રામ મંદિરમાં દાન ચોરીની ઘટના પર જુનાગઢના સંત લાલઘૂમ, કહ્યું 'આરોપીઓએ રામ મંદિરને કંલકિત કર્યુ'
રામ મંદિરમાં દાનની ચોરીની ઘટનાને જુનાગઢ પંથકના એક સંતે વખોડી છે, તેમણે આ કૃત્યને એક ષડયંત્ર ગણાવ્યું છે, અને દોષિતોને કડક સજાની માંગ કરી છે.

Published : July 1, 2026 at 3:09 PM IST
જુનાગઢ: કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક એવા અયોધ્યામાં નિર્માણ પામેલા રામ મંદિરમાં દાનની રકમની ચોરીની ઘટનાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવ્યો છે. આ કૃત્ય સનાતન ધર્મના લોકો માટે એક કલંક સમાન માનવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠા થયાના એકાદ વર્ષ કરતાં વધારેના સમયમાં મંદિરમાંથી ખૂબ મોટી દાનમાં આવેલી રકમની ચોરી થઈ છે, જેમાં અયોધ્યા મંદિર પ્રશાસન સાથે સંકળાયેલા કેટલાક મંદિરના જ કર્મચારીઓની અટકાયત થઈ છે.
ત્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેલા મેદરડા ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુએ પણ દાન ચોરી કરનાર તમામ આરોપીઓ સામે ખૂબ જ આકરી કાર્યવાહી થાય અને ફરીથી આ પ્રકારની ઘટના ક્યારેય પણ કોઈ ધર્મસ્થાનોમાં ન બને તેવી સુરક્ષિત વ્યવસ્થા તંત્ર ઊભું કરવાની માંગ કરી છે.
રામ મંદિરમાં દાન ચોરીને લઈને ઉગ્ર પ્રત્યાઘાતો
અયોધ્યા સ્થિત રામ મંદિરમાં થયેલી દાનની રકમની ચોરીની ઘટના હવે વ્યાપક સ્તરે નિંદાનું પાત્ર બની રહી છે. હજારો વર્ષો સુધી રાહ જોયા બાદ અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ થયું. વર્ષ 2024 માં રામ મંદિરમાં ભગવાન રામનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં દેશ-વિદેશમાંથી નામી સાધુ-સંતો,મહંતો, રાજકીય-સામાજીક આગેવાનો સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વયં રહ્યા હતા. ત્યારબાદ બે જ વર્ષના ખૂબ જ ટૂંકા સમય ગાળામાં રામ ભક્તો દ્વારા સનાતન ધર્મ પ્રત્યે પોતાની આસ્થા પ્રગટ થાય તેવા હેતુ માટે નાની મોટી રકમનું દાન મંદિરમાં અવિરત થતું આવ્યું છે.

જોકે, મંદિર પ્રશાસન સાથે સંકળાયેલા કેટલાક કર્મચારીઓ દ્વારા દાનની રકમની ચોરી કરી હોવાનો ખૂબ જ ગંભીર અને કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડે તે પ્રકારનો મામલો સામે આવ્યો છે. અયોધ્યાના રામમંદિર જેવા પવિત્ર સ્થળ પરથી કરોડો રૂપિયાના દાનની રકમની ચોરીની ઘટનાએ કેન્દ્ર સરકારની ઉઁઘ ઉડાડી નાખી છે. ત્યારે જુનાગઢના સુખરામદાસ બાપુ કે જેઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ હાજર હતા તેમણે પણ આ દાનચોરીની ઘટનાને ખૂબ જ નિંદનીય ગણાવી છે અને તમામ લોકો સામે આકરી કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.

તમામને આરોપીઓને રામની સામે મળે આકરી સજા
મેંદરડા ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુ એ ઈ ટીવી ભારત સાથે કરેલી વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અયોધ્યા રામ મંદિરની દાનની ચોરીમાં જેટલા પણ લોકો સામેલ છે. આ તમામ લોકોને ભગવાન રામની હાજરીમાં સજા મળે તેવી વ્યવસ્થા ઊભી થવી જોઈએ. કરોડો હિન્દુઓની આસ્થા સમાન મંદિરમાં આવેલી દાનની રકમની ચોરીથી કોઈપણ વ્યક્તિના પરિવારો નુ સાત પેઢી સુધી ભગવાન રામ ભલું નહીં કરે, આવી આકરી વાણી સાથે સુખરામદાસ બાપુએ રામ મંદિર દાનની ચોરીની ઘટનાને અયોગ્ય ગણાવી હતી. મંદિર પ્રશાસન સાથે જોડાયેલા ચંપત રાયની હાજરીમાં આ પ્રકારનું નીંદનીય કૃત્ય થયું છે, જે ક્યારેય યોગ્ય માનવામાં નહીં આવે.

"રામ મંદિરમાં દાનની રકમની ચોરી કોઈ પણ સનાતન ધર્મના સેવક માટે એકદમ આંચકા સમાન ઘટના છે, જે મંદિર કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે તેવા જ સ્થળે દાનમાં આવેલી રકમની ચોરી અને તે પણ મંદિર પ્રશાસન સાથે સંકળાયેલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવી જે ક્યારેય માફ ન થઈ શકે, અમે ઉત્તર પ્રદેશ સરકારને આજે પણ વિનંતી કરીએ છીએ અને જ્યાં સુધી સમગ્ર મામલાની યોગ્ય અને સંપૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી અમે ઉત્તર પ્રદેશની સરકાર સાથે માંગ કરતા રહીશું અને જે લોકોએ મંદિરમાં આવેલા દાનની રકમની ચોરી કરી છે, આવા અંતિમ લોકોને પકડીને તેને આકરી સજા ન કરવામાં આવે ત્યાં સુધી અમે સતત સરકાર અને પ્રજાની વચ્ચે લાવતા રહીશું" -સાધ્વી રજનીગીરી, જુના અખાડા

"રામ મંદિરમાં આવેલા દાનની રકમની ચોરીને ખૂબ જ ગંભીર અને ક્યારેય માફ ન કરી શકાય તેવી ઘટના છે. દાનની રકમ ચોરીમાં સામેલ તમામ ચોરોને ખૂબ જ આકરી અને ઇતિહાસમાં દાખલો બેસે તે પ્રકારની સજા થવી જોઈએ. અયોધ્યા જેવું સૌથી સુરક્ષિત મંદિર કે જેની તમામ વ્યવસ્થા દરેક ખૂણેથી ચકાસવામાં આવતી હતી, આવા જ મંદિરમાં દાનની કરોડો રૂપિયા ની રકમની ચોરી કઈ રીતે થઈ શકે ? તે પણ હજુ અનેક સવાલોને જન્મ આપી રહ્યો છે. પરંતુ જે લોકો આમાં સામેલ છે અને એવા અનેક લોકો હશે કે જે હજુ સુધી પોલીસ પકડથી બહાર છે, આવા તમામ લોકોને શોધીને પકડવાનું કામ થાય અને આકરી સજા સુધી આ તમામ લોકો પહોંચે તો જ કરોડો હિંદુઓની દાનની રકમની ચોરીનો મામલો યોગ્ય ન્યાય મળ્યો છે તેવું કહી શકીશું" - સંત તરુણા ગીરી, જુના અખાડા

