ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર શેરબજાર ડીલિંગ નેટવર્ક પર દરોડા બાદ ASI સસ્પેન્ડ, જેતપુર પોલીસને તપાસ સોંપાઈ

સાયલાના ધજાળા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા એએસઆઈ સંજયસિંહ રાઠોડના ઘરમાંથી આ સમગ્ર નેટવર્કનું ઓપરેટિંગ કરવામાં આવતું હતું.

સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર શેરબજાર ડીલિંગ નેટવર્ક પર દરોડા બાદ ASI સસ્પેન્ડ, જેતપુર પોલીસને તપાસ સોંપાઈ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર શેરબજાર ડીલિંગ નેટવર્ક પર દરોડા બાદ ASI સસ્પેન્ડ, જેતપુર પોલીસને તપાસ સોંપાઈ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 5, 2026 at 9:51 PM IST

2 Min Read
Choose ETV Bharat

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં ચાલી રહેલા શેરબજારના ડીલિંગના મુદ્દે રેન્જ આઈજીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક તબક્કામાં 50 કરોડથી વધુના આર્થિક લે-વેના હિસાબો થયા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આ નેટવર્ક ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતું હતું. એપ્લિકેશનના માધ્યમથી કૉલ સેન્ટર ઊભું કરીને આ નેટવર્ક સંચાલિત કરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે.

સાયલાના ધજાળા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા એએસઆઈ સંજયસિંહ રાઠોડના ઘરમાંથી આ સમગ્ર નેટવર્કનું ઓપરેટિંગ કરવામાં આવતું હતું. તેના ઘરે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે સંજયસિંહ રાઠોડ ભૂગર્ભમાં ઊતરી ગયા છે. તેની શોધખોળ માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

શેરબજારમાં હાર-જીતની રકમનો જુગાર રમાડવામાં આવતો હતો અને મુંબઈ સહિતના રાજ્યોના વેપારીઓ સાથે ટેલિફોનિક રીતે તથા એપ્લિકેશનના માધ્યમથી ડીલિંગ કરવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે. હાર-જીતના રૂપિયા આંગડિયા પેઢીમાં મંગાવવામાં આવતા હતા, તે અંગેનો પણ ધડાકો થયો છે. સુરેન્દ્રનગરની આંગડિયા પેઢીમાં પણ સુરેન્દ્રનગર પોલીસ વિભાગની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર રીતે આંગડિયા પેઢીમાં બેનામી વ્યવહારો પણ ઝડપાયા છે.

રાજકોટ રેન્જ આઈજી દ્વારા આ અંગેની તપાસ સુરેન્દ્રનગર પોલીસ પાસેથી આચકી લઈને જેતપુર પોલીસને સોંપવામાં આવી છે. જેતપુર પોલીસે ઝડપાયેલા પાંચ ઈસમોનો કબજો લઈને તમામ લેપટોપ, પેન ડ્રાઈવ, મોબાઈલ ફોન અને સીમકાર્ડનું સાહિત્ય સુરેન્દ્રનગર પોલીસ પાસેથી લઈને વધુ તપાસ હાથ ધરી છે. આમાં 29 જેટલા મોબાઈલ, 10 લેપટોપ, ૫૦થી વધુ સીમકાર્ડ, 27 નોટબુક અને ચાર પેન ડ્રાઈવ સહિતનું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે.

જોરાવનગર પોલીસ મથકના પીઆઈ સહિતના સ્ટાફ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા નબળી કામગીરી થઈ હોવાનું સામે આવ્યું છે, કારણ કે તેમના દ્વારા દરોડા પાડવામાં આવતા ન હતા અને અંતે રાજકોટ રેન્જની ટીમે દરોડા પાડ્યા છે. કુલ 23 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. શેરના વધ-ઘટના ભાવ ઉપર હાર-જીતનો જુગાર રમાડવામાં આવતો હતો. એપ્લિકેશનમાં પ્લસ અને મેટા ટ્રેડર્સ નામની એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે.

ઝડપાયેલા મોબાઈલ ફોન અને લેપટોપ સહિતની વસ્તુઓની હિસ્ટ્રી બહાર કાઢવામાં આવી છે. રાજ્યભરના અને અન્ય રાજ્યોના વેપારીઓ પણ પોલીસની રડારમાં હોવાનું સામે આવ્યું છે. હવે વધુ તપાસ જેતપુર પોલીસને સોંપાઈ છે. પ્રથમ તબક્કામાં જેના ઘરે આ નેટવર્ક ચાલતું હતું તે રતનપરના રામેશ્વર ટાઉનશિપમાં રહેતા અને એએસઆઈ તરીકે ફરજ બજાવતા સંજયસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.