સુરેન્દ્રનગરમાં આંગણવાડી બહેનો આકરા પાણીએ, 16 માર્ચથી આપી હડતાળની ચિમકી
16મી માર્ચ સુધીમાં આંગણવાડીઓમાં ઓનલાઈન કામગીરી બંધ કરવાનો નિર્ણય નહિં કરવામાં આવે તો 1355 આંગણવાડીઓના કર્મચારીઓ હડતાળ પર ઉતરશે.

Published : March 3, 2026 at 7:55 PM IST
|Updated : March 3, 2026 at 8:56 PM IST
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના વઢવાણ સહિતના તાલુકાના આંગણવાડી વર્કર્સ અને બહેનો દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં 1355 જેટલી નાની મોટી આંગણવાડીઓ આવેલી છે. જેમાં 2710 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે. હાલના તબક્કામાં આંગણવાડીમાં ફરજ બજાવતી બહેનો પાસે ઓનલાઇન કામગીરી વધુ કરાવવામાં આવી રહી છે.
જેને લઇને આંગણવાડીમાં આવતા બાળકો ઉપર તેની ખૂબ ગંભીર અસર પડી રહી છે, અને આંગણવાડીમાં આવતા બાળકો માટે જે કામો કરવાના હોય તે આંગણવાડી કાર્યકરો સહિતના કર્મચારીઓ નથી કરી શકતા. જેને લઈને આજે મંગળવારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે આંગણવાડી વર્કરો એકત્રિત થઈ અને ત્યારબાદ પ્રોજેક્ટ ઓફિસરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી.
આંગણવાડી કર્મચારીઓનું કહેવું છેકે, ઓનલાઇન કામગીરી બંધ કરાવવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે, એપ્લિકેશન અપડેટના નામે હેરાનગતિ કરવામાં આવી રહી છે, તે પણ સદંતર પણે બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, અને આ મુદ્દે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે. 16 માર્ચ સુધીમાં જો નિર્ણય નહીં કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાની તમામ આંગણવાડીઓમાં હડતાળ પર ઉતરવાની ચિમકી આપવામાં આવી છે, અને આ અંગે લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી છે.

હાલના તબક્કામાં ઓનલાઇન કામગીરીમાં બાળકોના વજન એફઆરએસ તેમજ એમએમવાય વિતરણની કામગીરી અને એવિટીમાં બાળકોના ફોટા અપલોડ કરવાની કામગીરી કરાવવામાં આવી રહી છે, અને એપ્લિકેશનનો ચાલી રહી નથી, તેવી રજૂઆત આંગણવાડીમાં ફરજ બજાવતી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.

બીજી તરફ આંગણવાડીમાં આપવામાં આવતા ચણા સહિતની વસ્તુ છે, તે સડેલા આપવામાં આવતા હોવાની રજૂઆત કરવામાં આવી છે, અને આંગણવાડીમાં અપાચી વસ્તુઓમાં ક્વોલિટી ન જળવાતા હોબાળા થતા હોય ત્યારે યોગ્ય ક્વોલિટીની વસ્તુ જ આંગણવાડીમાં આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. ઓનલાઇન કામગીરી બંધ નહીં કરાવવામાં આવે તો આગામી 16 તારીખથી હડતાળ ઉપર ઉતરવાની ચિમકી આંગણવાડી કર્મચારીઓએ ઉચ્ચારી છે.

આ પહેલાં જ્યારે 12 ફેબ્રુઆરીએ રાજ્યવ્યાપી હડતાળ હતી ત્યારે, અમે ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી બંધ રાખી હતી, અને ત્યારે અમે કહ્યું હતું કે, બજેટમાં અમારો ઉલ્લેખ કરવામાં આવે, પરંતુ બજેટમાં અમારો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અમારો કોઈ પગાર વધારો કરવામાં આવ્યો નથી, એટલા માટે અમારે આવેદનપત્ર આપવાની ફરજ પડી છે. આગામી 5 માર્ચથી 16 માર્ચ સુધી અમે ઓફલાઈન આંગણવાડી કેન્દ્ર ચાલુ રાખીશું પરંતુ ઓનલાઈન એક પણ કામગીરી નહીં કરીએ, માત્ર પોષણ રોકોર્ડમાં હાજરી પુરીશું. આ સિવાઈ કોઈ કામગીરી નહીં કરીએ. -પ્રીતિબેન ચાવડા, આંગણવાડી કાર્યકર

અમે 5 માર્ચથી બધી જ ઓનલાઈન કામગીરી બંધ કરી દઈશું, આ અંગેની અમે લેખિત રજૂઆત કરી છે. અમારી લડત સરકાર સામે છે. સૌથી પહેલા અમને હાઈકોર્ટના ચુકાદા અનુસાર પગાર ધોરણ કરી દે અને જો ઓનલાઈન કામગીરી કરાવવી હોય તો અમને ઈન્ટરનેટ સાથેનો મોબાઈલ આપે. -પાયલબેન મકવાણા, આંગણવાડી કાર્યકર

'મોબાઈલ ફોન આપવામાં આવ્યો નથી અને તે છતાં પણ ઓનલાઇન કામગીરી કરાવવામાં આવી રહી છે. મોબાઇલમાં અપડેટ આવે છે, પરંતુ 2022 થી પગારમાં કોઈ અપડેટ સરકારે નથી આપ્યું'- હંસાબેન ટાંક, ખોડું આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારી
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી આંગણવાડીના કર્મચારીઓ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આઈસીડીએસ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી, જેવી ઓનલાઈન કામગીરી બંધ કરાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રજૂઆત કરવા આવેલા હંસાબેન ટાંક નામના મહિલા કર્મચારીએ જણાવ્યું હતું કે, મોબાઈલ ફોન આપવામાં આવ્યા નથી. છતાં પણ સરકાર દ્વારા ઓનલાઇન કામગીરી કરાવવામાં આવી રહી છે.
નાના બાળકોને સામે જોવડાવી અને ફોટા પાડવા ખૂબ કઠિન પરિસ્થિતિ છે. તેમ છતાં પણ ફોટા પાડી અને ઓનલાઇન અપલોડ કરી રહ્યા છે. બીજી તરફ સરકાર દ્વારા મોબાઈલ ફોન આપવામાં આવ્યા નથી, ઘરના મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને આ કામગીરી કરવામાં આવી રહી છે. 2022 પછી પગારમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, માત્ર ઓનલાઇન ચાલતી એપ્લિકેશન અપડેટ કરાવવામાં આવી રહી છે.

'મળેલી તમામ રજૂઆતો સરકાર સુધી અને મહિલા અને બાળ વિકાસ વિભાગ સુધી પહોંચાડવામાં આવશે' - ભાવના ઝીડિયા પ્રોજેકટ ઓફિસર
આજે આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલાઓ દ્વારા ઓનલાઇન કામગીરી બંધ કરાવવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. 16 માર્ચથી હડતાળની પણ ચીમકી આપવામાં આવી છે, ત્યારે આ સમગ્ર ઘટનાની રજૂઆત બાદ પ્રોજેક્ટ ઓફિસર આઇસીડીએસ વિભાગના અધિકારી ભાવનાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જે રજૂઆતો બહેનો દ્વારા કરવામાં આવી છે કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ સુધી પહોંચાડવામાં આવશે. મહિલાઓને નવા મોબાઈલ મળે અને ઓનલાઈન કામગીરી વ્યવસ્થિત ચાલે તે પ્રકારની ભલામણ કરવામાં આવશે અને કામગીરીમાં પણ રાહત મળે તે પ્રકારની રજૂઆત વિભાગ સુધી કરવાની ખાતરી ભાવનાબેન દ્વારા આપવામાં આવી છે.

