EXCLUSIVE: ગુજરાતમાં સરકારી બાબુઓ બેફામ! 3 વર્ષમાં લાંચના 546 ગુના, પહેલા નંબરે ગૃહ વિભાગ
અરબપતિ સરકારી બાબુઓ પર લાલ આંખ, કરોડપતિ ઈજનેરોથી લઈને 30 લાખની લાંચ માગતા PI સુધીના અધિકારીઓ પર ACB નો સકંજો. મનોજ ખત્રીનો અહેવાલ...

Published : August 25, 2026 at 6:33 PM IST
|Updated : August 25, 2026 at 6:39 PM IST
અમદાવાદ: ખાતો નથી અને ખાવા દેતો નથી, આ સૂત્ર ગુજરાતથી જ દેશ અને દુનિયાભરમાં ફેલાયું હતું. પરંતુ કરમની કઠણાઇ એ છે કે આજે તે જ ગુજરાતમાં ભ્રષ્ટાચાર એ હદે ફૂલ્યો ફાલ્યો છે કે માત્ર વર્ષ 2026માં જ અત્યાર સુધીમાં રૂપિયા 14 કરોડ 17 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત અંગેના કેસ થયા છે. જ્યારે ટ્રેપ અને ડિકોયથી રૂપિયા 98,16,682ની લાંચની રકમ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ કબ્જે કરી છે. વર્ષ 2026ના ઓગસ્ટના ત્રીજા સપ્તાહ સુધીમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કુલ 136 કેસ નોંધાયા છે. જેમાં 109 ટ્રેપ ગોઠવીને તો ડિકોય કરીને 15 કેસ કર્યા હતા જ્યારે અપ્રમાણસર મિલકતના 10 કેસ કરવામાં આવ્યા હતા, અને સત્તાના દુરૂપયોગના બે કેસ નોંધાયા છે.
સરકારી કચેરીઓમાંથી ભ્રષ્ટાચારનું ભૂત હજુ પણ ધૂણી રહ્યું છે, ગુજરાત લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો (ACB)ના વર્ષ 2023થી 2025 સુધીના સત્તાવાર આંકડાઓ ચોંકાવનારા છે. છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો રાજ્યમાં ACB દ્વારા કુલ 546 ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે રક્ષક જ ભક્ષક બન્યા હોય તેમ ગૃહ વિભાગમાં સૌથી વધુ 201 કેસ નોંધાયા છે. જનતાના કામ કરવા માટે અબજો રૂપિયાનો પગાર લેતા અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ માટે હાથ લાંબો કરે છે, અને તેના પર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની નજર છે.

એન્ટી કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર, IPS અધિકારી પિયૂષ પટેલે ETV ભારત સાથે EXCLUSIVE ચર્ચા કરી.
સવાલ: વર્ષ 2023માં 205, 2024માં 231 અને 2025માં 213 કેસ નોંધાયા છે. તો ACBની કામગીરી વધી છે કે પછી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધી રહ્યું છે?
જવાબ: કેસ વધી રહ્યા છે અને ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ વધ્યું છે, અમે જાગૃક્તાના કાર્યક્રમો પણ વધારી રહ્યા છે.
સવાલ: ACBની ટ્રેપમાં અનેક લોકો પકડાય છે, પરંતુ કોર્ટમાં તેનું પ્રોસિક્યુશન કેટલું થાય છે? અને તેનું પ્રમાણ કેટલું છે?
જવાબ: કાયદામાં જોગવાઇ છે કે કોઇપણ કેસ થાય એટલે તેની પ્રોસિક્યુશનની મંજૂરી જે સક્ષમ અધિકારી હોય તેમની પાસેથી લેવાની હોય છે. એટલે કે જે અધિકારી પર કેસ થયો તેમને નોકરીમાંથી દૂર કરવાની સત્તા જેમની પાસે હોય તેમની પાસેથી મંજૂરી મેળવવાની હોય છે. તેના માટે અમે સતત પ્રયાસ કરીએ છીએ, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 19 હેઠળ અમારે આ પ્રોસિક્યુશનની મંજૂરી લેવાની હોય છે. ત્રણ માસમાં આ મંજૂરી મેળવવાની હોય છે જેને વધારાના એક મહિના સુધી લંબાવી શકાય છે, મોટાભાગના કેસમાં આ સમયગાળામાં મંજૂરી મળી જાય છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં મંજૂરી ના મળે તો અમે વિજીલન્સ કમિશન મારફતે તે નામંજૂર કરેલો રિપોર્ટ મોકલીએ છીએ, અને વિજીલન્સ કમિશન તે રિપોર્ટને માન્ય રાખે તો ફરીવાર પ્રોસિક્યુશનની મંજૂરી માટે મોકલી શકે છે. ગુજરાતમાં લગભગ 90થી 95 ટકા કેસમાં પ્રોસિક્યુશનની મંજૂરી સમયસર મળી જાય છે.
સવાલ: ACB જે પ્રામણે કામ કરી રહ્યું છે, ત્યારે ભ્રષ્ટાચારીઓ પણ સ્માર્ટ બન્યા છે, તેના કારણે ખાનગી વ્યક્તિઓને ACBના સકંજામાં વધારે આવી રહ્યા છે?
જવાબ: જે પણ અધિકારી ભ્રષ્ટાચાર માટે અલગ અલગ હથકંડા અપનાવે છે તેમાં મોટાભાગે ભ્રષ્ટ અધિકારી ખાનગી વ્યક્તિઓને ભ્રષ્ટાચારની રકમ સ્વીકારવા માટે રાખતા હોય છે. માટે જ્યારે પણ ભોગબનનાર પાસે લાંચ માગવામાં આવે છે. ત્યારે અમે તે ખાનગી વ્યક્તિને પકડીને સંબંધિત અધિકારી સુધી પહોંચતા હોઇએ છીએ. 60થી 70 ટકા કેસમાં આવું જ થાય છે. ખાનગી વ્યક્તિ અને અધિકારી સાથે પકડાય છે તેવા પણ કેસ છે, તાજેતરમાં ચીફ ફાયર ઓફિસરનો જ કેસ જોઇએ તો તેમાં અધિકારી અને ખાનગી વ્યક્તિ એકસાથે જ પૈસા લેતા ઝડપાયા હતા.


સવાલ: વર્ગ-1 કે વર્ગ-2ના ઉચ્ચ અધિકારી તથા IAS અને IPS અધિકારીઓની પણ અપ્રમાણસર મિલકતો અંગે ખ્યાલ હોય છે, તો તેવા કેસમાં સામાન્ય વ્યક્તિ ફરિયાદ કરવા માંગતો હોય, ત્યારે તેને ACB તરફથી કેવા પ્રકારનું સુરક્ષા છત્ર અને ગોપનીયતા પૂરી પાડવામાં આવે છે?
જવાબ: ફરિયાદી માટે 'પ્રોજેક્ટ કેર' કરીને કાર્યક્રમ ચાલે છે. જેમાં જેટલા પણ વ્યક્તિ ભ્રષ્ટાચાર સામે લડત આપતા હોય છે, ત્યારે અમારો હેતુ એ જ હોય છે કે તેમાં તેને તમામ પ્રકારનું રક્ષણ મળી રહે, ટ્રેપની કાર્યવાહી પૂરી થયા બાદ પણ અમે મોનિટરીંગ કરીએ છીએ કે આવા વ્યક્તિને કોઇ ફરિયાદ નથી થતી ને? તેનું ધ્યાન રાખતા હોઇએ છે, IAS કે IPS અધિકારીના કેસમાં અમે સંપૂર્ણ તપાસ કરીને સરકારને દરખાસ્ત મોકલતા હોઇએ છીએ અને સરકારમાંથી જ્યારે પણ મંજૂર થાય ત્યારે તેમની સામે તપાસ કરતા હોઇએ છે, સુરેન્દ્રનગરના કલેક્ટર સામે ચાલતી તપાસ તેનું જ ઉદાહરણ છે.
સવાલ: છેલ્લા ત્રણ વર્ષમાં ગૃહ વિભાગ અને પંચાયત વિભાગમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે, આ બે વિભાગોમાં ભ્રષ્ટાચાર અટકાવવા ACBની શું વિશેષ વ્યૂહરચના છે?
જવાબ: પ્રવેન્ટીવ વિજીલન્સ પ્રકારની કાર્યવાહી કરતા હોઇએ છીએ. જેથી સરકારી અધિકારીઓમાં ACBનો ડર રહે અને ભ્રષ્ટાચાર કરતા અટકે તેવા પ્રયાસો કરતા હોઇએ છીએ. તેમજ વિજીલન્સ અધિકારીઓની મિટીંગ થતી હોય છે અને તે મુજબની સૂચનાઓ પણ અપાતી હોય છે. ગૃહ અને પંચાયત વિભાગમાં કેસ વધારે થાય છે. પરંતુ તેની રકમ ખૂબ નાની હોય છે, જ્યારે બીજા વિભાગોમાં કેસની સંખ્યા ઓછી હોય છે, પરંતુ રકમ વધારે હોય છે. ઇલેક્ટ્રીકલ ઇન્સ્પેક્ટર ઝડપાયા હતા, તેમના ઘરેથી પોણા ત્રણ કરોડ રોકડા મળ્યા હતા.
સવાલ: અપ્રમાણસર મિલકતના કેસમાં સમયાંતરે સ્વતંત્ર પ્રોપર્ટી ઓડિટ કરાવવાની કોઈ યોજના છે?
જવાબ: ના. તેવી કોઇ સત્તા અમારી પાસે નથી, અમારી પાસે સત્તાનો દુરૂપયોગ કર્યાનો કેસ સામે આવે તો તેમાં નવા એક્ટ પ્રમાણએ અમારે સરકારની મંજૂરી મેળવવી પડતી હોય છે. જેમ કે 2 કરોડનું કામ હોય અને 5 કરોડનું ગણાવીને મંજૂર કરે તો તે સત્તાના દુરૂપયોગનો કેસ હોય તેમાં સરકારને અને વિભાગને જણાવીએ છીએ, અને સરકાર દ્વારા તેમાં વિજીલન્સ કે વિભાગ મારફતે અમને કહેવામાં આવે કે ACB દ્વારા કાર્યવાહી કરાવમાં આવે તેમાં કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

સવાલ: સામાન્ય વ્યક્તિ ACB પાસે આવે અને ટ્રેપ ગોઠવાય ત્યારે કયા પ્રકારના પડકારો આવતા હોય છે?
જવાબ: ભ્રષ્ટ અધિકારી વધારે સ્માર્ટ હોય ત્યારે પડકાર વધી જાય છે. ઘણીવાર ભ્રષ્ટ અધિકારીઓ ACBની કચેરી પર પણ વૉચ રાખતા હોય છે, અમારે જે પંચો લેવાના હોય તે સરકારી સાહેદો જ લેવાના હોય છે, તો જ્યારે કોઇ વિભાગને સાહેદ માટે લખીને આપીએ તો ત્યારે પણ અમને ડર લાગે કે તે વિભાગ દ્વારા કે વિભાગના કોઇ વ્યક્તિ દ્વારા ટ્રેપની વિગતો લીક ના થઇ જાય.
સવાલ: કન્વીક્શન રેટ કેટલો છે અને મોટા કેસોમાં આરોપી અધિકારીઓને ઝડપી સજા થાય તે માટે આપણા પ્રયાસો કેવા હોય છે?
જવાબ: સરકાર તરફથી ACB માટે સ્પેશિયલ કોર્ટ ચાલી રહી છે. કન્વીક્શન રેટ પહેલા 15-20 ટકા જેટલો ઓછો હતો પરંતુ તેને અમે 40-45 ટકા સુધી લઇ ગયા છીએ. કોઇ કેસ 7-8 વર્ષ પછી બોર્ડ પર આવે ત્યારે તેમાં ફરિયાદી કે પંચો હોય તેમને સમજાવવું પડે કે કેસ શું હતો. માટે એવા કેટલાક ચોક્કસ અધિકારીઓ હોય જે આ જવાબદારી નિભાવતા હોય છે. અપ્રમાણસર મિલકતના કેસ માટે ફાયનાન્સિયલ એડવાઇઝર્સ પણ હોય છે, તે ફાયનાન્સિયલ સ્ક્રીનીંગ કરે છે, અને તેમાં આરોપીને બચવાની તક ના મળે તેવા પ્રયાસો કરીએ છીએ, કાયદાકીય સલાહકારની મદદથી કેસ સ્ટ્રોંગ બનાવીએ છીએ. તેના કારણે કન્વીક્શન રેટ વધીને 60થી 70 ટકા સુધી જઇ શકે છે.
સવાલ: જાહેર જનતાને શું અપીલ?
જવાબ: ACBની હેલ્પલાઇન 1064 છે, તેનો ઉપયોગ કરીને ગુજરાતમાંથી ભ્રષ્ટ અધિકારીઓને દૂર કરો, તો જ ગુજરાતનો વિકાસ સારી રીતે થઇ શક્શે. માટે તમામ નાગરિકોનું યોગદાન એટલું જ જરૂરી છે.
લાંચિયાગીરીના કાળા કારનામાઓમાં રાજ્યના મહત્વના વિભાગો મોખરે રહ્યા છે

વર્ષ 2025 માં ACB એ અનેક મોટા 'મગરમચ્છો' ને જાળમાં ફસાવ્યા છે

અદાલતોમાં સાબિત થયેલા ગુના અને સજા
વર્ષ 2025 દરમિયાન અદાલતો દ્વારા જૂના કેસોમાં કડક સજા ફટકારવામાં આવી છે. ભૂતપૂર્વ IAS અધિકારી અને તત્કાલીન કચ્છ કલેક્ટર પ્રદીપ શર્માને વેલસ્પન કંપનીને સત્તા મર્યાદા બહાર જમીન ફાળવી પોતાના પત્નીના નામે ગેરકાયદે આર્થિક લાભ મેળવવા બદલ 5 વર્ષની સખત કેદ અને રૂ. 50,000નો દંડ ફટકારાયો હતો. આ ઉપરાંત મોરબી સરકારી હોસ્પિટલના વર્ગ-1ના તબીબ ડો. પંકજકુમાર ગોંડલીયાને દર્દીના ઓપરેશન પેટે લાંચ માંગવા બદલ 5 વર્ષની સખત કેદ અને રૂ. 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
વર્ષ 2023 માં 205, 2024 માં 231 અને 2025 માં 213 ગુના નોંધાયા છે. ACB ની આ કાર્યવાહી દર્શાવે છે કે એજન્સી સતત એક્શન મોડમાં છે, પરંતુ સામે પક્ષે સરકારી બાબુઓમાં કાયદાનો ભય કેમ ઓછો થઈ રહ્યો છે તે પણ એક મોટો સવાલ છે. જો તમારી પાસે પણ કોઈ સરકારી અધિકારી કામ કરાવવા માટે લાંચ માગે, તો ચૂપ રહેવાને બદલે ACB ના ટોલ-ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો.
આ પણ વાંચો:
- Exclusive: ભાવનગર લઠ્ઠાકાંડમાં દર્દીઓ માટે મહારાષ્ટ્રથી 100 ઇન્જેક્શન લવાયા, નકલી દારૂ કેવી રીતે જીવલેણ બને છે? ડોક્ટરે સમજાવ્યું
- બાળકોના ભવિષ્ય માટે બાદરગઢનો મોટો નિર્ણય; ગામમાં પડીકાં-ગુટખા અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ, 1 સપ્ટેમ્બરથી અમલ
- 'મેળે મેળે આવે અને મેળે મેળે જાય એનું નામ તરણેતરનો મેળો', પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડની તરણેતરના મેળા પર ખાસ વાતચીત

