ETV Bharat / state

અરવલ્લી: મેઘરજ તાલુકામાં સગીરાનું અપહરણ અને દૂષ્કર્મની ઘટના, પોલીસે બંન્ને આરોપીની કરી અટકાયત

સમગ્ર મામલે મેઘરજ પોલીસે પોસ્કો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અરવલ્લી: મેઘરજ તાલુકામાં સગીરાનું અપહરણ અને દૂષ્કર્મની ઘટના, પોલીસે બંન્ને આરોપીની કરી અટકાયત
અરવલ્લી: મેઘરજ તાલુકામાં સગીરાનું અપહરણ અને દૂષ્કર્મની ઘટના, પોલીસે બંન્ને આરોપીની કરી અટકાયત (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 27, 2026 at 10:02 PM IST

1 Min Read
Choose ETV Bharat

અરવલ્લી: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં સગીરાના અપહરણ અને દુષ્કર્મનો ગંભીર મામલો સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓએ લગ્ન કરવાની લાલચ આપી સગીરાને અલગ અલગ સમયે ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ થયો છે. સમગ્ર મામલે મેઘરજ પોલીસે પોસ્કો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

માહિતી મુજબ છેલ્લા સાત મહિનાના સમયગાળા દરમિયાન આરોપી મેહુલસિંહ ખોખર અને કમલેશ સડાતે અલગ અલગ સમયે સગીરાને ભગાડી ગયા હોવાનો ખુલાસો થયો છે. આરોપીઓ દ્વારા સગીરાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હોવાના પણ ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પરિવાર સમાજમાં આબરૂ જવાના ડર અને સતત મળતી ધમકીઓના કારણે લાંબા સમય સુધી ફરિયાદ નોંધાવવામાં અસમર્થ રહ્યો હોવાનું સામે આવ્યું છે.

અરવલ્લી: મેઘરજ તાલુકામાં સગીરાનું અપહરણ અને દૂષ્કર્મની ઘટના, પોલીસે બંન્ને આરોપીની કરી અટકાયત (ETV Bharat Gujarat)

ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે આરોપી કમલેશ સડાત સગીરાનો કુટુંબી કાકા હોવાનું જાણવા મળ્યું છે. પરિવારના વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી સગીરાને ફોસલાવવામાં આવી હોવાનો આક્ષેપ છે. બાદમાં ઈસરી પોલીસે કાર્યવાહી કરી સગીરાને મુક્ત કરાવી સુરક્ષિત રીતે પરિવારને સોંપી હતી.

સમગ્ર ઘટનાને લઈને મેઘરજ પોલીસે પોસ્કો એક્ટ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને આરોપી મેહુલસિંહ ખોખર તથા કમલેશ સડાતની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સગીરાનું મેડિકલ પરીક્ષણ સહિતના પુરાવાઓ એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

આ મામલે અરવલ્લી DYSP જે.ડી. વાઘેલાએ જણાવ્યું હતું કે સગીરાના અપહરણ અને દુષ્કર્મ મામલે ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. બંને આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે અને સમગ્ર ઘટનાની તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.