દિલ્હી બ્લાસ્ટના પગલે સુરત હાઈ એલર્ટ પર, AI કેમેરાથી 1100 જેટલાં હિસ્ટ્રીશીટરો પર ઓટોમેટિક નજર
દિલ્હી બ્લાસ્ટના પગલે સુરત પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા દ્વારા શહેરમાં નજર ગોઠવી છે. AI કેમેરાથી 1100 જેટલાં હિસ્ટ્રી શીટરો પર ઓટોમેટિક નજર રખાઈ રહી છે.

Published : November 14, 2025 at 10:09 AM IST
|Updated : November 14, 2025 at 10:34 AM IST
સુરત: રાજધાની દિલ્હીમાં તાજેતરમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટનાના પગલે સુરત શહેર પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે. શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સુરત પોલીસે ટેક્નોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સંકલિત ઉપયોગ શરૂ કર્યો છે, જેમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત કેમેરા નેટવર્કનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેરના ૧૧૦૦ હિસ્ટ્રી શીટરોની ગતિવિધિઓ પર હવે AI દ્વારા ઓટોમેટિક નજર રાખવામાં આવી રહી છે.
1600 CCTV કેમેરાનું સઘન નેટવર્ક
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ દ્વારા શહેરભરમાં ફેલાયેલા ૧૬૦૦ જેટલા CCTV કેમેરાના વિશાળ નેટવર્ક મારફતે તમામ ગતિવિધિઓ પર સતત અને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ નેટવર્ક દ્વારા શહેરના જાહેર સ્થળો, મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં થતી નાનીમાં નાની શંકાસ્પદ હિલચાલને પણ ઝડપી લેવામાં આવે છે.
AI બેઝ્ડ કેમેરાની ત્રીજી આંખ
સુરક્ષા વ્યવસ્થામાં આધુનિકતા લાવતા, સુરત પોલીસે AI બેઝ્ડ કેમેરાની મદદ લેવાનું શરૂ કર્યું છે. આ કેમેરાની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં શહેરના ૧૧૦૦ જેટલા હિસ્ટ્રી શીટરોનો ડેટા અપલોડ કરવામાં આવ્યો છે.
ઓટોમેટિક નિરીક્ષણ
આ ડેટાના આધારે, AI કેમેરા આ હિસ્ટ્રી શીટરોની શહેરના વિવિધ વિસ્તારોમાં થતી ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ કરી શકે છે.
સંભવિત ગુના પર એલર્ટ
જો આ ૧૧૦૦માંથી કોઈ પણ હિસ્ટ્રી શીટર શંકાસ્પદ પ્રવૃત્તિમાં સામેલ થવાનો પ્રયાસ કરે, તો AI સિસ્ટમ તાત્કાલિક પોલીસને એલર્ટ મોકલી આપે છે. આનાથી પોલીસને સંભવિત ગુના કે અનિચ્છનીય ઘટના બનતા પહેલા જ પગલાં લેવામાં મદદ મળે છે.
હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં વિશેષ તકેદારી
સુરતનું હજીરાનું ઔદ્યોગિક ક્ષેત્ર ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ હોવાથી અહીં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીસ કમિશનર ગેહલોતે જણાવ્યું કે, હજીરાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર સહિત તમામ જગ્યાઓ પર AI બેઝ્ડ કેમેરા દ્વારા સતત નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે. વધુમાં, ઔદ્યોગિક એકમોના ખાનગી કેમેરા નેટવર્કની મદદ પણ લેવામાં આવી રહી છે, જેથી આ વિસ્તારની સુરક્ષામાં કોઈ કચાસ ન રહે.
AI અને CCTV કેમેરાના નેટવર્ક ઉપરાંત, પોલીસ દ્વારા મેન્યુઅલ હ્યુમન સોર્સની મદદથી પણ શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ટેક્નોલોજી અને મેન્યુઅલ ઇન્ટેલિજન્સનું આ સંકલન સુરત શહેરને કોઈ પણ પ્રકારના આતંકવાદી કે અસામાજિક તત્વોના પ્રયાસોથી સુરક્ષિત રાખવા માટે નિર્ણાયક સાબિત થશે. - અનુપમસિંહ ગેહલોત, પોલીસ કમિશનર

