બગદાણામાં નવનીત બાલધિયા પર હુમલા મામલે અમરેલીમાં કોળી સમાજમાં રોષ, લાઠીમાં આવેદનપત્ર આપ્યું
લાઠીમાં કોળી સમાજના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી

Published : January 9, 2026 at 3:23 PM IST
અમરેલી: અમરેલીમાં બગદાણા ખાતે નવનીત બાલધિયા પર હુમલા મામલે કોળી સમાજમાં રોષ જોવા મળ્યો છે. લાઠીમાં કોળી સમાજ એકત્રિત થયો હતો અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. કોળી સમાજના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
નવનીત બાલધિયા પર હુમલા મામલે કોળી સમાજમાં રોષ
અમરેલી જિલ્લાના બગદાણા ખાતે નવનીત બાલધિયા પર થયેલા હુમલા મામલે સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સાવરકુંડલા બાદ હવે લાઠી શહેરમાં પણ કોળી સમાજ એકત્રિત થયો હતો અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. લાઠી ખાતે કોળી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. સાથે જ આ પ્રકરણમાં બાકી રહેલા આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહી, તેમજ બેદરકારી દાખવનારા જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી હતી.
નવનીત બાલધિયા પર થયેલા હુમલાની ઘટના દિવસેને દિવસે વધુ ઉગ્ર બનતી જઇ રહી છે. આ ઘટનાના વિરોધમાં સુરતથી અંદાજે 100 જેટલા કોળી સમાજના યુવાનો ફોરવ્હીલ વાહનોના કાફલા સાથે મહુવા પહોંચ્યા હતા અને નવનીત બાલધીયાને મળ્યા હતા. નવનીત બાલધીયાને ન્યાય અપાવવા માટે જિલ્લાભરમાં ઠેર ઠેર આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે અને કોળી સમાજના લોકો એકજૂટ થઈ તેમને સહયોગ આપી રહ્યા છે.

આ પ્રકરણમાં વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે તેમજ ગઈકાલે વધુ એક કલમ ઉમેરવામાં આવતા મામલો વધુ ગંભીર બન્યો છે. કોળી સમાજ દ્વારા અગાઉ આવેદનપત્ર પાઠવાયા બાદ હવે ધારી શહેર અને ધારી તાલુકાભરના કોળી સમાજના યુવાનો પણ એકત્રિત થઈ લાઠીમાં તંત્રને આવેદન પાઠવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. કોળી સમાજે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી નવનીત બાલધીયાને સંપૂર્ણ ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
આ પણ વાંચો:

