આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા સહ-પરિવાર સોમનાથ મહાદેવના દર્શને; જળાભિષેક, સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજા કરી
આસામના CMએ UCC મુદ્દે કૉંગ્રેસ પર પ્રહાર કરવાની સાથે Gen Z અને Gen આલ્ફા પર નિવેદનો આપ્યા

Published : August 27, 2026 at 6:11 PM IST
ગીર સોમનાથ: પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા સહ-પરિવાર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હતા. સોમનાથ પહોંચેલા મુખ્યમંત્રી સરમાએ ભક્તિભાવ પૂર્વક ભગવાન સોમનાથને શીશ નમાવી જળાભિષેક, સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજા કરી હતી.
સોમનાથ મંદિર ખાતે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રીએ પરિવાર સાથે ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો. તેમણે બિલ્વ પત્રો અને પુષ્પો અર્પણ કરી ભગવાન સોમનાથની પૂજા-અર્ચના કરી હતી. શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શન કરવાનું પોતાનું સૌભાગ્ય ગણાવતા તેમણે સોમનાથ મંદિરની ભવ્યતા તેમજ તેના આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વની પ્રશંસા કરી હતી.
મુખ્યમંત્રીના સોમનાથ આગમન દરમિયાન ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ સોમનાથ મંદિરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ તેમનું સ્વાગત કરી સોમનાથ મહાદેવની તસવીર ભેટ અર્પણ કરી હતી.
#WATCH गिर सोमनाथ, गुजरात: असम के मुख्यमंत्री हिमंत बिस्वा सरमा ने सोमनाथ मंदिर में पूजा-अर्चना की।
— ANI_HindiNews (@AHindinews) August 27, 2026
उन्होंने कहा, "सावन का महीना बहुत पवित्र महीना है। सोमनाथ में दर्शन का सौभाग्य मिला। बहुत अच्छे दर्शन हुए। मैं सभी का धन्यवाद करता हूं।"
नेपाल त्रासदी पर उन्होंने कहा, "अभी अभी… pic.twitter.com/d32p7v019e
UCC મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર
સોમનાથ મુલાકાત દરમિયાન હિમંતા બિસ્વા સરમાએ યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસને મહિલા વિરોધી પક્ષ ગણાવી આક્ષેપ કર્યો હતો કે દેશમાં UCC લાગુ ન થવા પાછળ કોંગ્રેસ જવાબદાર છે. મહિલાઓને કોંગ્રેસનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની પણ તેમણે અપીલ કરી હતી.
સરમાએ UCCને લઈને પોતાના રાજકીય મત વ્યક્ત કરતાં મહિલાઓના અધિકારો અને સમાન કાયદાના મુદ્દાને મહત્વ આપ્યું હતું. તેમના આ નિવેદનથી સોમનાથ મુલાકાત દરમિયાન રાજકીય ચર્ચા પણ ગરમાઈ હતી.
Gen Z અને Gen Alpha અંગે પણ નિવેદન
હિમંતા બિસ્વા સરમાએ Gen Z અને Gen Alpha અંગે વાત કરતાં કહ્યું હતું કે આ પેઢીઓમાં પશ્ચિમી સંસ્કૃતિનું અવતરણ જોવા મળે છે અને આ સંસ્કૃતિ સાથે ભારતીય પરંપરાઓનો કોઈ સંબંધ નથી. તેમણે ભારતીય સંસ્કૃતિમાં પરિવાર અને વડીલો સાથેના સંબંધોને પવિત્ર ગણાવ્યા હતા.
તેમણે દેશ સામે કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે તેનાથી ગભરાયા વિના તેનો સામનો કરી આગળ વધવું આપણી ફરજ હોવાનું જણાવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને પારિવારિક મૂલ્યોને જાળવી રાખવાની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો હતો.
સરહદી સુરક્ષા અંગે PM મોદીના નેતૃત્વમાં વિશ્વાસ
ચીન-બાંગ્લાદેશ સરહદ સાથે જોડાયેલા મુદ્દે પણ આસામના મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સુરક્ષા વ્યવસ્થા અંગે વિશ્વાસ વ્યક્ત કરતાં બધું કુશળમંગળ હોવાની વાત કરી હતી. આ ઉપરાંત નેપાળમાં સર્જાયેલી જળ હોનારત અંગે હિમંતા બિસ્વા સરમાએ દિલસોજી વ્યક્ત કરી હતી અને અસરગ્રસ્ત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
આમ, શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શનથી શરૂ થયેલી આસામના મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન ધાર્મિક શ્રદ્ધા સાથે UCC, ભારતીય સંસ્કૃતિ, પરિવાર અને વડીલો સાથેના સંબંધો તેમજ દેશની સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ પર તેમના નિવેદનો ચર્ચામાં રહ્યા હતા.
આ પણ વાંચો:

