બગદાણા વિવાદ: મહુવા તાલુકાના સરપંચોએ સોમનાથના કાર્યક્રમનો કેમ કર્યો બહિષ્કાર
સરપંચ પરિષદના સરપંચોએ માયાભાઈ સામે વિરોધ સોમનાથ વડાપ્રધાન કાર્યક્રમનો બહિષ્કાર કરીને નોંધાવ્યો છે.

Published : January 11, 2026 at 10:14 AM IST
ભાવનગર : જિલ્લાના બગદાણા નવનીતભાઈની ખબર અંતર પૂછવા પરસોત્તમભાઈ સોલંકી પહોંચવાના હતા, પરંતુ તેમની તબિયત નાદુરસ્ત હોવાથી દિવ્યેશભાઈ સોલંકી તેમના પુત્ર ગાડીઓના કાફલા સાથે પહોંચ્યા હતા. બીજી બાજુ સરપંચ પરિષદના સરપંચોએ માયાભાઈ સામે વિરોધ સોમનાથ વડાપ્રધાન કાર્યક્રમનો બહિષ્કાર કરીને નોંધાવ્યો છે.
ભાવનગર જિલ્લાના બગદાણાના નવનીતભાઈ બાલધીયાને હોસ્પિટલથી રજા અપાયા બાદ તેઓ પોતાના ઘરે પહોંચી ગયા છે, ત્યારે કોળી સેનાના પ્રમુખ અને પરસોતમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી બગદાણા પહોંચ્યા હતા. તો બીજી તરફ મહુવા તાલુકાના કોળી સમાજના સરપંચો દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમને પગલે માયાભાઈ દ્વારા આપવામાં આવેલા આમંત્રણના વિરોધ સ્વરૂપે સોમનાથ જવાનું ટાળીને આક્રોશ વ્યક્ત કર્યો છે.
બગદાણા પહોંચ્યા દિવ્યેશ સોલંકી
ભાવનગર શહેરમાંથી સાંજના સમયે પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઇ સોલંકી અને ભાવનગર જિલ્લા સહિત આજુબાજુના જિલ્લાના અને તાલુકાના આગેવાનો સાથે આશરે 200 ગાડીઓના કાફલા સાથે બગદાણા રવાના થયા હતા. મોડી રાત્રે બગદાણામાં દિવ્યેશ સોલંકી દ્વારા નવનીત ભાઈ બાલધીયાને ખબર અંતર પૂછવામાં આવી હતી.

દિવ્યેશભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, "આપણે નવનીતભાઈને ન્યાય અપાવવાનો છે. કોઈ ખોટા રાજકારણમાં ફસાઈને અને ટીકા ટિપ્પણી કરે નહીં તેમજ કોઈપણ વ્યક્તિ આપણા સમાજના દીકરાઓને મારી જાય તે પણ ચલાવી લેવાશે નહીં. મુખ્યમંત્રીને રજૂઆત બાદ બે કલાકમાં એસઆઇટીની નિમણૂક થઈ ગઈ છે. આપણે નવનીતભાઈને ન્યાય અપાવવાનો છે. સમાજ નવનીતભાઈ સાથે છે, કોઈને છોડવામાં નહિ આવે."

મહુવા તાલુકાના કોળી સરપંચોએ સોમનાથ કાર્યક્રમ છોડ્યો
એક તરફ દિવ્યેશભાઈ સોલંકી નવનીતભાઇ બાલધીયાની મુલાકાત કરી હતી, તેના પહેલા સાંજના સમયે મહુવા તાલુકા સરપંચ પરિષદના ઉપપ્રમુખ અને ભુતેશ્વર ગામના સરપંચ વિજય વાળાએ જણાવ્યું હતું કે, મહુવા તાલુકામાં 60 ગામના સરપંચો ભેગા થયા હતા. જેમાં નવનીત ભાઈ બાલધીયા ઉપર જે હુમલો થયો છે, તેના ન્યાય માટે લડત ચાલતી હોય તો બીજી તરફ સોમનાથ વડાપ્રધાન આવતા હોય અને તેના 1000 વર્ષ પૂરા થતા માયાભાઈ દ્વારા આમંત્રણ આપવાનો વિડીઓ સોશિયલ મીડિયામાં છે, તેના વિરોધને પગલે અમે સોમનાથ કાર્યક્રમથી અળગા રહેવાના છીએ. આ 60 ગામોમાંથી એક પણ વ્યક્તિ જવાનો નથી. અમે 10 જેટલી બસો તો પાછી મોકલી દીધી છે.

દિવ્યેશભાઈ સોલંકી બગદાણા પહોંચતા જનમેદની ઉમટી
ભાવનગર કોળી સેના પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી 200થી વધુ કારના કાફલા સાથે બગદાણા તરફ રવાના થયા હતા. જેને પગલે એકસાથે 200થી વધું ગાડીઓના કાફલાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. કોળી સમાજની એકતા અને નવનીતભાઈ બાલધીયાને ન્યાય અપાવવા માટે દિવ્યેશભાઈ સોલંકી બગદાણા પહોંચતા ત્યાં પણ જનમેદની ઉમટી પડી હતી. આમ બગદાણામાં ફરી ન્યાયને લઈને રાજકારણ ગરમાયુ છે.
આ પણ વાંચો...

