્વારા છાવરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. SITની રચના થઈ છે.

હાલમાં અમે નવનીતભાઈની મુલાકાત લીધી ત્યારે તેમને કહ્યું તેમાં આગળ કશું હજુ થયું નથી, ત્યારે સમગ્ર ભારતમાં 26 કરોડ સમાજના યુવાનો છે. અમે CBI સુધી પણ માંગ કરશું અને ત્યાં પણ નહીં મામલો પતે તો યુનો સુધી ભારતમાં ક્રાઈમની સ્થિતિ શું છે તે દર્શાવવા પણ તૈયારી રાખી છે.
આ પણ વાંચો...

