ગુજરાત યુનિવર્સિટીની નવી પહેલ: હવે નોકરી સાથે ઘરે બેઠા MBA-MCAની ડિગ્રી લઈ શકશો!
ઓનલાઈન કોર્સની ડિમાન્ડ વધતા 4 નવા કોર્સની તૈયારી, રેગ્યુલર અભ્યાસમાં પણ 25 નવા ઈનોવેટિવ કોર્સ ઉમેરાશે.

Published : August 23, 2026 at 10:10 PM IST
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં હવે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓને રોજ કોલેજમાં હાજરી આપવાની જરૂર નહીં પડે. ઓનલાઈન શિક્ષણની વધતી માંગને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી MBA, MCA સહિત ચાર નવા ઓનલાઈન કોર્સ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. ખાસ કરીને નોકરી કરતા યુવાનો અને ગૃહિણીઓ માટે આ કોર્સ ઘરે બેઠા અભ્યાસ કરીને ડિગ્રી મેળવવાની નવી તક બની શકે છે.
હાલ ગુજરાત યુનિવર્સિટીમાં BA, B.Com, BCA, M.A. (અંગ્રેજી), M.Com અને M.Sc. સહિત છ ઓનલાઈન કોર્સ ચાલી રહ્યા છે. આ કોર્સમાં પ્રવેશ બાદ વિદ્યાર્થીઓના અભ્યાસથી લઈને પરીક્ષા સુધીની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવે છે. ઓનલાઈન અભ્યાસની સુવિધાને કારણે વિદ્યાર્થીઓનો પ્રતિસાદ અને માંગ વધતા યુનિવર્સિટી હવે વધુ ચાર કોર્સ ઉમેરવા જઈ રહી છે.
UGCના નવા દરજ્જા બાદ વધુ કોર્સ શરૂ કરવાની તક
ગુજરાત યુનિવર્સિટીને UGC કેટેગરી-2 ગ્રેડેડ ઑટોનોમસ યુનિવર્સિટી તરીકે માન્યતા મળ્યા બાદ યુનિવર્સિટી માટે નવા કોર્સ શરૂ કરવાનો માર્ગ વધુ સરળ બન્યો છે. યુનિવર્સિટીને કુલ 10 જેટલા ઓનલાઈન કોર્સ ચલાવવાની છૂટ મળતા હાલના છ કોર્સ ઉપરાંત ચાર નવા કોર્સ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. તેમાં MBA અને MCA જેવા વ્યવસાયલક્ષી કોર્સનો સમાવેશ કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. કોર્સનું અંતિમ લિસ્ટ તૈયાર થયા બાદ પ્રવેશ પ્રક્રિયા અને ફી અંગેની વિગતો જાહેર કરવામાં આવશે.
આ વ્યવસ્થાથી નિયમિત નોકરી કરતા લોકો પણ પોતાની નોકરી છોડ્યા વગર ઉચ્ચ અભ્યાસ કરી શકશે. તેવી જ રીતે ગૃહિણીઓ પણ ઘરકામની સાથે પોતાની અનુકૂળતા પ્રમાણે અભ્યાસ કરીને MBA અથવા MCA જેવી ડિગ્રી મેળવી શકશે.
રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે પણ નવા વિકલ્પો
ઓનલાઈન કોર્સ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી રેગ્યુલર અભ્યાસક્રમમાં પણ મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. ઑટોનોમસ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યા બાદ યુનિવર્સિટીના આશરે 52 વિભાગોના વડાઓ અને ડિરેક્ટરો સાથે બેઠક યોજવામાં આવી હતી. દરેક વિભાગને સમયની જરૂરિયાતને અનુરૂપ ઈનોવેટિવ કોર્સ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે.
વિભાગો પાસેથી મળનારા સૂચનોના આધારે આગામી શૈક્ષણિક સત્રથી આશરે 25 નવા ઈનોવેટિવ કોર્સ અભ્યાસક્રમમાં ઉમેરવાની યોજના છે. આ કોર્સ વિદ્યાર્થીઓને પરંપરાગત ડિગ્રીની સાથે નવા ક્ષેત્રોમાં જ્ઞાન અને કૌશલ્ય મેળવવાની તક આપશે. ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશીના જણાવ્યા મુજબ, યુનિવર્સિટીનો હેતુ નવા ઓનલાઈન તેમજ ઈનોવેટિવ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓ માટે અભ્યાસના વધુ વિકલ્પો ઊભા કરવાનો છે.
આ પણ વાંચો:

