નવસારી મનપામાં ભાજપની નવી ટીમ જાહેર: અશોક ધોરાજીયા મેયર, કેયુરી દેસાઇ ડેપ્યુટી મેયર બન્યા
નવસારી મહાનગરપાલિકામાં આગામી અઢી વર્ષ માટે નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી

Published : May 26, 2026 at 2:08 PM IST
નવસારી: નવસારી મહાનગરપાલિકામાં આગામી અઢી વર્ષ માટે નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકાના મેયર તરીકે અશોક ધોરાજીયાની પસંદગી કરવામાં આવી છે.
આ સાથે જ ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઇ અને કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે મુકેશ અગ્રવાલના નામ પર મોહર મારવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત પર ભાજપે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દંડક તરીકે રાકેશ પટેલની પસંદગી સાથે ભાજપે પોતાની નવી ટીમની જાહેરાત પૂર્ણ કરી છે.
ભાજપે સંગઠનમાં અનુભવીને નવસારીના મેયર બનાવ્યા
ભાજપે આ વખતે સંગઠનશક્તિ, અનુભવો અને લાંબા સમયથી પક્ષ માટે કાર્યરત રહેલા ચહેરાઓને પ્રાધાન્ય આપ્યું હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ખાસ કરીને મેયર પદ માટે અશોક ધોરાજીયાની પસંદગી પાછળ તેમની લાંબી રાજકીય અને સંગઠનાત્મક સફર મહત્ત્વપૂર્ણ ગણાઈ રહી છે.
અશોક ધોરાજીયા છેલ્લા લગભગ 40 વર્ષથી ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલા રહ્યા છે. તેઓ યુવા મોરચાના પ્રમુખ તરીકે કામગીરી કરી ચૂક્યા છે તેમજ જિલ્લા સંગઠનના પ્રમુખ પદની જવાબદારી પણ સંભાળી છે. તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભાજપના પ્રભારી તરીકે પણ તેમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

નવસારી લોકસભા ચૂંટણી 2025 દરમિયાન પણ તેઓ ઇન્ચાર્જ તરીકે સક્રિય રહ્યા હતા. ખાસ કરીને કોંગ્રેસનો ગઢ માનાતા તાપી જિલ્લામાં ભાજપને મજબૂત બનાવવા અને પક્ષનો વ્યાપ વધારવામાં તેમની કામગીરી ચર્ચાનું કેન્દ્ર રહી હતી. હવે નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે તેમની સામે શહેરના વિકાસ અને નવી વ્યવસ્થાની મહત્ત્વપૂર્ણ જવાબદારી રહેશે.
આ પણ વાંચો:

